પરપ્રાંતમાંથી ગુજરાત (Gujarat) રાજ્યમાં મોટા પાયે ભારતીય બનાવટનો વિદેશી દારૂ (liquor) ઘુસાડવાના નવતર કિમીયાનો આણંદ એલસીબીએ પર્દાફાશ કરી 10 લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે 3 આરોપીઓની ધરપકડ કરી છે. ગુજરાત રાજ્યમાં કડક દારૂબંધીનો અમલ હોવા છતાં દરરોજ રાજ્યમાં જુદા જુદા શહેરોમાં પોલીસ (police) ના હાથે દારૂ પકડવાના કિસ્સાઓ બનતા હોય છે. ત્યારે અન્ય રાજ્યમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડવા અને બુટલેગરો સુધી પહોંચાડવા ખેપીયાઓ અવનવા કીમિયો અપનાવતા હોવાના અનેક કિસ્સા આપે જોયા અને સાંભળ્યા હશે પરંતુ આણંદ એલસીબીએ આજે પરપ્રાંતમાંથી ગુજરાત રાજ્યમાં આસાનીથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઘુસાડવાના નવતર કિમીયાનો પર્દાફાશ કર્યો છે.
તસ્વીરો જોઈ પહેલી નજરે આપ પણ ચોંકી જશો ,પ્રથમ નજરે જ જોઈ આપ અને પોલીસને પણ એમ જ લાગે કે આ તેલના ડબ્બામાં તેલનો જથ્થો હશે પરંતુ પોલીસથી બચવા અને પોલીસની આંખમાં ધૂળ નાખી વિદેશી દારૂ આસાનીથી બુટલેગરો સુધી પહોંચે તે માટે વિદેશી દારૂના ખેપિયાઓએ આ વખતે નવતર કીમિયો અપનાવ્યો, તેલના ડબ્બા ટાઈપના ગ્રીસના ડબ્બાના માર્કવાળા 14 કિલોના ડબ્બામાં વિદેશી દારૂની બોટલો પેક કરી ગુજરાતમાં દારૂ પ્રવેશ કરાવવા ખેપિયાઓએ નવતર કીમિયો અપનાવ્યો છે.
જોકે આણંદ એલસીબીએ ચોક્કસ બાતમી આધારે બોરસદના બોચાસણ પાસે એક દિલ્હી પાસિંગના ટેમ્પાને રોકી તેમાં તપાસ કરતા સ્ટાર ગ્રીસના માર્કવાળા ડબ્બાઓ ટેમ્પોમાં ડબ્બા મળી આવતા પોલીસ પણ એક સમયે ખોટી બાતમી સમજી માથું ખંજવાળવા લાગી હતી જોકે પોલીસેને ટેમ્પોમાં ભરેલ ગ્રીસના ડબ્બાના વજન અંગે શંકા જતા આખરે એક ડબ્બો તોડતા પોલીસ પણ ચક્કર ખાઈ જવા પામી હતી કારણ કે આ ગ્રીસના ડબ્બામાં ઠાંસી ઠાંસીને વિદેશી દારૂની બોટલો ભરવામાં આવેલ હતી, આખરે આણંદ એલસીબી એ ટેમ્પા સહિત તેના ચાલકની ધરપકડ કરી આકરી પૂછપરછ કરતા આ જથ્થો હરિયાણાથી આણંદ જિલ્લામાં પહોંચાડવાનો હોવાની કબૂલાત કરતા આણંદ એલસીબીએ તપાસ કરતા આ જથ્થો તારાપુર ના બુટલેગર ભરત પરમારનો હોવાનું સામે આવતા પોલીસે ભરત પરમાર સહિત ટેમ્પો ચાલક અને ક્લીનર ની કાયદેસર ધરપકડ કરી ગ્રીસના ડબ્બાની આડમાં લઇ જવાતો 1779 બોટલના જથ્થા સહિત કુલ 10 લાખ નો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Published On - 11:02 am, Wed, 20 July 22