તમારી કુંવારી દીકરીને મોબાઈલ ફોન ન આપશો, આ પ્રકારનું નિવેદન આપીને ગેનીબેન ઠાકોર વિવાદમાં સપડાયા છે. ગેનીબેન કહે છે કે, કુંવારી દીકરીઓને મોબાઈલ ફોનના વપરાશ પર પ્રતિબંધ હોવો જોઈએ કારણ કે, આનાથી સમાજ પર ખરાબ અસર પડે છે. શું ખરેખર દીકરીઓ પર આવા પ્રતિબંધો લાવવા જોઈએ? શું એક મહિલા ધારાસભ્ય દીકરીઓ પર પ્રતિબંધની વાત કરે, તે કેટલી ગળે ઉતરે.
બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠકથી સતત બીજી વખતના ધારાસભ્ય બનેલા ગેનીબેન ઠાકોર લુણસેલા ગામે સદારામ બાપાના મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સામેલ થયા હતા તેમાં ગેનીબેન ઠાકોરે સમાજ સુધારવા માટે કડક નિર્ણયો લીધા, તેનાથી શરૂવિવાદ. થયો છે અને આ વિવાદના કેન્દ્ર સ્થાને છે દીકરીઓના મોબાઈલ વપરાશ પર પ્રતિબંધનો કાયદો છે. સમાજ સુધારવા અને ખર્ચ ઘટાડવાના ઉમદા આશય સાથે તેમણે 11 મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો . જોકે છોકરીઓ ફોન ન વાપરે તે 11 મો મુદ્દો લોકોને માનવામાં ભારે પડી રહ્યો છે.
મહિલા ધારાસભ્ય સમાજના મંચ પરથી કુંવારી દીકરીઓના મોબાઈલ વપરાશ પર પ્રતિબંધ ફરમાવવાની વાત કરે છે, સાથે જ માને છે કે, બદીઓનું કારણ છે મોબાઈલનો ઉપયોગ. આ શપથ લેવડાવતી વખતે તો ગેનીબેન ખૂબ ભાર આપીને દીકરીઓના માતા-પિતાને કહી રહ્યા છે કે, સદંતર દીકરીને કંટ્રોલમાં રાખી મોબાઈલનો ઉપયોગ બંધ કરાવો. જો કે, પછીથી જ્યારે તેમને પૂછવામાં આવ્યું તો આ નિયમ દીકરી અને દીકરાઓ બંને માટે છે, તેવું કહેવા લાગ્યા હતા.
સમાજને આગળ વધારવા આગેવાનો એક થાય, સારા નિયમો લાવે તે આવકાર્ય છે.આ મંચ ઉપરથી ગેનીબેને કરેલા કેટલાક સૂચન ખૂબ ઉમદા છે. તે પૈકી સાદગીથી પ્રસંગની ઉજવણી કરવી, લગ્ન, ધાર્મિક-સામાજિક પ્રસંગમાં ડીજે પર પ્રતિબંધ હોય, તેમજ પ્રસંગોમાં ઉઠમણાના કપડાને બદલે રોકડમાં વહેવાર. સાથે સાથે બીમારીમાં સગાને બોલાવીને રખાતી બોલામણાં પ્રથા બંધ કરવાનું સૂચન, તો દીકરા-દીકરીના લગ્નમાં સાટા પ્રથા બંધ કરવાનો નિર્ણય સારી બાબત છે. સમાજને સાથે અને આગળ લાવવાની તેમને વાત તો બરાબર છે, પરંતુ કુંવારી દીકરીના મોબાઈલ વપરાશની વાત ખટકી રહી છે અને સમાજની દીકરીઓમાં પણ ક્યાંક અસંતોષ જોવા મળી રહ્યો છે..
જો મોબાઈલના ઉપયોગથી સમાજ પર, અભ્યાસ પર ખરાબ અસર થતી હોય તો આ નિયમ બંને દીકરા અને દીકરીઓ માટે હોવા જોઈએ, નહીં કે માત્ર દીકરીઓને જ પ્રતિબંધ ફરમાવાય. એક મહિલા ધારાસભ્ય પાસે તેમના જ સમાજની દીકરીઓ એટલી તો અપેક્ષા ચોક્કસથી રાખે કે, તેમને ભવિષ્યમાં પ્રગતિના પંથે કેવી રીતે લઈ જવાય તેવા માર્ગો બતાવાય નહીં કે, ટેકનોલોજીથી બગડી જવાશે, તેવા કારણો આપીને પ્રતિબંધોની જાળમાં બંધક બનાવી દેવાય..
Published On - 11:48 pm, Mon, 20 February 23