Banaskanthaના ખેડૂતો જળ આંદોલન પર ઉતર્યા, નાયબ કલેક્ટરની કચેરી સુધી યોજી રેલી

|

May 04, 2022 | 4:22 PM

ખેડૂતોની (Farmers) માગ છે કે સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડવામાં આવે. તેમણે આ અંગે અનેક રજૂઆતો કરી હોવા છતાં કોઈ ઉકેલ ન આવતાં ખેડૂતો રોષે ભરાયા છે.

બનાસકાંઠા (Banaskantha) પંથકના લોકો ભર ઉનાળે (Summer 2022) પાણી માટે વલખા મારી રહ્યા છે. જિલ્લામાં પાણીની સ્થિતિ ખૂબજ વિકટ બની છે. જેથી કંટાળેલા ખેડૂતો (Farmers) હવે જળ આંદોલન પર ઉતરી આવ્યા છે. દિયોદર અને કાંકરેજ વિસ્તારના ખેડૂતોએ આજે સણાદર ગામથી દિયોદર સુધી રેલી યોજી અને પાણીની માગ સાથે ખેડૂતોએ દિયોદર નાયબ કલેક્ટરની કચેરી સુધી રેલી યોજી અને ધરણા કર્યા છે.

ઉનાળો જેમ જેમ જામતો જાય છે. તેમ તેમ હવે પાણીના પ્રશ્નો પણ વિકટ બનતા જઈ રહ્યા છે. બનાસકાંઠાના દિયોદરમાં ભર ઉનાળે પાણીનો પોકાર ઉઠ્યો છે. ‘પાણી નહીં તો વોટ નહીં ‘ના સૂત્ર સાથે દિયોદર અને કાંકરેજ પંથકના ખેડૂતોએ આંદોલનનું શરુ કર્યુ છે. ખેડૂતોની માગ છે કે સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડવામાં આવે. તેમણે આ અંગે અનેક રજૂઆતો કરી હોવા છતાં કોઈ ઉકેલ ન આવતાં ખેડૂતો રોષે ભરાયા છે.

બનાસકાંઠામાં મોટાભાગના તળાવો ક્રિકેટના મેદાન બની જતા લોકોએ જળ માટે જંગ શરૂ કરવો પડ્યો છે. 125થી વધુ ગામને પાણી પુરુ પાડતા કરમાવદ તળાવ ભરવા લોકોએ હલ્લાબોલ કર્યો છે. પાણી ન મળતાં 100 ગામના ખેડૂતોએ એકઠા થઈને નાયબ કલેક્ટર કચેરી સુધી રેલી યોજી. બનાસકાંઠા જિલ્લામાં ઉંડા જતા ભૂગર્ભજળ અને ઓછા વરસાદે ખેડૂતો માટે સૌથી મોટી મુશ્કેલી સર્જી છે. જિલ્લામાં પાણીનો પ્રશ્ન વિકરાળ બની ગયો છે.

ખેડૂતોની માગ છે કે સરકાર કોઈપણ ભોગે સુજલામ સુફલામ કેનાલને નર્મદાના પાણીથી ભરે. જેથી પાણીની સમસ્યા દૂર થાય. જો કેનાલમાં પાણી નહીં છોડાય તો ખેડૂતોએ ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. સાથે જ રાજકીય નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે. થોડા દિવસ પહેલા પણ પાલનપુર તાલુકાના ખેડૂતોએ ટ્રેક્ટર રેલી યોજીને સરકારને પાણી આપવા માટે માગ કરી હતી. જે બાદ હવે કાંકરેજ અને દિયોદર પંથકના 100 ગામના ખેડૂતોએ પાણી માટેની માગ સાથે આંદોલન શરુ કર્યુ છે.

Published On - 4:18 pm, Wed, 4 May 22

Next Video