ભરૂચ જિલ્લા(Bharuch)નો કાનમ પ્રદેશ કપાસની ખેતી માટે જાણીતો છે. લેટ સીઝન છતાં ચાલુવર્ષે આ વિસ્તારમાં કપાસની ખેતી(Cotton Farming) કરનાર ખેડૂત ખુશખુશાલ નજરે પડી રહયા છે. સારા ઉત્પાદન સાથે પોષણસમ ભાવ મળતાં કપાસના ખેડૂતો ઉત્સવ મનાવી રહ્યા છે. ગત વર્ષે જળસંચયની દ્રષ્ટિએ વરસાદ ઓછો જણાયો પણ વિરામ સાથે પડતા વરસાદે ખેતીને ખુબ સારું પોષણ આપ્યું જેનો લાભ ખેડૂતોને લણણી સમયે મળ્યો છે. અગાઉના વર્ષે પ્રતિ કવીન્ટ મળેલા 5000 રૂપિયાના ભાવ સામે ચાલુ વર્ષે 10000 રૂપિયા ભાવ મળતા આવક બમણી થવાથી ખેડૂતો બે પાંદડે થયા છે.
ભરૂચ જિલ્લામાં જંબુસર અને આમોદ તાલુકામાં મોટાપાયે કપાસની ખેતી થાય છે. આ ઉપરાંત વાગરા , ભરૂચ અને ઝઘડિયાના કેટલાક વિસ્તાર કપાસની ખેતી માટે જાણીતો છે. 10 થી 12 મહિનાના ગાળાના આ પાક ઉપર ઘણા ખેડૂતોની વાર્ષિક આવક નિર્ભર રહેતી હોય છે. મોટાભાગે ખેડૂત વાવેતર એ રીતે કરતા હોય છે કે લણણી દિવાળી પહેલા થાય અને ખેડૂતો સારી દિવાળી અને ખુશખુશાલ વાતાવરણમાં નવા વર્ષને આવકાર આપી શકે.
ચાલુવર્ષે કપાસના પાકે ખેડૂતોને પ્રફુલ્લિત બનાવ્યા છે. દાંડા ગામના ખેડૂત વિમલ પટેલે જણાવ્યું હતું કે ચાલુ વર્ષે સારા ઉત્પાદન અને બમણા ભાવે કાનમ ક્ષેત્રના ખેડૂતોને સારો લાભ આપ્યો છે. ખેતી નિષ્ણાંત નિર્મળસિંહ યાદવે જણાવ્યું હતું કે ચોમાસુ ભરપૂર એ પાણીના સિંચન માટે સારી બાબત છે પણ ખેતરોમાં વધુ દિવસ પાણી ભરાઈ રહે તો પાકને નુકસાન થાય છે . ગત વર્ષે ચોમાસામાં વરસાદ તબક્કાઓમાં પડ્યો હતો. જરૂરિયાત સમયે પૂરતું પાણી મળવાથી પાક સારો થયો અને સારી કિંમતે ખેડૂતોના ચહેરા ઉપર સ્મિત છલકાવ્યું હતું.
આમોદના ખેડૂત નિલેશ પટેલે જણાવ્યું હતું કે આમોદ તાલુકામાં કપાસનું સારું વાવેતર થાય છે. ઘણા ખેડૂતોને ઉત્પાદન ઓછું પણ મળ્યું હશે તો પણ સારા ભાવે ખોટ દૂર કરી છે. ખેડૂત હિતેશ પટેલે કહ્યું હતું કે અગાઉના વર્ષે એક કવીન્ટલ કપાસનો ભાવ 5000 રૂપિયા મળ્યો હતો જે ચાલુ વર્ષે 10000 રૂપિયા મળ્યો છે. આટલા સારા ભાવે ફરી દિવાળી કરાવી છે.
Published On - 1:17 pm, Tue, 19 April 22