વેજ માંગ્યું… ચિકન પીરસાયું..? મેકડોનલ્ડ્સની એક ભૂલથી ધાર્મિક લાગણી દુભાઈ ! જુઓ Video

આણંદના મેકડોનાલ્ડ્સમાં શાકાહારી ગ્રાહકને ચિકન નગેટ્સ પીરસવામાં આવતા ભારે વિવાદ સર્જાયો છે. ગ્રાહકે દાવો કર્યો કે તેણે વેજ નગેટ્સ ઓર્ડર કર્યા હતા, પરંતુ ભૂલથી તેને નોન-વેજ આપવામાં આવ્યા.

વેજ માંગ્યું... ચિકન પીરસાયું..? મેકડોનલ્ડ્સની એક ભૂલથી ધાર્મિક લાગણી દુભાઈ ! જુઓ Video
| Edited By: | Updated on: Jun 12, 2026 | 10:17 PM

ગુજરાતના આણંદ શહેરમાં મેકડોનાલ્ડ્સની એક શાખામાં ગંભીર ગેરરીતિનો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક શાકાહારી ગ્રાહકને ભૂલથી ચિકન નગેટ્સ પીરસવામાં આવતા ભારે હોબાળો મચી ગયો છે. આ ઘટનાને કારણે ગ્રાહકની ધાર્મિક લાગણીઓ દુભાઈ હોવાના ગંભીર આરોપો મેકડોનાલ્ડ્સ પર લગાવવામાં આવ્યા છે. ગ્રાહકે મેકડોનાલ્ડ્સ પર ગંભીર બેદરકારી અને છેતરપિંડીનો આરોપ મૂક્યો છે.

ગ્રાહકના જણાવ્યા અનુસાર, તેણે મેકડોનાલ્ડ્સમાં વેજ ચીઝ નગેટ્સનો ઓર્ડર આપ્યો હતો. જોકે, સ્ટાફ દ્વારા તેને જણાવવામાં આવ્યું કે ચીઝ નગેટ્સ ઉપલબ્ધ નથી, માત્ર “નગેટ્સ” જ છે. ગ્રાહકે તેને પોટેટો નગેટ્સ સમજીને ઓર્ડર કર્યો અને તેનું સેવન પણ કર્યું. પરંતુ, જ્યારે તે ઘરે પહોંચ્યો અને નગેટ્સની તપાસ કરી, ત્યારે તેને જાણ થઈ કે તે વાસ્તવમાં ચિકન નગેટ્સ હતા. આ ઘટના તે દિવસે બની હતી જ્યારે અગિયારસ હતી, જે હિન્દુ ધર્મમાં ઉપવાસનો પવિત્ર દિવસ મનાય છે. ગ્રાહકે જણાવ્યું કે, “આજે અગિયારસ હતી. અગિયારસને દિવસે મારો ધર્મ ભ્રષ્ટ કર્યો છે મેકડોનલ્ડ્સે.”

ગ્રાહકે વધુમાં આરોપ લગાવ્યો કે ઓર્ડર આપતી વખતે સ્ટાફે નગેટ્સ વેજ છે કે નોન-વેજ તેનો કોઈ સ્પષ્ટ ખુલાસો કર્યો નહોતો. એટલું જ નહીં, તેને આપવામાં આવેલા બિલ પર પણ નગેટ્સના પ્રકાર (શાકાહારી કે માંસાહારી) અંગે કોઈ ઉલ્લેખ નહોતો. આથી, ઉપવાસના દિવસે અજાણતા ચિકનનું સેવન કરવાથી તેની ધાર્મિક લાગણીઓને ઊંડી ઠેસ પહોંચી છે.

આ ઘટનાનો એક વીડિયો ગ્રાહક દ્વારા બનાવવામાં આવ્યો અને તે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વાયરલ વીડિયોમાં મેકડોનાલ્ડ્સના સ્ટાફ સાથેની વાતચીત પણ દર્શાવવામાં આવી છે. વીડિયોમાં સ્ટાફ દ્વારા પહેલાં તો ગ્રાહકે “વેજ” નો ઉલ્લેખ કર્યો હોવાનો ઇનકાર કરાયો હતો. જોકે, બાદમાં સ્ટાફે સ્વીકાર્યું કે મેકડોનાલ્ડ્સમાં છેલ્લા ચાર વર્ષથી વેજ નગેટ્સ ઉપલબ્ધ નથી અને તેમના સ્ટાફ દ્વારા ગ્રાહકને આ અંગે સ્પષ્ટપણે જાણ કરવામાં આવી નહોતી. આ સ્વીકૃતિ ગ્રાહકની વાતને સમર્થન આપે છે કે ગેરમાહિતીને કારણે આ ભૂલ થઈ હતી. TV9 ગુજરાતી આ વાયરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી.

