Anand: લગ્ન મંડપ સુધી BMW ન પહોંચી તો વરરાજાની જાન કન્યા વિના જ પરત ફરી

90 લાખની BMW કાર રસ્તો ખરાબ હોવાથી લગ્ન મંડપ (Wedding porch) સુધી ન જઈ શકે તેમ ન હતી. વરપક્ષના વડીલોએ આવી નાની અમથી વાતને લઈ વાંધો ઉઠાવ્યો અને વરરાજા કન્યાને લીધા વગર જ કરિયાવર લઈને ચાલ્યા ગયા.

Anand: લગ્ન મંડપ સુધી BMW ન પહોંચી તો વરરાજાની જાન કન્યા વિના જ પરત ફરી
Groom returns without bride
| Edited By: | Updated on: May 15, 2022 | 2:32 PM

આણંદ (Anand) જિલ્લામાં એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. વરરાજા (Groom) પોતાની વધુને લેવા લગ્ન સ્થળે પહોંચી ગયા. લગ્ન પણ થયા. વર પક્ષને કરિયાવર પણ આપવામાં આવ્યુ. પણ ખરાબ રસ્તાને કારણે લગ્ન મંડપ સુધી વરરાજાની BMW કાર ન પહોંચી શકી. બસ આ વાતને પકડીને વરરાજા બેસી ગયા. આ નાનકડી વાતને લઇને વરરાજા વધુને લીધા વિના જ જાન સાથે ઘરે પરત ફરી ગયા.

ચરોતર પંથકમાં લગ્ન પ્રસંગે ક્યારે ન જોઈ કે સાંભળી હોય તેવી આશ્ચર્યજક ઘટના બની. વરરાજાએ નવવધુની સરખામણીએ BMW કારને પ્રાથમિકતા આપી. લગ્ન બાદ પોતાની ગૃહ લક્ષ્મીને ઘરે લાવવાને બદલે મોંઘી BMW કારને નુકસાન ન થાય તેને વધારે મહત્વ આપ્યું. આણંદના નાપાડવાંટા ગામે માતા-પિતા વગરની દીકરીના ધામધૂમથી લગ્ન યોજાયા. મંત્રોચ્ચાર વચ્ચે ધાર્મિક પૂજાવિધિ થઈ. અગ્નિની સાક્ષીએ નવદંપતિએ ફેરા ફર્યા. વડીલોના આશીર્વાદ પણ લીધા. કન્યાપક્ષ તરફથી વરપક્ષને કરિયાવર આપવામાં આવ્યું. હવે વારો હતો કન્યા વિદાયનો. પરંતુ કોડભરી કન્યાના સ્વપ્ન અધૂરા રહ્યાં.

90 લાખની BMW કાર રસ્તો ખરાબ હોવાથી લગ્ન મંડપ સુધી ન જઈ શકે તેમ ન હતી. વરપક્ષના વડીલોએ આવી નાની અમથી વાતને લઈ વાંધો ઉઠાવ્યો અને વરરાજા કન્યાને લીધા વગર જ કરિયાવર લઈને ચાલ્યા ગયા. કન્યા પક્ષ તરફથી અનેક આજીજી અને વિનવણી કરવામાં આવી. મા-બાપ વગરની દીકરીને કાકા-કાકીએ ઉછેરી હતી. પરિવારે લગ્ન માટે 80 હજાર રૂપિયામાં ખેતર ગિરવી મૂકીને તૈયારી કરી હતી. જો કે કન્યાને લઈ જવાની વરપક્ષે ના પાડતા જ સ્વજનો ચિંતાતુર થયા. દીકરી પણ રડવા લાગી અને લગ્નના ઉત્સાહ પર દુખનો પહાડ તૂટી પડ્યો. આ પરિવારને ન્યાય અપાવવા માટે સ્વયંસેવી સંસ્થાઓ હવે આગળ આવી છે.

હાથમાં મહેંદી, ગળામાં વરમાળા અને મીંઢળ બાંધેલી દીકરી રડતી રહી. પરંતુ વરપક્ષે દીકરીના આંસુ કરતા પોતાની કિંમતી કારને મહત્વ આપ્યું. વરપક્ષની વિચિત્ર મનમાની સામે સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. આ સમગ્ર મુદ્દો ભલે કારને લઈ ચર્ચામાં હોય પરંતુ દહેજના દૂષણે પણ ભૂમિકા ભજવી હોવાની ચર્ચા છે. કન્યા પક્ષ પાસે બાઈક અને રોકડ રકમની માગણી કરવામાં આવી હતી. રસ્તા અને કારની આડમાં દહેજના મુદ્દે જ ત્રાગુ કરીને વરપક્ષ કન્યાને લીધા વિના જતો રહ્યાંની ચર્ચા છે.