બનાસકાંઠા જિલ્લાના ડીસાની મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર વર્ગના ઈન્ચાર્જ સર્કલ ઓફીસર લાંલ લેતા ઝડપાયા છે. નિવૃત્ત તલાટી નિવૃત્તી બાદ મામલતદાર કચેરીમાં કામ કરતા હોવાનુ સામે આવ્યુ હતુ અને તેઓ સર્કલ ઓફીસર વતીથી લાંચ લેતા ઝડપાયા હતા. એસીબીએ ગોઠવેલા છટકામાં લાંચ લેતા જ બંને જણા ઝડપાઈ જતા એસીબીએ ધરપકડ કરીને તપાસ શરુ કરી છે. સર્કલ ઓફીસર અને નિવૃત્ત તલાટીના ઘરની પણ જડતી લેવાની કાર્યવાહી શરુ કરી છે.
સરકારી કચેરીઓમાં અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચારે માઝા મૂકી છે, જેને લઈ લોકો પોતાના કામોને લઈ પરેશાનીઓ ભોગવી રહ્યા છે. ઉત્તર ગુજરાતના છેવાડાના તાલુકાઓમાં પણ ભ્રષ્ટાચારી અધિકારીઓએ પ્રજાને પરેશાન કરી મુકી છે.
ફરિયાદી ખેડૂતને પોતાની જમીનમાં વારસાઈ કરવાની હતી. વારસાઈ કરવા સાથે પરિવારમાં ભાઈઓની જમીનના ભાગ અલગ કરવાના હોઈ ભાગની જમીનો અલગ ભાઈઓને નામ કરવાની હતી. આ માટે થઈને કરેલી કાર્યવાહીને લઈ વારસાઈ અને વેચાણ દસ્તાવેજની કાચી નોંધો પડાવેલ હોઈ જે નોંધ મંજૂર કરવા માટે સર્કલ ઓફિસર રમેશ નાનજીભાઈ પ્રજાપતિએ 1800 રુપિયાની લાંચની માંગણી કરી હતી.
લાંચની રકમ આપવા માટે ખેડૂત તૈયાર નહીં હોઈ આ માટે થઈને એસીબીનો સંપર્ક કર્યો હતો. જેને લઈ ભૂજ સ્થિત એસીબી બોર્ડર એકમના મદદનીશ નિયામક કેએચ ગોહિલ દ્વારા છટકાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. પાલનપુર એસીબી પોલીસ સ્ટેશનના પીઆઈ એનએ ચૌધરીએ ડીસા જનસેવા કેન્દ્રમાં છટકાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.
પૈસા આપવા અંગે સર્કલ ઓફીસર રમેશ પ્રજાપતિએ તેમની કચેરીમાં જ કામ કરતા દશરથલાલ ચુનીલાલ ત્રિવેદીને આપવા માટે કહ્યુ હતુ. દશરથલાલ ત્રિવેદી અગાઉ તલાટી તરીકે ફરજ બજાવતા પરંતુ નિવૃત્તિ બાદ પણ તેઓ જનસેવા કેન્દ્રમાં સર્કલ ઓફિસર સાથે કામ કરતા હતા. જે પૈસા ફરિયાદીએ દશરથલાલને આપ્યા હતા અને જે તેમણે બાદમાં સર્કલ ઓફિસરનો ચાર્જ સંભાળી રહેલા રમેશ પ્રજાપતિને આપ્યા હતા. આમ છટકા દરમિયાન રંગેહાથ લાંચના પૈસા લેતા ઝડપાઈ જતા જ એસીબીએ તેમને ઝડપી લઈને કાર્યવાહી કરી હતી.
Published On - 6:51 pm, Fri, 18 August 23