બનાસકાંઠાના ઈકબાલગઢમાં માત્ર 15 જ મિનિટમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તાઓ સાથે ખેતરોમાં પાણી ભરાયા

| Edited By: | Updated on: Sep 26, 2021 | 5:15 PM

બનાસકાંઠા જિલ્લામાં સર્વત્ર મેઘમહેર થઇ છે.ડીસા અને દાંતીવાડામાં પડેલા ભારે વરસાદ બાદ સરહદી વિસ્તાર અમીરગઢ અને ઇકબાલગઢ પંથકમાં પણ નોંધપાત્ર વરસાદ પડ્યો છે.

BANASKANTHA : બનાસકાંઠાના ઈકબાલગઢમાં માત્ર 15 જ મિનિટમાં દોઢ ઈંચ વરસાદ વરસી જતાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયાં. વરસાદના અતિશય જોરને કારણે અનેક રસ્તાઓ પર ઝડપથી પાણી જમા થઈ જતાં વાહનચાલકો પાણીના પ્રવાહમાંથી પસાર થઈ રહ્યા છે… ધોધમાર વરસાદને કારણે ખેતરો પણ પાણી પાણી થઈ ગયાં.

બનાસકાંઠા જિલ્લામાં ગઈકાલ સાંજથી જ મેઘમહેર યથાવત રહેવા પામી છે. ખાસ કરીને ડીસા અને દાંતીવાડામાં પડેલા ભારે વરસાદ બાદ સરહદી વિસ્તાર અમીરગઢ અને ઇકબાલગઢ પંથકમાં પણ નોંધપાત્ર વરસાદ પડ્યો છે. ખાસ કરીને ઇકબાલગઢની વાત કરવામાં આવે તો બપોરે બે વાગ્યે 15 જ મિનીટમાં 1.5 થી 2 ઇંચ જેટલો વરસાદ પડી જતા રસ્તાઓ સાથે ખેતરોમાં પાણી ભરાયા છે.

બનાસકાંઠા જિલ્લામાં સર્વત્ર મેઘમહેર થઇ છે. બનાસકાંઠામાં વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ છે. બનાસકાંઠાના ડીસા સહિતના વિસ્તારોમાં મેઘમહેર શરૂ થતા અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. ડીસામાં ધોધમાર વરસાદ પડતાં સવારે 6 થી 8 બે કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત ગઈકાલે રાત્રેથી જીલ્લાના તમામ તાલુકાઓમાં ધીમીધારે વરસાદ પડી રહ્યો છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 14 તાલુકાઓમાં 1 ઇંચથી 6 ઇંચ સુધી વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ બનાસકાંઠાના દાંતીવાડામાં 6 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં 2.5 ઇંચ, ધાનેરામાં 2 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે રાજયમાં અત્યાર સુધી કુલ 82.40 ટકા વરસાદ વરસ્યો છે.

આ પણ વાંચો : AAPનો કોરોના સ્પ્રેડર ડાયરો? ત્રીજી લહેરની આશંકા વચ્ચે ગાંધીનગરમાં આમ આદમી પાર્ટીએ હજારોની ભીડ ભેગી કરી