નવા બંધારણને લઈને ઠાકોર સમાજમાં બે ભાગલા પડી ગયા છે. એકતરફ છે ડીજેનું સમર્થન કરી રહેલા કલાકારોનો પક્ષ, જેમા વિક્રમ ઠાકોર, ગબ્બર ઠાકોર, શીતલ ઠાકોર, અર્જુન ઠાકોર સહિતના છે. જ્યારે એક પક્ષ એવો છે જે સમાજમાં શિસ્ત અને સુધારા ઈચ્છે છે. જેમા સમાજના શ્રેષ્ઠીઓ સહિત સાંસદ ગેનીબેન, અલ્પેશ ઠાકોર, જગદીશ ઠાકોર સહિતના નેતાઓ સામેલ છે. આ તરફ DJ પ્રતિબંધનો વિરોધ કરી રહેલા કલાકાર વિક્રમ ઠાકોરનો રાધનપુર ભાજપના નેતા દિનેશ ઠાકોરે ઉધડો લેતા ઘણી ખરીખોટી સુણાવી છે.
રાધનપુર શહેર ભાજપના પૂર્વ પ્રમુખ દિનેશ ઠાકોરે વિક્રમ ઠાકોરને કડક શબ્દોમાં ચેતવણી આપી ચેતી જવા જણાવ્યુ છે. તેમણે વિક્રમ ઠાકોરને કહ્યુ કે તને આટલો સાથ સહકાર આપીને ઠાકોર સમાજે જ મોટો કર્યો છે. તારાને સરકારના વિવાદ વચ્ચે પણ તે સમાજ ભેગો કર્યો હતો. તારા માટે તારે સમાજની જરૂર છે. તે કેવા પિક્ચર બનાવ્યા છે, જેમા યુવાનોને પ્રેમના ગમમાં ડૂબેલા ને દારૂના રવાડે ચડેલા બતાવ છે. એવા જ નશેડીઓના ગીતો તે બનાવ્યા છે. હવે સમાજની વાતો કરે છે. આ સાથે દિનેશ ઠાકોરે વિક્રમ ઠાકોરને મર્યાદામાં રહેવાની સલાહ આપી છે. તેમણે ઉત્તર ગુજરાતમાં પાટણમાં કાર્યક્રમ કરી બતાવવા પડકાર ફેંક્યો છે.
આપને જણાવી દઈએ કે વિક્રમ ઠાકોરે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરનું DJ માં ગાવા બાબતે સમર્થન કર્યુ છે અને તેની તરફેણમાં બોલતા તેમણે જાહેર મંચ પરથી નિવેદન આપ્યુ કે, “આપણી બાજુ DJ બંધ નહીં થાય. જો કોઈ DJ બંધ કરાવવા આવે તો મને કહેજો.” વિક્રમે બંધારણ ઘડનાર સમાજના અગ્રણીઓ પર પણ નિશાન સાધ્યુ કે અનેક ગરીબ કલાકારોએ પોતાની જમીનો ગીરવે મૂકીને અને વેચીને લાખો રૂપિયાની સિસ્ટમ વસાવી છે. ત્યારે અચાનક બંધારણના નામે DJ બંધ કરી દેવાતા અનેક કલાકારો ઘરે બેસી ગયા છે, તેમની રોજી છીનવાઈ ગઈ છે. વિક્રમ ઠાકોરે સમાજના શ્રેષ્ઠીઓને પણ સવાલ કર્યો કે જો તમે તેમની કમાણી બંધ કરાવો છો તો તેમને રોજગાર કોણ આપશે? વિક્રમ ઠાકોર ગબ્બર ઠાકોરના સમર્થનમાં ખુલ્લેઆમ મેદાનમાં આવ્યા છે.
વિક્રમે ઠાકોરે કહ્યુ ઠાકોર સમાજના સંમેલનમાં પણ મે DJ મુદ્દે વિરોધ કર્યો હતો. ત્યારે મેં ગેનીબહેન ઠાકોરને એક વિનંતી કરી હતી.ત્યારે ગેનીબહેને કહ્યું કે તેઓએ બંધારણ નથી બનાવ્યું.પરંતુ બોલ્યા તો તમે જ હતાને ? પહેલા તો આગળ તમે જ આવ્યા હતા ને ? એક DJ માં 15 કલાકારો કામ કરે છે.એવા કેટલા લોકો આજે ઘરે બેસી રહ્યા છે.હવે જે લોકો ઘરે બેસી રહ્યા છે તેઓને રોજગાર તમે આપો.નોકરી આપો ધંધો આપો.
આ નિવેદનને કારણે ઠાકોર સમાજના આગેવાનો અને કલાકારો આમને સામને છે. વિક્રમ ઠાકોરના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર બે ફાંટા પડી ગયા છે. એક પક્ષ એવો છે જે સમાજમાં શિસ્ત અને સુધારા ઈચ્છે છે, જ્યારે બીજો પક્ષ કલાકારોના સમર્થનમાં છે. હાલમાં ઠાકોર સમાજનો લગ્નપ્રસંગોમાં DJ પ્રતિબંધનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.
આપને જણાવી દઈએ કે ઠાકોર સમાજના નવા બંધારણમાં સર્વાનમતે લગ્નપ્રસંગોમાં DJ વગાડવા પર પ્રતિબંધ મુકવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. તાજેતરમાં જ છાબડીયામાં આયોજિત લગ્ન પ્રસંગે DJમાં અર્જુન ઠાકોરે ગીતો ગાતા ઠાકોર સમાજ નારાજ થયો છે. સોશિયલ મીડિયા પર અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર સામે આક્રોશ ઠાલવ્યો છે.
ડીજે પ્રતિબંધનો ભંગ કરવા બદલ ગબ્બર ઠાકોર અને તેના કાકા લહેરાજી ઠાકોરને એક વર્ષ માટે સમાજ બહાર મૂકવામાં આવ્યા હતા.આ નિર્ણય સામે હવે ગબ્બર ઠાકોર અને તેમનો પરિવાર મેદાને ઉતર્યો છે. જાબડીયા ગામમાં યોજાયેલી બેઠકમાં તેમણે ન્યાયની માંગ ઉઠાવી હતી. મોટી સંખ્યામાં લોકો ગબ્બર ઠાકોરના સર્મથનમાં ઉમટી પડ્યા હતા અને ગબ્બર ઠાકોર સામે લેવાયેલા પગલાનો વિરોધ કર્યો છે. પરિવારનો આરોપ છે કે તેમની વિરુદ્ધ આયોજનબદ્ધ રીતે ષડયંત્ર કરવામાં આવ્યુ છે. તેમણે કોઈ બંધારણનો ભંગ કર્યો નથી. તેમને સાંભળ્યા વગર જ એકતરફી નિર્ણય લેવાયો છે. સિંગર ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરે દાવો કર્યો હતો કે તેમણે સમાજના બંધારણના કોઈ નિયમો નથી તોડ્યા નથી. ગામમાં ડીજે તેઓ લાવ્યા નથી, સામે પક્ષે ડીજેનું આયોજન હતું.. સાથે જ તેમણે દાવો કર્યો હતો કે બંધારણની નકલ ગામમાં આવી નથી.
Input Credit- Sunil Patel- Patan