મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-ર૦રરના(Vibrant Gujarat Global Summit) રોડ-શૉ અને વન-ટુ-વન બેઠક માટે ગુજરાત ડેલિગેશન સાથે દુબઇની (DUBAI) દ્વિ-દિવસીય મુલાકાતે છે. મુખ્યમંત્રીની આ મુલાકાત દુબઇના ઉદ્યોગ રોકાણકારો માટે ગુજરાતમાં વિવિધ ક્ષેત્રે રોકાણોની ઉત્સુકતા માટેની એક મહત્વપૂર્ણ ઇવેન્ટ બની ગઇ છે.
ભૂપેન્દ્ર પટેલના દુબઇ પ્રવાસના પ્રથમ દિવસે બુધવારે યોજાયેલા રોડ-શૉ અને દિવસ દરમ્યાન દુબઇના અગ્રણી ઉદ્યોગ-વેપાર સંચાલકો સાથેની વન-ટુ-વન બેઠક પણ અત્યંત ફળદાયી રહ્યા છે .દુબઇના ૧૯ જેટલા ઉદ્યોગ-રોકાણકારોએ ગુજરાતમાં પોતાના વ્યવસાય-કારોબાર અને ઉદ્યોગોની સ્થાપના માટે આ રોડ-શૉ દરમ્યાન મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ગુજરાત સાથે ગિફ્ટ સિટીમાં પ્રોજેક્ટ્સ રોકાણો સહિત વિવિધ સેકટર્સમાં રોકાણો માટે MOU કર્યા હતા
દુબઇનું પ્રતિષ્ઠિત શરાફ ગૃપ ગુજરાતમાં લોજિસ્ટીક્સ પાર્ક સ્થાપવાનું છે તે માટેના MOU તેમણે ગુજરાત સરકાર સાથે કર્યા હતા. આ ઉપરાંત અલ્ફનાર ગૃપની નેત્રા વિન્ડ પ્રાયવેટ લિમિટેડ દ્વારા ૩૦૦ મેગાવોટના વીન્ડ પાવર પ્રોજેક્ટ, સ્માર્ટ ગ્રીડ પ્રોજેક્ટ અને ટ્રાન્સમીશન પ્રોજેક્ટસમાં રોકાણ અંગેના MOU થયા હતા.
ભાવનગર પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર અને ધોલેરા SIR તેમજ ગિફ્ટ સિટીમાં રોકાણો સહિત વિવિધ રોકાણોના MOU
ગુજરાતમાં અન્ય જે પ્રોજેક્ટસમાં રોકાણો માટે દુબઇના રોકાણકારો-ઉદ્યોગ સંચાલકોએ રસ દાખવ્યો છે તેમાં ઇન્ટીગ્રેટેડ સ્ટિલ પ્લાન્ટ, હજિરામાં ગ્રીન સિમેન્ટ ઉત્પાદન, ગિફટ સિટીમાં વેલ્યુટિંગ સર્વિસીસ અને સ્ટોક બ્રોકીંગ સર્વિસીસ, ભાવનગર પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર તેમજ ધોલેરા SIRમાં રોકાણો, ચાંચ પેલેસ રિસોર્ટ ડેવલપમેન્ટ, નાઇટ્રીક એસિડ બેઇઝ્ડ ડેરિવેટીવ્ઝ, પ્રેશિયસ મેટલ્સ રિફાઇનીંગ એન્ડ ટ્રેડિંગ, કન્સલટન્સી સર્વિસીસ તથા શોપિંગ મોલ-હાયપર માર્કેટ અંગે, કેપિટલ માર્કેટ એક્ટીવિટીઝ માટે કોર્પોરેટ હાઉસ અને ત્રણ MOU મલ્ટીપલ પ્રોજેક્ટસ માટેના થયા છે.
ગુજરાત સાથે જે MOU થયા છે તેમાં મુખ્યત્વે શરાફ ગૃપ, અલ્ફનાર ગૃપ, લુલુ ગૃપ, ટ્રાન્સવર્લ્ડ, કોનારેસ ગૃપ, નરોલા ગૃપ ઇન્ટરનેશનલ જેવા પ્રતિષ્ઠિત ઉદ્યોગ-વેપાર અગ્રણી સહિતના વિવિધ રોકાણકારોનો સમાવેશ થાય છે.
ઓબેરોય હોટલમાં દુબઇ રોડ-શૉ દરમ્યાન થયેલા આ MOU વેળાએ ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, યુ.એ.ઇ ખાતેના ભારતીય રાજદૂત સુંજય સુધીર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તા અને ગુજરાત ડેલિગેશનના વરિષ્ઠ સચિવો, અગ્રણી ઉદ્યોગ વેપાર સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો : SURENDRANAGAR : ચાલુ વર્ષે જીરુના વાવેતરમાં કેમ ઘટાડો ? જિલ્લામાં ચણાનું મબલખ ઉત્પાદન થાય તેવા એંધાણ
Published On - 4:30 pm, Thu, 9 December 21