
બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાનું ભાટવર ગામ છેલ્લા પાંચ દિવસથી વરસાદી પાણીના ભરડામાં છે. વરસાદે તો વિરામ લઈ લીધો છે, પરંતુ ગામના મુખ્ય માર્ગો અને નીચાણવાળા વિસ્તારો હજુ પણ ઘૂંટણસમા પાણીમાં ગરકાવ છે. ભાટવર-ડેડાવા રોડ પર સતત પાણીનો પ્રવાહ ચાલુ હોવાથી ગ્રામજનો, વિદ્યાર્થીઓ, નોકરિયાતો અને ખેડૂતોને દૈનિક કાર્યોમાં પારાવાર મુશ્કેલી પડી રહી છે. આ દયનીય સ્થિતિમાંથી બહાર આવવા માટે સ્થાનિકો સરકાર અને વહીવટી તંત્ર પાસે કાયમી ઉકેલની આશા રાખી રહ્યા છે.
પાંચ દિવસથી પાણી ન ઓસરવાના કારણે સામાન્ય જનજીવન થંભી ગયું છે. રાહદારીઓ, પશુઓ અને વાહનચાલકો માટે આ રસ્તા પરથી પસાર થવું અત્યંત જોખમી બની ગયું છે. ખાસ કરીને નાના બાળકોને શાળાએ જવા માટે આ ઘૂંટણસમા પાણીમાંથી ચાલીને નીકળવું પડે છે, જેના કારણે તેમના કપડાં ખરાબ થાય છે અને જીવનું જોખમ પણ રહેલું છે. એક સ્થાનિક શાળાના શિક્ષકના જણાવ્યા મુજબ, અસરગ્રસ્ત વિસ્તારોમાંથી આવતા 50 વિદ્યાર્થીઓમાંથી લગભગ 25 વિદ્યાર્થીઓ પાણીના કારણે શાળાએ આવી શકતા નથી, જે તેમના શિક્ષણ પર માઠી અસર કરી રહ્યું છે.
ખેડૂતોની સ્થિતિ તો વધુ દયનીય છે. ખેતરોમાં પાણી ભરાઈ રહેવાથી તેમને ખેતીકામ માટે પહોંચવામાં અડચણ પડી રહી છે. એક ખેડૂતના કહેવા મુજબ, ત્રણ ફૂટ પાણી ભરાઈ રહેવાથી ખેડૂતો ખેતરમાં જઈ શકતા નથી. ખેતરોમાં સાર ભરાઈ જવાનો ભય છે, જેનાથી ખેતીલાયક જમીન બચશે નહીં. પશુપાલકોને પણ ભારે નુકસાન થયું છે. બીમાર પશુઓને ડોક્ટર પાસે લઈ જવામાં પણ મુશ્કેલી પડી રહી છે. એક ખેડૂતે ઉદાહરણ આપતા જણાવ્યું કે તેમની બે ભેંસો પાણીમાં ફસાઈને મરી ગઈ છે. ખેડૂતો સરકારને વિનંતી કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે આ પાણીનો નિકાલ કરવામાં આવે અને ભવિષ્યમાં આવી સ્થિતિ ન સર્જાય તે માટે કાયમી વ્યવસ્થા કરવામાં આવે, જેથી તેઓ પોતાના પશુધનને અને ખેતીને બચાવી શકે.
સ્થાનિકોનો આક્ષેપ છે કે ચૂંટણી સમયે નેતાઓ આવે છે, વચનો આપે છે, પરંતુ ચૂંટણી પૂરી થતાની સાથે જ તેમના વચનો ઠાલા નીવડે છે. ગ્રામજનો હવે માત્ર સહાય નહીં, પરંતુ પાણી નિકાલની કાયમી વ્યવસ્થાની માગ કરી રહ્યા છે. આ સમસ્યા અંગે, પ્રધાન સ્વરૂપજી ઠાકોરે ખાતરી આપી છે કે જિલ્લામાં જ્યાં પણ રસ્તાઓ પર પાણી ભરાવાની સમસ્યા છે, ત્યાં ઝડપથી કામગીરી કરીને કાયમી ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે તૂટેલા રસ્તાઓ અને બોક્સ નાળા મુકવાના કામોને ફ્લડ પ્લાનમાં સમાવવામાં આવ્યા છે, અને વરસાદ આવે ત્યારે રસ્તાઓ બંધ ન થાય તે રીતે ઝડપી કામગીરી કરવામાં આવશે.
હવે જોવાનું એ રહેશે કે જિલ્લા વહીવટી તંત્ર અને જનપ્રતિનિધિઓ ગ્રામજનોની આ વર્ષો જૂની સમસ્યાનો ખરેખર કાયમી ઉકેલ લાવે છે, કે પછી ભાટવરના લોકો ફરી એકવાર માત્ર આશ્વાસનો પર જ નિર્ભર રહેશે. ગ્રામજનોની આશા છે કે આ વખતે તેમના અવાજને સાંભળવામાં આવશે અને તેમને આ જળબંબાકારની સમસ્યામાંથી મુક્તિ મળશે.
8-9 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી, અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