શક્તિપીઠ અંબાજી ખાતે આજ થી 16 ફેબ્રુઆરી સુધી 51 શક્તિપીઠ પરિક્રમા યોજાવવાની છે. જેમાં માઈ ભક્તો તેમની શક્તિ અનુસાર સેવા આપી રહ્યાં છે. આજે 51 શક્તિપીઠ મહોત્સવના ઉદઘાટન પ્રસંગે આ પવિત્ર ચામર માં અંબાના ચરણોમાં અર્પણ કરી તમામ 51 શક્તિપીઠો પર ચામરયાત્રા પણ યોજાશે.
આ પણ વાંચો : Gujarati Video : અંબાજીમાં 12 થી 16 ફેબ્રુઆરી સુધી પાટોત્સવનું આયોજન,ગબ્બર પર જવા માટે ડાઇવર્ઝન અપાયું
જય ભોલે ગ્રૃપના દીપેશભાઈ બી પટેલ અને અન્ય સભ્યો માં અંબાના ચરણમાં ચામર અર્પણ કરીને 51 શક્તિ પીઠ પર ચામર યાત્રા કરશે. શિવમહાપુરાણમાં દર્શાવ્યા અનુસાર સતિ માતા પોતાના પિતા દક્ષ પ્રજાપતિ દ્વારા આયોજિત યજ્ઞમાં ભાગ લેવા જઇ રહ્યા હતા, ત્યારે ભગવાન શિવજીએ તેમની સાથે વિશેષ સન્માન અને ઉત્કૃષ્ટ અલૌકિક પવિત્રતાનાં પ્રતિક રૂપ ચામર અર્પણ કરી હતી.
માં અંબાના ગર્ભ ગૃહમાં હજી પ્રાચીન ચામર હયાત છે. તેવામાં માતાજીને લેહ લદાખના ચાઈના બોર્ડરના વિસ્તારમાં જોવા મળતી ચામર જેવી જ ચામર મા અંબા માટે બનવાવવા યાક રિસર્ચ સેન્ટરની અમદાવાદના ભક્તોએ મુલાકાત લીધી હતી. તેમને યાક રિસર્ચ સેન્ટર દ્વારા જાણવા મળ્યું કે 44 હજારથી વધુ યાક છે. તેમાંથી ફક્ત 8 સફેદ યાક છે. સફેદ યાકમાં પણ જે યાક નાન્યતર જાતિની હોય તેની પૂંછડીમાંથી બનાવેલી ચામર માતાજીને ચડાવાય છે અને આવી ફક્ત 2 યાક જ મળવાપાત્ર છે. અમદાવાદથી લેહ સફેદ યાક શોધવા માટે ગયેલા ભક્તોએ યાક રિસર્ચ સેન્ટરથી વિગતો મેળવીને લેહથી 200 કિ.મી. દૂર સોમોરીરીથી આગળ એક જગ્યાએ પહોંચ્યા હતા.
પહાડી વિસ્તારમાં યાકના ઝુંડમાં સફેદ યાક જોવા મળતા જ સાથે લઈ ગયેલા બૌદ્ધ ગુરુની સલાહ લીધી હતી. તેમના દ્વારા સમજાવતા પશુપાલકે સફેદ યાકના વાળ લેવા માટે અનુમતિ આપી હતી. જે રીતે અગ્નિપુરાણમાં વર્ણવેલ છે તે મુજબ 8, 16 અને 32 ગાંઠ મારીને આકર્ષક અને પવિત્રતા ધરાવતી ચામર અમદાવાદમાં બનાવવામાં આવી હતી. 51 શક્તિપીઠ ખાતે પ્રથમ વખત આયોજીત થનાર આ ચામરયાત્રામાં શ્રધ્ધાળુઓને પધારવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આમંત્રણ પાઠવાયું છે.