વાવાઝોડા બાદ બનાસકાંઠાના હાલ બન્યા બેહાલ, એક વ્યક્તિ અને 20 પશુના ધાનેરામાં મોત, વેરવિખેર જોવા મળ્યા મકાનોના પતરાં

બનાસકાંઠામાં ભારે પવન સાથે વરસાદ ખાબકતા એક વ્યક્તિએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. જ્યારે ભારે વરસાદને પગલે 20થી વધુ પશુઓના મોત થયા છે. સ્થિતિની ગંભીરતાને જોતા જિલ્લા વિકાસ અધિકારીએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી.

વાવાઝોડા બાદ બનાસકાંઠાના હાલ બન્યા બેહાલ, એક વ્યક્તિ અને 20 પશુના ધાનેરામાં મોત, વેરવિખેર જોવા મળ્યા મકાનોના પતરાં
| Edited By: | Updated on: Jun 19, 2023 | 8:37 AM
Banaskantha : બનાસકાંઠામાં થરાદ સાથે સૌથી વધુ નુકસાન થયું હોય તો તે છે ધાનેરા. ધાનેરાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે. બનાસકાંઠાના ધાનેરામાં વાવાઝોડા સાથેના વરસાદે (Rain) પશુઓ જ નહીં માણસોનો પણ જીવ લીધો છે તો ખેડૂતોના પાકથી માંડીને રોડ સુદ્ધાં તૂટી ચુક્યા છે. ત્યારે ધાનેરામાં (Dhanera) આ સ્થિતિને પહોંચી વળવા સરકારી તંત્ર એલર્ટ  બન્યુ છે.
આ પણ વાંચો- Ahmedabad : આવતીકાલે ભગવાન જગન્નાથની નીકળશે ભવ્ય રથયાત્રા, સુરક્ષાને લઇને યોજાઇ ઉચ્ચ સ્તરીય બેઠક
અહીં ભારે પવન સાથે વરસાદ ખાબકતા એક વ્યક્તિએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. જ્યારે ભારે વરસાદને પગલે 20થી વધુ પશુઓના મોત થયા છે. સ્થિતિની ગંભીરતાને જોતા જિલ્લા વિકાસ અધિકારીએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. જિલ્લા વિકાસ અધિકારીએ અસરગ્રસ્ત વિસ્તારોમાં જઇને સ્થિતિનો તાગ મેળવ્યો. સ્થિતિને પહોંચી વળવા માટે NDRF અને SDRFની ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. જો રાજસ્થાનમાંથી પણ વધુ પાણી આવે તો સ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ હોવાનો દાવો કરાઈ રહ્યો છે.
ધાનેરાના મોટી ડુગડોલ નજીકની રેલવે લાઈનની વાત કરીએ તો ભારે વરસાદને પગલે રેલવેનો આખો ટ્રેક ધોવાઈ ગયો છે. આ પરથી પાણીના ધસમસતા પ્રવાહનો અંદાજ લગાવી શકાય છે. પાણીનો પ્રવાહ કેટલો પ્રચંડ હશે કે રેલવેની આખી લાઈનમાં 20 મીટરનું ધોવાણ થઈ ગયું. લોખંડના પાટા હોય કે સિમેન્ટના મહાકાય ગડર, પાણીના પ્રચંડ પ્રવાહમાં આ તમામ માલસામગ્રી તણખલાની જેમ વહી ગઇ. રેલવે લાઇનનું ધોવાણ થતાં આ રૂટનો રેલવે વ્યવહાર પ્રભાવિત થયો છે.

ખેતરો બેટમાં ફેરવાયા

તો ધાનેરાના વીંછીવાડી ગામના ખેતરો બેટમાં ફેરવાયા છે. પૂરના પાણી ફરી વળતા ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. ખાસ કરીને હડતા અને વીંછીવાડીમાં વરસાદથી ભારે નુકસાનનો અંદાજ લગાવામાં આવી રહ્યો છે. અહીં ગામ હોય કે ખેતર, તમામ સ્થળોએ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.

મુખ્ય માર્ગ જ ધોવાયો

તો ભારે વરસાદને પગલે ધાનેરાના જડિયા ગામનો રોડ ધોવાઇ ગયો છે. ધાનેરાથી રાજસ્થાનને જોડતા મુખ્ય માર્ગ પર ધોવાણ થતાં વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે. ભારે વરસાદના કારણે રોડનો એક બાજુનો ભાગ તૂટી ગયો છે. રોડનો એક તરફનો ભાગ સંપૂર્ણ રીતે તબાહ થઇ ગયો છે. જો હજુ વરસાદ પડે તો રોડ વધુ ધોવાઇ શકે છે અને આસપાસના વિસ્તારોથી સંપર્ક કપાઇ શકે છે. રોડ પાણીમાં ધોવાઇ જતા રાહદારીઓ અને વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે.
બનાસકાંઠા સહિત ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો   

Published On - 8:24 am, Mon, 19 June 23