
Bharuch : ભરૂચ જિલ્લામાં કોમી વૈમનસ્ય ફેલાય તેવી પોસ્ટ સોશિયલ મીડિયા(Social Media)માં વાયરલ કરનાર બે લોકોની દહેજ પોલીસે ધરપકડ કરી છે. કોમી સંવેદનશીલ ભરૂચમાં આ બે લોકોએ ખોટી પોસ્ટ સોશિયલ મીડિયામાં અપલોડ કરી હતી. આ પોસ્ટ પોલીસતંત્ર માટે ચિંતાનો વિષય બની હતી. સમાજને ગેરમાર્ગે દોરવાના પ્રયાસ મામલે દહેજ પોલીસે ગુનો દાખલ કરી બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દહેજ પોલીસની એક યાદીમાં જણાવ્યા અનુસાર સોશિયલ મીડિયામાં જાહેર સુલેહ શાંતિનો ભંગ થાય તેવી પોસ્ટ અપલોડ થઇ હતી. આ ઘટના બાદ વડોદરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ તથા SP ભરૂચ મયુર ચાવડાએ જીલ્લામાં સોશિયલ મીડીયામાં મેસેજ વાયરલ કરી બે-કોમ વચ્ચે કોમી વૈમનસ્ય કે દ્વેષ ઉભો ના થાય અને જાહેર સુલેહ શાંતિનો ભંગ ના થાય તે માટે કાર્યવાહીના આદેશ કર્યા હતા. દહેજ પોલીસે આ ગંભીર ઘટનામાં આરોપીઓને પકડી પાડવા માટેતપાસ શરૂ કરી હતી. ઉપરી અધિકારીઓની સૂચના બાદ આ મામલા અનુસંધાને ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક એમ.એમ.ગાંગુલીના માર્ગદર્શન મુજબઆરોપીઓની શોધખોળ શરૂ કરાઈ હતી.
દહેજ પોલીસ સ્ટેશનના PI પી.આર.વાધેલાએ તકનીકી તપાસ દ્વારા સોશ્યલ મીડીયામાં મેસેજ વાયરલ કરી બે- કોમ વચ્ચે કોમી વૈમનસ્ય કે દ્વેષ ઉભો ના થાય અને જાહેર સુલેહ શાંતિનો ભંગ ના થાય તે માટે સતત સોશ્યલ મીડીયા ઉપર વોચ રાખવાની શરૂઆત કરી હતી. આ દરમિયાન દહેજના જોલવા ગામે વ્યક્તિગત તકરારના બનાવમાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધર્યા બાદ સોશ્યલ મીડીયા વોટસએપમાં બે કોમ વચ્ચે કોમી વૈમનસ્ય વૈમનસ્ય કે દ્વેષ ઉભો થાય અને જાહેર સુલેહ શાંતિનો ભંગ થાય તેવા ખોટા મેસેજ વાયરલ થયા હોવાની હકિકત ધ્યાને આવતા તાત્કાલીક ખોટા મેસેજ વાયરલ કરનારની ખરાઇ કરી ખોટા મેસેજ વાયરલ કરનાર વિરુધ્ધ ગુનો રજીસ્ટર કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
દહેજ પોલીસે ગુનામાં પ્રદિપસિંહ લક્ષ્મણસિંહ પરમાર રહે.જોલવા તા.વાગરા જી.ભરૂચ અને દેવેન્દ્રભાઇ નટુભાઇ પ્રજાપતી રહે.જોલવા તા.વાગરા જી.ભરૂચની ધરપકડ કરી છે. PI પી.આર.વાધેલાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે આવા ખોટા મેસેજથી ન પ્રેરાવા ભરૂચ પોલીસ આમ જનતાને અપીલ કરે છે અને આવા ખોટા મેસેજ વાયરલ કરનાર વિરુધ્ધ વધુ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે.