
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આજે આપણે ગુજરાતની એક એવી દીકરીની પ્રેરણાદાયી સફર વિશે જાણીએ, જેણે રમત-ગમતના મેદાનમાં અનોખી સિદ્ધિ મેળવી છે. પાલનપુરના એક સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મેલી રાધિકા પટેલ આજે પોતાના સંકલ્પ અને મહેનતના બળે આંતરરાષ્ટ્રીય ફૂટબોલ મેદાન સુધી પહોંચી છે. ભારતીય મહિલા ફૂટબોલ ટીમમાં સ્થાન મેળવી રાધિકાએ માત્ર પોતાના પરિવાર જ નહીં, પરંતુ સમગ્ર બનાસકાંઠા અને ગુજરાતનું નામ ગૌરવથી ઊંચું કર્યું છે.
રાધિકા પટેલે પાલનપુરની વિદ્યામંદિર શાળામાંથી માધ્યમિક શિક્ષણ પૂર્ણ કર્યું. નાનપણથી જ તેમને રમત-ગમતમાં ખાસ રસ હતો. શાળાના દિવસોમાં રાધિકા હોકી રમતી હતી અને યોગાની વિવિધ સ્પર્ધાઓમાં પણ ભાગ લેતી હતી. રમત પ્રત્યેના આ જ જુસ્સા વચ્ચે એક દિવસ તેમણે ફૂટબોલમાં પણ હાથ અજમાવ્યો અને ત્યારબાદ તેમની સફર એક નવી દિશામાં આગળ વધી. ધીમે ધીમે ફૂટબોલ પ્રત્યેનો લગાવ વધતો ગયો અને મહેનતના બળે તેમણે પોતાની અલગ ઓળખ ઉભી કરી.
આજે રાધિકા પટેલ ફૂટબોલના મેદાનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતી આંતરરાષ્ટ્રીય ખેલાડી તરીકે જાણીતી બની છે. તેમની આ સફળતા પાછળ પરિવાર, શાળા અને કોચનો સતત સહકાર રહ્યો છે. બેંગ્લોરમાં યોજાયેલા ટ્રેનિંગ કેમ્પમાં ભાગ લીધા બાદ રાધિકાએ થાઈલેન્ડમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં ભારત તરફથી રમવાની તક મેળવી હતી, જે તેમની કારકિર્દી માટે મહત્વપૂર્ણ સિદ્ધિ સાબિત થઈ.
હાલમાં રાધિકા દાંતીવાડા યુનિવર્સિટીમાં એગ્રીકલ્ચર વિષયમાં અભ્યાસ કરી રહી છે. અભ્યાસ અને રમત બંને વચ્ચે સંતુલન જાળવી તેઓ આગળ વધી રહી છે અને સાથે સાથે પોતાના પરિવારનું ગૌરવ વધારી રહી છે.
રાધિકાની સફળતા વિશે તેમની માતા જણાવે છે કે રાધિકા નાનપણથી જ નવી ચેલેન્જ સ્વીકારવામાં આગળ રહેતી હતી. યોગા હોય કે રમતગમત, દરેક ક્ષેત્રમાં કંઈક નવું કરવાની તેમની ઇચ્છા હંમેશા રહી છે. આજે જ્યારે રાધિકા આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત માટે રમે છે, ત્યારે પરિવાર સાથે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ગર્વ અને ખુશીનો માહોલ છે.
રાધિકા પટેલની આ સફર માત્ર એક ખેલાડીની સફળતા નથી, પરંતુ ગુજરાતની અનેક દીકરીઓ માટે પ્રેરણારૂપ છે કે સંકલ્પ, મહેનત અને સપના હોય તો કોઈપણ ઊંચાઈ હાંસલ કરી શકાય છે.