જેતપુર, આંકલાવ અને ભાવનગરમાં રખડતા ઢોરે અનેકને અડફેટે લીધા, જુઓ રખડતા આતંકનો Video

Stray cattle: અલગ અલગ સ્થળોએથી આખલા બાખડવાની અથવા તો કોઈ વ્યક્તિને રખડતા ઢોરે અડફેટે લેવાની ઘટનાઓ સામે આવી રહી છે. જેતપુર, ભાવનગર, આણંદ અને બનાસકાંઠામાં ઢોરના આતંકની અલગ અલગ ઘટનાઓ સામે આવી છે.

જેતપુર, આંકલાવ અને ભાવનગરમાં રખડતા ઢોરે અનેકને અડફેટે લીધા, જુઓ રખડતા આતંકનો Video
| Edited By: | Updated on: Mar 17, 2023 | 1:56 PM

ગુજરાતમાં આખલાના આતંકની ઘટનાઓ ચિંતાજનક હદે વધી રહી છે. અલગ અલગ સ્થળોએથી આખલા બાખડવાની અથવા તો કોઈ વ્યક્તિને રખડતા ઢોરે અડફેટે લેવાની ઘટનાઓ સામે આવી રહી છે. જેતપુર, ભાવનગર, આણંદ અને બનાસકાંઠામાં ઢોરના આતંકની અલગ અલગ ઘટનાઓ સામે આવી છે. રખડતા ઢોર અચાનક ભર બજારમાં આવીને આતંક મચાવતા હોય તેવા અલગ અલગ દ્રશ્યો પણ સામે આવ્યા છે.

જેતપુરમાં નગરપાલિકા કર્મચારીને જ અડફેટે લીધા

રાજકોટના જેતપુરમાં નગરપાલિકા કર્મચારીને જ રખડતા ઢોરે અડફેટે લીધા હતા. આ ઘટનામાં નગરપાલિકાના કર્મચારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ત્યારે તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે તો ભાવનગરમાં બોરતળાવ નજીક ચાલતા જતા વૃદ્ધને શેરીમાં રખડતા ઢોરે ટક્કર મારી હતી. સામાન્ય ઈજા સાથે વૃદ્ધને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે.

આધેડને તેની મસ્તી ભારે પડી

આણંદના આંકલાવમાં આધેડને આખલા સાથે મસ્તી ભારે પડી. નશાની હાલતમાં હોય તેમ આધેડ આખલા સાથે માથું અડાડે છે. આખલાની બરાબર સામે ઉભો રહે છે. જે બાદ આખલાની સામે જમીન પર સૂઈ જાય છે. જેથી અકળાયેલો આખલો આધેડને બરાબરના ભેટા મારે છે. આ દ્રશ્યો જોઈને થાય કે આધેડ તો ગયો પરંતુ આશ્ચર્ય વચ્ચે આગામી પળે આધેડ ઉભો થઈને ચાલતી પકડે છે.

 

રખડતા ઢોરે વૃદ્ધને અડફેટે લીધા

ભાવનગરમાં રખડતા ઢોરે વૃદ્ધને અડફેટે લીધાની વધુ એક ઘટના સામે આવી. બોરતળાવ રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં રહેતા વૃદ્ધ ચાલતા જતા હતા. આ સમયે શેરીમાં દોડીને આવેલા રખડતા ઢોરે વૃદ્ધને ટક્કર માર્યાના CCTV સામે આવ્યા છે. આ દુર્ઘટનામાં વૃદ્ધને સામાન્ય ઈજા થતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.

આખલાઓએ પાણીપુરીની લારીને અડફેટે લીધી

બીજી તરફ બનાસકાંઠાના ધાનેરા થરાદ રોડ પર બે આખલાઓ બાખડ્યા હતા. આખલાઓએ બાખડતા બાખડતા નજીકની પાણીપુરીની લારીને અડફેટે લઈ લીધી હતી. આ સમયે અહીં કેટલાક લોકો પાણી પુરી ખાઈ રહ્યા હતા. અચાનક આખલાઓ લારીની નજીક આવતા પાણી-પુરી ખાતા લોકો દોડતા થઈ ગયા હતા. સદનસીબે આ લોકોનો આબાદ બચાવ થયો છે. જો કે આખલાની અડફેટે પાણીપુરીની લારી પલટી ગઇ હતી. પાણીપુરીની લારી ચલાવનારા વ્યક્તિને આખલાના આતંકના કારણે ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.