અમરેલી જિલ્લામાં આવેલા ધાતરવડી ડેમ-1માંથી રાજુલા અને જાફરાબાદ પંથકને પાણી પુરૂ પાડવામાં આવે છે. પરંતુ જૂની પાઇપલાઇન જર્જરિત હોવાથી નવી પાઇપલાઇન નાંખવાની મંજૂરી પણ મળી, પરંતુ નવી પાઇપલાઇન નાંખવાની કામગીરી ઠપ હોવાથી રાજુલા અને જાફરાબાદ એમ બંને નગરપાલિકાને પાણી મળશે કે કેમ તે પ્રશ્ન ઉભો થયો છે.
હાલ કાળઝાળ ગરમી વચ્ચે બંને શહેરો પર જળસંકટ તોળાઇ રહ્યું છે. ત્યારે રાજુલા અને જાફરાબાદ બંને નગરપાલિકાની ટીમ, ચેમ્બર ઓફ કોમર્સના વેપારીઓ તેમજ સ્થાનિકોએ રેલી યોજી પ્રાંત કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું. સ્થાનિકોએ સૂત્રોચ્ચાર સાથે રોષ વ્યક્ત કર્યો. તેમજ જળસંકટને ટાળવા પાઇપલાઇનનું કામ સત્વરે પૂર્ણ કરવાની માગ કરી.
થોડા દિવસો પહેલા ધાતરવડી ડેમમાંથી પાણીની પાઇપલાઇન નાંખવા મુદ્દે કેટલાક ખેડૂતોએ વિરોધ વ્યક્ત કર્યો હતો. જેના કારણે પાઇપલાઇનની કામગીરી ટલ્લે ચઢી છે. જો અન્ય નગરપાલિકાના સંપ થકી બંને શહેરને પાણી મળે તો આવતા 25 વર્ષ સુધી પાણીની સમસ્યા ભૂતકાળ બની જશે. જો કે રાજુલા અને જાફરાબાદના લોકોએ ખેડૂતોનું નામ લીધા વગર અને વિવાદથી દૂર રહી બંને નગરપાલિકાને પાણી પુરૂ પાડવામાં આવે તેવી માગ કરી છે.
Input credit- Jaydev Kathi- Amreli