ગુજરાતના અંબાજીમાં(Ambaji) દેશના સૌથી મોટા લાઈટ એન્ડ લેઝર શૉનું(Light And Laser Show) ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના(CM Bhupendra Patel) હસ્તે કરવામાં આવ્યું છે. આ પ્રસંગે રાજ્યના મંત્રીઓ સહિત સરકારના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આજથી ગબ્બર ગોખ પર લાઈટ એન્ડ લેસર શૉની શરૂઆત કરવામાં આવી છે . આ પૂર્વે સીએમ ભૂપેન્દ્ર પટેલ અંબાજી પહોંચ્યા હતા તેમજ માં અંબાની પૂજા અર્ચના કરી આરાધના કરી હતી. તેમની સાથે મંત્રી પુર્ણશ મોદી સહિત ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
અંબાજી ગબ્બર ખાતે 13. 35 કરોડના ખર્ચે નિર્માણ થયેલા લાઇટ એન્ડ સાઉન્ડ શૉ નું મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું છે. જેમાં વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ આદ્યશક્તિ પીઠ અંબાજીમાં ચૈત્રી નવરાત્રિના પાવન પર્વ દરમ્યાન તા. 8 થી 10 એપ્રિલના દિવસોએ શ્રી 51 શક્તિ પીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જૂનાગઢ ગિરનારની લીલી પરિક્રમાની પરિપાટીએ આ શ્રી 51 શક્તિપીઠ પરિક્રમાનું આયોજન અંબાજી ખાતે રાજ્ય સરકાર, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ઉપક્રમે કરવામાં આવ્યું છે.
જેના લીધે આદ્યશક્તિ ધામના દર્શને આવનારા લાખો શ્રદ્ધાળુઓને હવે એક જ સ્થળે એક સાથે 51 શક્તિપીઠના દર્શનનો લાભ મળતો થશે. મુખ્યમંત્રીએ કોટેશ્વર મહાદેવ મંદિર ખાતે રૂ. 3 કરોડના ખર્ચે નિર્માણ થનારા રિનોવેશન કાર્યો અને યાત્રી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. તેઓ ગબ્બર ખાતેના સાંસ્કૃતિક વિલેજનું ઉદઘાટન અને અંબાજી મંદિરની અદ્યતન વેબસાઇટનું લોન્ચીંગ પણ કર્યું હતું. જ્યારે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા વિકસાવાયેલી મોબાઇલ એપ પણ મુખ્યમંત્રીના હસ્તે લોંન્ચ કરવામાં આવી છે.
ચૈત્રી સુદ નવરાત્રિના પવિત્ર દિવસોમાં શ્રી 51 શક્તિપીઠ પરિક્રમાના બીજા દિવસે બહુચર આનંદ ગરબા મંડળ ટ્રસ્ટ, અમદાવાદના 646 મંડળો દ્વારા આનંદ ગરબાની અખંડ ધૂન 24 કલાક સુધી કરવામાં આવશે. 51 શક્તિપીઠ પરિક્રમા માર્ગમાં આવેલ તમામ મંદિરોમાં ધજા અર્પણ તેમજ પરિક્રમા યોજવામાં આવશે . અખિલ ભારતીય નાગર પરિષદ અને સમગ્ર ગુજરાત નાગર પરિષદ (મહામંડળ) દ્વારા 51 શક્તિપીઠ પરિક્રમા માર્ગમાં આવેલ કુલ-5 યજ્ઞશાળાઓમાં વિવિધ પ્રકારના યજ્ઞો કરવામાં આવ્યા છે. બનાસકાંઠા જિલ્લાની વિવિધ ભજન મંડળીઓ દ્વારા ભજન/સત્સંગ કાર્યક્રમો યોજવામાં આવશે.
આ પણ વાંચો : ગુજરાતમાં કોરોનાના કેસમાં રાફડો ફાટ્યો, નેશનલ લો યુનિવર્સિટીમાં નવા 34 કેસ નોંધાયા
આ પણ વાંચો : અમદાવાદ : સરકારી નોકરીમાં ભરતીના બહાને રૂપિયા પડાવતી ગેંગના મુખ્ય સૂત્રધારની ધરપકડ બાદ નવો ખુલાસો
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો
Published On - 11:56 pm, Fri, 8 April 22