રાજ્યમાં દિવસે- દિવસે હિટ એન્ડ રનની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે બનાસકાંઠાના ધાનેરામાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. અજાણ્યા વાહન ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતા આધેડનુ ઘટનાસ્થળે જ મોત નિપજ્યુ છે. ઘટનાની જાણ થતા પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ધાનેરા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તો બીજી તરફ ધાનેરા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ અગાઉ પણ બનાસકાંઠામા હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. બનાસકાંઠાના રાધનપુર ડીસા હાઈવે પર બાઈક ચાલક અને ટેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમા બાઈક ચાલકનું ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યુ મોત થયુ હતુ. જેમાં ડીસા રુરલ પોલીસ સ્ટેશનમા પીડિત પરિવારે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
તો થોડા દિવસો અગાઉ અમદાવાદના સોલા બ્રિજ પર એક્ટિવા પર ગાંધીનગર જઈ રહેલા ત્રણ યુવક- યુવતીને કારે ટક્કર મારતા અકસ્માત સર્જોયો હતો. કારની ટક્કર વાગતા ત્રણેય યુવક-યુવતીઓને ગંભીર ઈજાઓ થઈ હતી. અકસ્માતની જાણ થતા આસપાસના લોકો તાત્કાલીક ધોરણે ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા અને પીડિત લોકોને તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા.બેફામ બનેલો કારચાલક એક્ટિવાને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. જેના પર ટ્રાફિક પોલીસે સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.