ભરૂચ ભાજપમાં ‘ક્યાંક ખુશી ક્યાંક ગમ’: 6 બળવાખોરોની ઘરવાપસી, તો અંકલેશ્વરના દંપતીને પક્ષમાંથી પાણીચું

ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ એક તરફ શિસ્તભંગના પગલાં હેઠળ સસ્પેન્ડ કરાયેલા 6 દિગ્ગજ આગેવાનોના સસ્પેન્શન રદ કરીને તેમને પક્ષમાં પરત લીધા છે, તો બીજી તરફ શિસ્તના નામે અંકલેશ્વરના એક પૂર્વ નગરસેવક દંપતીને પક્ષમાંથી બહારનો રસ્તો બતાવી દીધો છે.

| Updated on: Apr 16, 2026 | 3:18 PM

ભરૂચ: જિલ્લાના રાજકારણમાં અત્યારે ભારે હલચલ જોવા મળી રહી છે. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ એક તરફ શિસ્તભંગના પગલાં હેઠળ સસ્પેન્ડ કરાયેલા 6 દિગ્ગજ આગેવાનોના સસ્પેન્શન રદ કરીને તેમને પક્ષમાં પરત લીધા છે, તો બીજી તરફ શિસ્તના નામે અંકલેશ્વરના એક પૂર્વ નગરસેવક દંપતીને પક્ષમાંથી બહારનો રસ્તો બતાવી દીધો છે.

દુધધારા ડેરી ચૂંટણીના બળવાખોરોની ઘરવાપસી

સપ્ટેમ્બર 2025 માં ભરૂચની દુધધારા ડેરીની ચૂંટણી સમયે ભાજપમાં મોટું ભંગાણ જોવા મળ્યું હતું. તત્કાલીન પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના મેન્ડેટ સામે બળવો કરીને 6 આગેવાનોએ ભાજપના જ ઉમેદવારો સામે શિંગડા ભેરવ્યા હતા. નર્મદા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ઘનશ્યામ પટેલ સામે વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાએ પેનલ ઉતારી હતી. આ સમયે કુલ સીટ પૈકી મહત્તમ મેન્ડેટ ઘનશ્યામ પટેલની પેનલને મળ્યા હતા જે સામે ધારાસભ્ય લાલઘૂમ બન્યા હતા

ભાજપના આ 6 નેતાઓએ પક્ષના મેન્ડેટ સામે બળવો કર્યો હતો

  1. શાંતાબહેન પટેલ
  2. વિનોદ પટેલ
  3. જીગ્નેશ પટેલ
  4. જગદીશ પટેલ
  5. હેમંતસિંહ રાજ
  6. નટવર પરમાર

આ તમામ નેતાઓએ ધારાસભ્ય અરૂણસિંહ રણાએ બનાવેલી પેનલમાંથી ચૂંટણી લડી હતી. જોકે, પક્ષ સામે બળવો કરવા છતાં તેઓ ડેરીની ચૂંટણીમાં પરાજિત થયા હતા. તે સમયે જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીએ આ તમામને સસ્પેન્ડ કર્યા હતા પરંતુ હવે અચાનક જ તેમના સસ્પેન્શન રદ કરી દેવાતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. નવાઈની વાત એ છે કે, આ મુદ્દે જિલ્લા પ્રમુખે મૌન સેવ્યું છે.

અંકલેશ્વરમાં ભાજપની ગાજ: વકીલ દંપતી સસ્પેન્ડ

એક તરફ જૂના બળવાખોરોને માફી મળી રહી છે ત્યારે અંકલેશ્વરમાં ભાજપે કડક વલણ અપનાવ્યું છે. અંકલેશ્વર નગરપાલિકાની ચૂંટણીમાં પક્ષની પેનલ સામે અપક્ષ ઉમેદવારી કરનાર પૂર્વ નગરસેવક નીતિન વકીલ અને તેમના પત્ની નયના વકીલ સામે પક્ષે લાલ આંખ કરી છે. શિસ્તભંગ બદલ આ દંપતીને તાત્કાલિક અસરથી પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

ભરૂચ ભાજપમાં લેવાયેલા આ બેવડા નિર્ણયોને લઈને ચર્ચા જાગી છે કે, પક્ષમાં શિસ્તના નિયમો શું વ્યક્તિ જોઈને બદલાય છે? એક તરફ જૂના વિરોધીઓને આવકાર અને બીજી તરફ નવા બળવાખોરોને સજા – આ જ અત્યારે ભરૂચના રાજકારણનો મુખ્ય ચર્ચાનો વિષય છે.

આ પણ વાંચો : Breaking News : સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલા ભાજપનો બિનહરીફ ઉમેદવારોમાં નવો વિક્રમ, 720 બેઠકો પર જીત નિશ્ચિત

Published On - 12:53 pm, Thu, 16 April 26

Follow Us