બનાસકાંઠામાં 4 દિવસ પહેલા 6 ,7 સપ્ટેમ્બરે ખાબકેલા 20 ઈંચ વરસાદમાં આખા જિલ્લામાં સર્વત્ર પૂરની સ્થિતિ સર્જાઈ છે. લોકોના ઘરો, માલ ઢોર, ઘરવખરી સહિતની તમામ જીવન જરૂરી ચીજવસ્તુઓ પૂરમાં તણાઈ ગઈ છે. માથે આભ અને નીચે પાણી એવી કફોડી સ્થિતિમાં લોકો મુકાયા છે. છેલ્લા ચાર દિવસથી લોકો પૂરના પાણી વચ્ચે ખાધાપીધા વિના ટળવળી રહ્યા છે. પૂરના કારણે ઘરોમાં પાણી ભરાઈ ગયા છે અને તમામ માલસામાન પલળી ગયો છે . અનાજમાં પણ પાણી ભરાઈ જતા તે સડી ગયુ છે. લોકોને બે દિવસ સુધી પીવાનું પાણી પણ મળ્યુ નથી. ચોતરફ ભરાયેલા પૂરના પાણી વચ્ચે લોકો ઘરની છતો પર આશરો લેવા માટે મજબુર બન્યા છે. ચારે બાજુ પાણી ભરાયેલી સ્થિતિ લોકો જીવ બચાવવા માટે રીતસરના હવાતિયા મારતા નજરે પડ્યા છે.
આવી કફોડી, ભયાવહ સ્થિતિમાં SDRFના જવાનો દેવદૂત બનીને આવ્યા અને કેટલાક લોકોનું રેસક્યુ કરવામાં આવ્યુ હતુ. જો કે હજુ અનેક લોકો પૂરના પાણી વચ્ચે જિલ્લા સરહદી ગામોમાં ફસાયેલા છે. તેમના સુધી હજુ કોઈ મદદ પહોંચી નથી. વરસાદ રહી ગયાના 72 કલાક બાદ સરકારને આ અસરગ્રસ્તોની યાદ આવી છે અને તેમના માટે પાલનપુલ કલેક્ટર કચેરીએથી રાહત સામગ્રી ભરેલો ટ્રક રવાના કરવામાં આવ્યો છે. અત્યાર સુધી નાના-નાનૈા ભૂલકાઓ સહિતના તમામ લોકો ભૂખ્યા-તરસ્યા કોઈપણ રીતે ગુજારો કરી રહ્યા હતા. ત્રણ-ત્રણ દિવસ સુધી તેમના સુધી કોઈ જ મદદ પહોંચી શકી નથી. આજે આ લોકોને અનાજ, તેલ ફુડ પેકેટ સહિતની સામગ્રી મોકલવામાં આવી છે. અસરગ્રસ્ત ગામોમાં રાહત કિટનું વિતરણ કરવામાં આવશે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલના જણાવ્યુ મુજબ જ્યા પરિસ્થિતિ ખરાબ હતી ત્યા રાહત સામગ્રી પહોંચાડવામાં આવશે. રસ્તાઓ ઝડપથી સરખા થાય તે માટેના પ્રયાસો ચાલુ છે. અસરગ્રસ્ત ગામોમાં જ આરોગ્યના કેમ્પ ઉભા કરવામાં આવી રહ્યા છે.
જો કે પૂરની આ સ્થિતિ વચ્ચે પણ શાસક વિપક્ષે તેમની રાજનીતિ કરવાનું નથી ચૂક્યા. રાજ્ય સરકારના મંત્રી જગદિશ વિશ્વકર્માએ બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર પર પ્રહાર કર્યા. તેમણે કહ્યુ હાલ બનાસકાંઠાના લોકો મુશ્કેલીમાં છે ત્યારે કોંગ્રેસના સાંસદ જુનાગઢ કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરમાં વ્યસ્ત છે. આ આફતના સમયે પણ તેઓ બનાસકાંઠામાં હાજર નથી
આ તરફ સાંસદ ગેનીબેન ઠાકોરે પણ પૂરની સ્થિતિ માટે સરકારને જવાબદાર ઠેરવતા કહ્યુ કે 30 વર્ષના શાસનમાં સરકારે કોઈ એવા જળાશયો નથી બનાવ્યા કે તેમા પાણીનું સ્ટોરેજ થઈ શકે.
કોંગ્રેસના શાસનમાં સૌરાષ્ટ્ર હોય કે ઉત્તર ગુજરાત અનેક મોટા જળાશયો દાંતીવાડા, કડાણા સહિતના ડેમ બનાવ્યા છે. તેમણે સરકાર પર આક્ષેપ કર્યો કે ના તો વીજપૂરવઠો યંત્રવત કરવામાં આવ્યો છે, ત્રણ દિવસમાં સરકારના કોઈ જ મંત્રીએ ગ્રાઉન્ડ ઝીરો પર જઈને લોકોની સ્થિતિ જાણવાનો પ્રયાસ નથી કર્યો. લોકોની વચ્ચે જઈને તેમની સ્થિતિ જોવી પડે.
Input Credit- Kinjal Mishra, Sachin Patil, Mohit Bhatt
Published On - 3:54 pm, Thu, 11 September 25