
ગુજરાતના(Gujarat) આણંદ જિલ્લામાં બોરસદ(Borsad) તાલુકાના સીસ્વામાં મેઘતાંડવને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી વહીવટી તંત્ર દ્વારા જિલ્લા કલેકટર મનોજ દક્ષિણીની સુચના અન્વયે પ્રાંત અધિકારી અને મામલતદારની ટીમે નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સહી સલામત હાઇસ્કુલ અને પટેલ વાડી ખાતે પહોંચાડવા માટે કાર્યવાહી કરી હતી. આ દરમિયાન મામલતદાર(Mamlatdar) આરતીબેન ગોસ્વામીને ધ્યાન પર આવ્યું કે રબારી ચકલા વિસ્તારમાં દેવીપૂજક વાસમાં એક બેન પોતાની એક વર્ષની દીકરીને વરસાદમાં લઈને નીકળવા માટે તૈયાર થતા નહોતા.મામલતદાર આરતીબેન ગોસ્વામીએ બેનને સમજાવીને વિદ્યાબેન રાજુભાઈ ચુનારાની એક વર્ષની નાની બાળકીને ગોદડીમાં લપેટી અને પોતાની બાહોમાં લઈને નીકળી પડ્યા હતા.
મહિલા મામલતદારે સરકારી ગાડીમાં નાનકડી દીકરી અને એની માતાને બેસાડીને સહી સલામત પટેલ વાડી ખાતે આશ્રયસ્થાનમાં પહોંચાડી માતૃ વાત્સલ્યતાનું સંવેદનશીલ અને પ્રેરણાદાયી કાર્ય કર્યું છે. મામલતદારએ જણાવ્યું કે આ કુદરતી આપદામાં પાણી ભરાઈ જવાથી જે તકલીફ પડે છે તેનાથી બચાવવા એ અમારી જવાબદારી અને પ્રાથમિક ફરજ છે. નાના બાળક સાથે માતાને પટેલ વાડી ખાતે આશ્રય સ્થાનમાં રાખવામાં આવ્યા છે એનું ધ્યાન પણ જાતે મામલતદાર આરતીબેન ગોસ્વામી રાખી રહ્યા છે. વિપદાની આ ઘડીમાં મહિલા મામલતદારે માનવતાનું સરાહનીય કાર્ય કર્યું છે. એવી લાગણી આ નાનકડી દીકરીની માતાએ પણ વ્યક્ત કરી હતી.
આ ઉપરાંત ,આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં ખાબકેલા 12 ઇંચ જેટલા ભારે વરસાદ બાદ જન જીવન અસ્ત વ્યસ્ત થઇ ગયુ છે. બોરસદ તાલુકાનુ સીસ્વા ગામ હાલ બેટમાં ફેરવાયુ છે. કેટલાક વિસ્તારમાં તો પાણી ઓસરી ગયા છે. જો કે સતત ત્રીજા દિવસે આજે પણ કેટલાક વિસ્તારોમાં પાણીમાં ગરકાવ છે. ત્યારે તંત્ર દ્વારા આ વિસ્તારોની મુલાકાત લેવામાં આવી રહી છે. સાથે જ રોગચાળો ન ફાટી નીકળે તે માટે દવાના છંટકાવ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે.
આણંદના બોરસદ તાલુકાના સીસ્વામાં ભારે વરસાદ બાદ 15 મકાનો હજુ પાણીમાં ગરકાવ છે. સીસ્વામાં રોગચાળો ન વકરે તે માટે વહીવટી તંત્રની ટીમે ગામમાં દવાનો છંટકાવ શરૂ કર્યો છે. તો આરોગ્ય તંત્રની ટીમે લોકોના આરોગ્યની ચકાસણી હાથ ધરી છે. સીસ્વા ગામમાં ભારે વરસાદથી થયેલી નુકસાનીનો સર્વે કરવા જિલ્લા પંચાયત અને અન્ય ટીમ પહોંચી છે. તો બીજી તરફ અસરગ્રસ્ત લોકોને જરૂરી સહાયનું પણ વિતરણ કરવામાં આવ્યું.