લ્યો ભારે કરી હો… SIRની કામગીરી દરમ્યાન BLOનું જ નામ કમી થઈ ગયું, ગુજરાતમાં અન્ય 100 થી વધુ લોકો સાથે પણ આવી ઘટના, જુઓ Video

અમરેલીના વડિયામાં SIR કામગીરીમાં મોટો કૌભાંડ સામે આવ્યું છે. BLOના જ 42 પરિવારજનોના નામ મતદાર યાદીમાંથી કમી કરવા ફોર્મ નંબર 7 ભરાયા છે, જેમાં 20 સરકારી કર્મચારીઓ પણ છે. જામનગરમાં પણ આવી જ સ્તિથિ SIR દરમ્યાન સર્જાઇ છે.

લ્યો ભારે કરી હો... SIRની કામગીરી દરમ્યાન BLOનું જ નામ કમી થઈ ગયું, ગુજરાતમાં અન્ય 100 થી વધુ લોકો સાથે પણ આવી ઘટના, જુઓ Video
| Edited By: | Updated on: Jan 31, 2026 | 9:11 PM

અમરેલી જિલ્લાના વડિયા તાલુકામાં SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન)ની કામગીરીને લઈને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. SIRની કામગીરી કરનાર BLOના જ પરિવારના સભ્યોના નામ મતદાર યાદીમાંથી કમી કરાયા હોવાનો આક્ષેપ થયો છે. વડિયામાં BLO તરીકે કામગીરી કરનાર સાયલ બાલાપરીયા કાયમી રીતે અહીં રહેતા નથી અને તેઓ સ્થળાંતર કરી ગયા હોવાનો વાંધો રજૂ કરીને તેમના પરિવારના કુલ 42 સભ્યોના નામ સામે ફોર્મ નંબર-7 ભરવામાં આવ્યું છે.

આ મામલે સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આ 42 સભ્યોમાંથી 20 લોકો સરકારી કર્મચારી હોવા છતાં તેમના નામ મતદાર યાદીમાંથી કમી કરવાની કાર્યવાહી કરાઈ છે. ખોટી માહિતી અને ખોટી સહી કરીને ફોર્મ નંબર-7 ભરનાર અરજદારો સામે કાયદેસર કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.

બીજી તરફ, વડિયામાં SIRની કામગીરી સામે સ્થાનિકોમાં પણ ભારે નારાજગી જોવા મળી રહી છે. સ્થાનિકોનો આરોપ છે કે મતદાર યાદીમાંથી નામ કમી કરવા માટે ખોટી અરજીઓ કરવામાં આવી છે અને ખાસ કરીને લઘુમતી સમાજના મતદારોને નિશાન બનાવવામાં આવ્યા છે. દાવો કરવામાં આવ્યો છે કે આશરે 250 લોકોના નામ મતદાર યાદીમાંથી કમી કરવા માટે અરજીઓ કરવામાં આવી છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ તમામ લોકો પેઢીઓથી વડિયામાં જ વસવાટ કરે છે અને તેમણે ક્યાંય સ્થળાંતર કર્યું નથી. તેમ છતાં તેમના નામ સામે વાંધાની અરજીઓ કરવામાં આવી હોવાનો આક્ષેપ છે. આ મામલે લઘુમતી સમાજના આગેવાનો અને અસરગ્રસ્ત મતદારોએ મામલતદારને લેખિત રજૂઆત કરી તપાસ કરવાની અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. મામલતદારે સમગ્ર મામલે તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હોવાનું જણાવાયું છે.

એટલું જ નહીં જામનગર દક્ષિણ વિધાનસભા મતક્ષેત્રમાં પણ આ પ્રકારની ઘટના સામે આવી છે. જે વ્યક્તિના નામે મતદારોના નામ કમી કરવાની 92 જેટલી વાંધાઅરજી થઇ તે વ્યક્તિ જ આ અરજીથી અજાણ છે.. એટલું જ નહીં વાંધાઅરજી કરનાર વ્યક્તિ ખુદ અભણ હોવાનો દાવો કરી રહ્યો છે અને તેણે ક્યારેય આવી કોઇ અરજી ન કરી હોવાનું જણાવી રહ્યો છે..

Vadodara : સિનિયર સીટીઝનોએ કર્યો ધારાસભ્યનો ઘેરાવો, જાણવા માટે અહીં ક્લિક કરો..

Published On - 9:04 pm, Sat, 31 January 26