Banaskantha : બનાસકાંઠાના પાલનપુરમાં ભારે વરસાદને પગલે મોટાભાગના રસ્તા ખાડા ખૈયાવાળા બની ગયા છે. પાલનપુરનો હાઈ-વે હોય કે શહેરના માર્ગો. વાહન ચાલકોના હાડકા પહેલા જ વરસાદમાં ખોખરા થવા લાગ્યા છે. અમદાવાદ-આબૂરોડને જોડતા હાઈ-વે પર ખેમાણા ટોલ પ્લાઝા પર વાહન ચાલકો ટોલ ચુકવે છે.
તેનાથી થોડે જ દૂર મસમોટા ખાડા પડ્યા છે. આ ખાડાને પગલે બે-ત્રણ કિલોમીટર લાંબી વાહનોની કતાર લાગી જાય છે. તૂટેલા માર્ગોને કારણે વેપાર-ધંધાને પણ અસર થાય છે. વાહન ચાલકો વહેલી તકે વહીવટી તંત્ર રસ્તાનું પેચવર્ક શરૂ કરે તેવી લોકો માગ કરી રહ્યાં છે.
પાલનપુરમાં વર્ષોથી વરસાદમાં રસ્તા પર ખાડા પડે છે. અને લોકો હાલાકી ભોગવે છે. પાલિકામાં વિપક્ષી નેતાએ રોડના કામમાં વ્યાપક થતા ભ્રષ્ટાચારને કારણે ખાડા પડતા હોવાનો આક્ષેપ કર્યો છે. કોંગ્રેસના કાઉન્સિલરે કહ્યું કે વારંવાર રિનોવેશનના નામે પ્રજાની પરસેવાની કમાણીનો વ્યય થાય છે. અનેક લોકો ખાડામાં પટકાય છે. તેમજ નાના-મોટા અકસ્માતનો લોકો ભોગ બને છે. સરકારી અધિકારી અને જવાબદાર નેતાઓ સારી ગુણવત્તાવાળા રોડ બનાવે તો પ્રજાની હાલાકી ઓછી થાય.
તો બીજી તરફ અમદાવાદ પણ ભૂવારાજ જોવા મળ્યુ છે. આજે અમદાવાદના ફતેહવાડી વિસ્તારમાં અંબર ટાવરની સામે સવેરા હોટલ પાસે મસમોટો ભૂવો પડ્યો છે. આ મસમોટા ભૂવામાં AMCનો ટ્રક ફસાયો છે. વારંવાર આ પ્રકારના ભૂવા પડવાથી પ્રજાને હાલાકીનો સામનો કરવો પડે છે.
તો આ અગાઉ અમદાવાદના જશોદાનગર બાદ મકરબા વિસ્તારમાં પણ ભૂવો પડ્યો હતો. ભૂવો પડતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. ટોરેન્ટ સ્ટેશન પાસે રીચ મોંડ ગ્રાન્ડ બિલ્ડિંગની સામે ભૂવો પડતા ટ્રાફિકની સમસ્યા ભારે ઉભી થઈ છે. કોર્પોરેશનના તંત્રએ એક સપ્તાહ પહેલા પડેલા ભૂવાને માત્ર કોર્ડન કરીને સંતોષ માનતા લોકો તંત્ર સામે રોષે ભરાયા હતા.
બનાસકાંઠા જિલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો