
ભરૂચમાં ડો. કેરણ સી. પટેલ મેડિકલ કોલેજના MBBS ઇન્ટર્ન ડોક્ટર્સ સ્ટાઇપેન્ડ વધારવાની માંગ સાથે હડતાળ પર ઉતરી ગયા છે. 150થી વધુ ઇન્ટર્ન ડોક્ટર્સે ધરણા પ્રદર્શન કરીને પોતાનો અવાજ બુલંદ કર્યો છે. તેમની મુખ્ય માંગ હાલના ₹15,300ના માસિક સ્ટાઇપેન્ડને વધારીને ₹21,800 કરવાનું છે. આ માંગણી સાથે તેમણે ડીન, પ્રિન્સિપાલ અને હોસ્પિટલ મેનેજમેન્ટને લેખિત રજૂઆત પણ કરી છે.
આ ઇન્ટર્ન ડોક્ટર્સના જણાવ્યા અનુસાર, તેમને હોસ્પિટલમાં ઇમરજન્સી સેવાઓ, ઓપીડી (આઉટપેશન્ટ ડિપાર્ટમેન્ટ) અને વોર્ડ મેનેજમેન્ટ સહિતની મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપવામાં આવે છે. આટલી ગંભીર અને લાંબા સમયની ફરજો નિભાવવા છતાં, તેમને મળતું વર્તમાન સ્ટાઇપેન્ડ ખૂબ જ ઓછું અને અપૂરતું છે. દેશમાં વધતી જતી મોંઘવારી અને હોસ્પિટલમાં કામના સતત વધતા ભારણને ધ્યાનમાં રાખીને, સ્ટાઇપેન્ડમાં નોંધપાત્ર વધારો કરવો અનિવાર્ય છે તેવો તેમનો દાવો છે.
વિરોધ કરી રહેલા ડોક્ટર્સે જણાવ્યું હતું કે, અગાઉ તેમને ₹18,000 સ્ટાઇપેન્ડ આપવાની વાત કરવામાં આવી હતી, પરંતુ વાસ્તવિકતામાં તેમને માત્ર ₹15,300 જ ચૂકવવામાં આવે છે. જ્યારે તેમણે મેનેજમેન્ટ સમક્ષ આ મુદ્દે રજૂઆત કરી, ત્યારે તેમની વાત સાંભળવામાં આવી ન હતી. એટલું જ નહીં, તેમને ધમકીઓ પણ આપવામાં આવી હતી કે જો તેઓ વિરોધ કરશે તો ₹500 જે વધારાના મળે છે તે પણ ખેંચી લેવામાં આવશે અને તેમને ઇન્ટર્નશીપમાં એક્સટેન્શન આપી દેવામાં આવશે. આ પ્રકારની ધમકીઓએ ડોક્ટર્સમાં વધુ રોષ પેદા કર્યો છે.
હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા વિદ્યાર્થીઓ સાથે બેઠક યોજીને ચર્ચા દ્વારા આ મુદ્દાનો ઉકેલ લાવવાની તૈયારી બતાવવામાં આવી હતી. મેનેજમેન્ટે કેટલીક અરજીઓ પર કાર્યવાહી કરીને તેમના પૈસા ખાતામાં જમા થયા હોવાનો પણ દાવો કર્યો હતો. તેમ છતાં, વિદ્યાર્થીઓએ મેનેજમેન્ટની હૈયાધારણા પર વિશ્વાસ ન રાખીને પોતાનું વિરોધ પ્રદર્શન ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. “સ્ટાઇપેન્ડ બઢાઓ, સ્ટાઇપેન્ડ બઢાઓ” ના નારા સાથે તેઓ પોતાની માંગ પર અડગ રહ્યા છે.
આ મુદ્દે વધુ ચર્ચા કરવા માટે અને ઇન્ટર્ન ડોક્ટર્સના સીએમડી (ચીફ મેડિકલ ડિરેક્ટર) સાહેબ સાથે મુલાકાત ગોઠવવા માટે 13મી તારીખે વડોદરા ખાતે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. ડોક્ટર્સ આશા રાખી રહ્યા છે કે આ મીટિંગમાં તેમની માંગણીઓ પર સકારાત્મક નિર્ણય લેવામાં આવશે. હાલ પૂરતું, ભરૂચમાં ઇન્ટર્ન ડોક્ટર્સની હડતાળ યથાવત છે અને તેઓ ન્યાય મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવા કટિબદ્ધ છે.
સરસપુરમાં જગન્નાથજી, સુભદ્રાજી અને બળદેવજીના મામેરાના દર્શનાર્થે ભક્તો ઉમટ્યા