ખરેખર બહુ મોટી ભૂલ છે – મેકડોનાલ્ડ્સના શિફ્ટ મેનેજર

આ વિવાદ વધતા મેકડોનાલ્ડ્સના શિફ્ટ મેનેજરે તાત્કાલિક માફી માંગી હતી. મેનેજરે કબૂલ્યું કે વેજ કસ્ટમરને નોન-વેજ ફૂડ પીરસવું એ ખરેખર એક મોટી ભૂલ છે. તેમણે સ્પષ્ટતા કરી કે, “આ ભૂલ થઈ છે કે વેજ કસ્ટમરને નોનવેજ આપી દીધું. ખરેખર બહુ મોટી ભૂલ છે. બાકી આ રીતે ના થવું જોઈએ. કેમ કે, અમે જે વિધાઉટ ઓનિયન ગાર્લિક વાળા કસ્ટમર હોય છે એમને ખાસ એટલું બધું મતલબ પ્રાયોરીટી આપીને હેન્ડલ કરીએ છે. પછી આ તો વેજ નું નોનવેજ થઈ ગયું છે. આ ખરેખર બહુ મોટી ભૂલ છે. આવું ના થવું જોઈએ.” મેનેજરે આ ઘટનાને ગ્રાહક અને સ્ટાફ વચ્ચેની વાતચીતમાં થયેલી ગેરસમજ અથવા સંચારની ખામીનું પરિણામ ગણાવ્યું. આ ઘટના મેકડોનાલ્ડ્સ જેવી મોટી ફૂડ ચેઈન માટે ગ્રાહક સેવા અને ઉત્પાદનની સ્પષ્ટતા જાળવવાના મહત્વ પર પ્રકાશ પાડે છે.

મેકડોનાલ્ડ્સ ઇન્ડિયાએ પોતાના નિવેદનમાં સ્પષ્ટતા કરી છે કે તેમની પાસે માત્ર “ચિકન મેકનગેટ્સ” જ ઉપલબ્ધ છે અને મેનુમાં કોઈ પણ પ્રકારના વેજ નગેટ્સ ઓફર કરવામાં આવતા નથી. કંપનીએ જણાવ્યું છે કે પ્રોડક્ટના પેકેજિંગ પર પણ તેને સ્પષ્ટ રીતે “ચિકન” તરીકે ઓળખાવવામાં આવે છે.

કંપનીના જણાવ્યા અનુસાર, દેશભરના તમામ રેસ્ટોરન્ટ્સમાં ગ્રાહક જે વસ્તુનો ઓર્ડર આપે છે અને જેના માટે બિલ બનાવવામાં આવે છે, તેને જ સર્વ કરવામાં આવે છે. સાથે જ, શાકાહારી અને માંસાહારી ખાદ્ય પદાર્થો વચ્ચે સંપૂર્ણ અલગાવ જળવાઈ રહે તે માટે તૈયારી, પેકેજિંગ અને સર્વિસના દરેક તબક્કે કડક પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવે છે. ભારતની વિવિધ સાંસ્કૃતિક અને ખાદ્ય પસંદગીઓનો આદર રાખીને આ વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવે છે.

મેકડોનાલ્ડ્સ ઇન્ડિયાએ વધુમાં જણાવ્યું છે કે કંપની હંમેશા ખાદ્ય ગુણવત્તા, ખાદ્ય સુરક્ષા અને ગ્રાહકોને શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરવાની પોતાની પ્રતિબદ્ધતા પર અડગ છે.

કિંગ ઓફ સાળંગપુર, આધ્યાત્મિક વારસાને મળ્યું કાયદાકીય રક્ષણ

Published On - 6:05 pm, Fri, 12 June 26

Follow Us
Loading...
Unable to load recommendations.