
ભરૂચ : ખેડૂતો માટે માથાનો દુખાવો બનેલી ખેતીવાડી વીજ લાઇનની વાયર ચોરી કરતી ગેંગને આખરે હાંસોટ પોલીસે ઝડપી પાડી છે.પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને વાયર ચોરીના કુલ 4 ગુનાઓનો ભેદ ઉકેલવામાં મોટી સફળતા મેળવી છે. આ ઓપરેશન દરમિયાન પોલીસે આંતરરાજ્ય કનેક્શન અને ભંગારના વેપારીઓ સહિત કુલ 12 આરોપીઓની ધરપકડ કરી છે અને તેમની પાસેથી રૂપિયા ૨૦.૬૦ લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ રિકવર કર્યો છે.
મળતી માહિતી અનુસાર, ભરૂચના હાંસોટ અને પાનોલી પોલીસ સ્ટેશન વિસ્તારના અંતરિયાળ સીમ વિસ્તારોમાં ખેતીવાડી વીજ લાઇનના વાયર ચોરી થવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. આ ગંભીર બાબતને ધ્યાને લઈ હાંસોટ પોલીસ ઇન્સ્પેક્ટર એન.એ. વસાવાની ટીમે ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
પોલીસની સઘન તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ શાતિર ટોળકીના સભ્યો દિવસના સમયે સીમ વિસ્તારોમાં ફરીને અંતરિયાળ ગામોની વીજ લાઇનોની રેકી કરતા હતા. ત્યારબાદ મધરાતે ચાલુ વીજ લાઇનને હેક્સો બ્લેડ અને પકડ જેવા સાધનોની મદદથી કાપી નાખતા હતા. જ્યારે ટોળકીના કેટલાક સભ્યો પોલીસ કે ગ્રામજનોની અવરજવર પર નજર રાખતા (વોચ ગોઠવતા) હતા, ત્યારે અન્ય સભ્યો વાયરના નાના-નાના ટુકડા કરી કોથળાઓમાં ભરી લેતા હતા. ચોરી કરેલો મુદ્દામાલ બાઇક અને ટેમ્પો જેવા વાહનો દ્વારા ઝાડી-ઝાંખરામાં છુપાવી દેવાતો અને ત્યારબાદ ભંગારના વેપારીઓને સસ્તા ભાવે વેચી દેવામાં આવતો હતો.
પોલીસે આ ગેંગના કેફ ઇલ્યાસ શેખ, વિશાળ વસાવા, શનિકુમાર વસાવા, વિનોદ પટેલ, રાહુલ વસાવા, તરૂણ વસાવા, સુનિલ વસાવા, પિયુષ વસાવા, રાજકુમાર વસાવા, વસીમ શેખ, નૂર નબી સૈયદ અને સોનાદેવી ચૌરસીયા સહિત ૧૨ સાગરીતોને દબોચી લીધા છે. પકડાયેલા આરોપીઓ પાસેથી પોલીસે ૧૭.૪૫ લાખની કિંમતના એલ્યુમિનિયમના વાયર, ગુનામાં વપરાયેલા વાહનો અને ૯ નંગ મોબાઇલ ફોન મળી કુલ ₹૨૦,૬૦,૮૦૦નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
આ ગુનાનો ભેદ ઉકેલવામાં પો.ઇન્સ એન.એ.વસાવા,પો.સબ.ઇન્સ. પી.કે.રાઠોડ ,એ.એસ.આઇ પિયુષભાઇ દિલાવરભાઇ , એ.એસ.આઇ ભુપતસિંહ જેસિંગભાઇ ,એ.એસ.આઇ અજયભાઇ રણછોડભાઇ ,અ.હે.કો કિરણભાઇ મોહનભાઇ ,આ.હે.કો ગિરિશભાઇ મગનભાઇ ,અ.પો.કો ભુરાભાઇ માયાભાઇ ,અ.પો.કો.જયદીપભાઇ રમેશભાઇ ,અ.પો.કો.કિશનભાઇ વિરમભાઇ ,અ.પો.કો.મનિષભાઇ શાંતિલાલ ,અ.પો.કો.ભુપતભાઇ ભાવસિંગભાઇએ જાહેરમત ઉઠાવી હતી.
છે.
Published On - 12:54 pm, Sat, 20 June 26