
નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ના અંતિમ દિવસો હવે ગણતરીના બાકી રહ્યા છે, ત્યારે ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરના નાગરિકો માટે એક મહત્વની સૂચના અને અપીલ જાહેર કરવામાં આવી છે. માર્ચ એન્ડિંગને ધ્યાનમાં રાખીને નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા તમામ મિલ્કત ધારકોને પોતાનો બાકી રહેલો મિલ્કત વેરો અને અન્ય ટેક્સ વહેલી તકે ભરી દેવા સૂચના આપી છે.
ભરૂચ નગરપાલિકાના મિલકતવેરાની આંકડાકીય માહિતી
ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલે જણાવ્યું છે કે, “શહેરના વિકાસમાં નાગરિકોનો સહકાર અમૂલ્ય છે. ભરૂચવાસીઓ માર્ચ એન્ડિંગ પહેલાં પોતાનો વેરો ભરીને જવાબદાર નાગરિક તરીકેની ફરજ અદા તે જરૂરી છે. વેરો ભરપાઈ ન કરનારે દંડ ચૂકવવો પડશે.
કુલ વાર્ષિક ૧૮.૮૧ કરોડના મિલ્કત વેરાન લક્ષયાંક સામે હજુ ૧૪.૫૪ કરોડ રૂપિયાનો વેરો પ્રાપ્ત થયો છે. હજુ ૨૨% લોકોએ વેરો જમા કરાવ્યો નથી જેમની સામે કાર્યવાહી શરૂ કરાઈ છે. 31 માર્ચ સુધીમાં વેરો ભરપાઈ ન કરનારને ૧૮% પેનલ્ટી ફટકારવામાં આવશે અને ત્યાર બાદ પાણી -ગટર કનેક્શન કાપી નાખવાની પણ કાર્યવાહી કરવાની તૈયારી હાથ ધરાઈ છે.
નગરપાલિકાના સત્તાધીશોના જણાવ્યા અનુસાર, સમયસર ટેક્સ ભરવાથી નાગરિકો વધારાના દંડ અને વ્યાજની રકમથી બચી શકે છે. આ વેરાની આવકનો સીધો ઉપયોગ શહેરની સ્વચ્છતા, રોડ-રસ્તા, સ્ટ્રીટ લાઈટ અને પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ તેમજ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સને ગતિ આપવા માટે કરવામાં આવે છે.
નાગરિકો પોતાનો ટેક્સ ભરવા માટે નગરપાલિકા કચેરીમાં જઈ શકે છે. આ ઉપરાંત, ટેકનોલોજીના યુગમાં ભીડથી બચવા માટે નગરપાલિકાએ ઓનલાઈન પેમેન્ટ માધ્યમથી પણ વેરો સ્વીકારવાની સુવિધા કાર્યરત રાખી છે જેથી નાગરિકો ઘરે બેઠા પણ પોતાની જવાબદારી નિભાવી શકે છે.
નગરપાલિકા તંત્ર દ્વારા કરદાતાઓની સુવિધા માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી ૩૧મી માર્ચ સુધી તમામ રજાના દિવસોમાં પણ નગરપાલિકાની ટેક્સ વસૂલાત શાખા ચાલુ રાખવામાં આવશે. આ નિર્ણય પાછળનો હેતુ એ છે કે નોકરીયાત વર્ગ અથવા જેઓ અઠવાડિયા દરમિયાન વ્યસ્ત હોય તેઓ રજાના દિવસે પણ સરળતાથી પોતાનો ટેક્સ જમા કરાવી શકે.
Published On - 4:36 pm, Thu, 26 March 26