આદ્ય શક્તિ માં અંબાના ધામ અંબાજી ખાતે આવનારા સમયમાં વિશ્વનું સૌથી મોટું શ્રી યંત્ર સ્થાપિત થવા જઈ રહ્યું છે. અમદાવાદના જય ભોલે ગ્રુપ દ્વારા અંદાજીત 1 કરોડના ખર્ચે પંચ ધાતુમાંથી નિર્મિત દિવ્ય અને ભવ્ય શ્રી યંત્ર માં અંબાને અર્પણ કરવામાં આવશે. શ્રી યંત્રનું નિર્માણ નિર્વિઘ્ને પૂર્ણ થાય તે માટે જય ભોલે ગ્રુપના સભ્યો દ્વારા શ્રી યંત્રની પ્રતિકૃતિ સમાન મેરુ શ્રી યંત્ર સાથે ચારધામની યાત્રાનો નિર્ણય કરવામાં આવ્યો છે. શ્રી યંત્રના નિર્માણમાં કોઈ વિઘ્ન ન આવે એ માટે જય ભોલે ગ્રુપ અમદાવાદ 11 હજાર કિ.મી.ની ચારધામની યાત્રા કરશે જેનું આજે કલેક્ટરના હસ્તે પ્રસ્થાન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો :Banaskantha: કેનાલમાં સિંચાઈનું પાણી છોડવાની માંગ સાથે ખેડૂતોએ કર્યા સૂત્રોચ્ચાર, જુઓ Video
જય ભોલે ગ્રુપ અમદાવાદના દીપેશભાઈ પટેલ દ્વારા નિર્માણ થઈ રહેલું શ્રી યંત્ર વિશ્વનું સૌથી મોટું સાડા ચાર ફૂટનું શ્રી યંત્ર છે. જે તાંબુ, પિત્તળ, લોખંડ, સોનું અને ચાંદીએ પંચ ધાતુમાંથી બનાવવામાં આવશે. આ શ્રી યંત્ર અંદાજીત એક કરોડના ખર્ચે બનશે. પંચ ધાતુમાંથી બનનાર શ્રી યંત્રનું વજન 2200 કિલો હશે. જ્યારે શ્રી યંત્રની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ સાડા ચાર ફૂટ હશે.
હાલમાં વિશ્વનું સૌથી મોટું શ્રી યંત્ર ઉત્તરાખંડના ડોલાશ્રમમાં સ્થાપિત છે જે સાડા ત્રણ ફૂટનું છે. ચારધામ યાત્રામાં શ્રી યંત્રની પ્રતિકૃતિ રૂપે 32 કિલો વજનનું મેરુ શ્રી યંત્ર લઈ જવામાં આવનાર છે. જ્યાં દરેક મંદિર- ધામમાં તેની પૂજા અર્ચના કરવામાં આવશે. આ શ્રી યંત્ર અંબાજીમાં સ્થાપિત થતાં અંબાજી વિશ્વનું સૌથી મોટું અને મોંઘું શ્રી યંત્ર ધરાવતું મંદિર બનશે.
આ અગાઉ શક્તિપીઠ અંબાજી ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા યોજાઈ હતી. જેમાં માઈ ભક્તો તેમની શક્તિ અનુસાર સેવા આપી હતી. 51 શક્તિપીઠ મહોત્સવના ઉદઘાટન પ્રસંગે આ પવિત્ર ચામર માં અંબાના ચરણોમાં અર્પણ કરી તમામ 51 શક્તિપીઠો પર ચામરયાત્રા પણ યોજી હતી.
માં અંબાના ગર્ભ ગૃહમાં રાખવા માટે લેહ લદાખના ચાઈના બોર્ડરના વિસ્તારમાં જોવા મળતી ચામર જેવી જ ચામર મા અંબા માટે બનવાવવા યાક રિસર્ચ સેન્ટરની અમદાવાદના ભક્તોએ મુલાકાત લીધી હતી. તેમને યાક રિસર્ચ સેન્ટર દ્વારા જાણવા મળ્યું કે 44 હજારથી વધુ યાક છે. તેમાંથી ફક્ત 8 સફેદ યાક છે. સફેદ યાકમાં પણ જે યાક નાન્યતર જાતિની હોય તેની પૂંછડીમાંથી બનાવેલી ચામર માતાજીને ચડાવાય છે અને આવી ફક્ત 2 યાક જ મળવાપાત્ર છે.
અમદાવાદથી લેહ સફેદ યાક શોધવા માટે ગયેલા ભક્તોએ યાક રિસર્ચ સેન્ટરથી વિગતો મેળવીને લેહથી 200 કિ.મી. દૂર સોમોરીરીથી આગળ એક જગ્યાએ પહોંચ્યા હતા. જ્યારે પશુપાલકે સફેદ યાકના વાળ લેવા માટે અનુમતિ આપી હતી. ત્યારે તે અગ્નિપુરાણમાં વર્ણન અનુસાર 8, 16 અને 32 ગાંઠ મારીને આકર્ષક અને પવિત્રતા ધરાવતી ચામર અમદાવાદમાં બનાવવામાં આવી હતી.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…