રાજુલા પર મેઘાએ વરસાવ્યો કહેર, એકસામટો 8 ઈંચ વરસાદ ખાબકી જતા અનેક ગામોમાં ઘોડાપૂર, ખાંભા-રાજુલા માર્ગ બંધ કરવાની નોબત
હાલ અમરેલીના રાજુલા તાલુકાની કફોડી સ્થિતિ થઈ છે . શહેર અને ગ્રામ્યમાં ભારે વરસાદને પગલે રાજુલા પાણી પાણી થયુ છે. શહેરમાં પણ અનેક જગ્યાએ જળભરાવની ફરિયાદો ઉઠી રહી છે, ત્યારે સ્થાનિકોનો આક્ષેપ છે કે વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા છે છતા કોઈ કાયમી નિરાકરણ લાવવામાં આવતુ નથી. એકસાથે 8 ઈંચ વરસાદ ખાબકી જતા નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ છે.

ગુજરાતમાં જુન મહિનો આખો કોરોધાકોર રહ્યા બાદ હવે જુલાઈની શરૂઆતથી જ વિધિવત ચોમાસુ બેસી ગયુ છે. તેમા સૌરાષ્ટ્રના અનેક શહેરોમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. છેલ્લા ત્રણ થી ચાર દિવસથી ભાવનગર, અમરેલી અને જુનાગઢ જિલ્લામાં મેઘરાજા અનરાધાર વરસી રહ્યા છે. તેમા પણ ભાવનગર, જુનાગઢ અને અમરેલી જિલ્લાને મેઘરાજાએ બરાબરના ઘમરોળ્યા છે. અમરેલી જિલ્લામાં છેલ્લા 3 દિવસથી વરસી રહેલા અનારાધાર વરસાદને પગલે 7 થી 8 ગામો સંપર્ક વિહોણા બન્યા છે.
લાંબા સમય સુધી રાહ જોવડાવ્યા બાદ મેઘરાજાએ તેમનુ રૌદ્ર સ્વરૂપ બતાવ્યુ છે. ખાસ કરીને ભાવનગરના મહુવા તાલુકામાં છેલ્લી કેટલીક કલાકોમાં અતિભારે વરસાદ ખાબક્તા અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે. મહુવાનું તલગાજરડા ગામમાં પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઠપ્પ થયો છે.
આ તરફ અમરેલી જિલ્લાના રાજુલામાં એકસામટો 8 ઈંચ થી વધુ વરસાદ ખાબકી જતા રાજુલા તાલુકાના 7 થી 8 ગામો સંપર્ક વિહોણા બન્યા છે. રાજુલા શહેરમાં પણ ઠેકઠેકાણે પાણી ભરાયા છે. ક્યાંક પૂલ પર પાણી વળતા સંપર્ક તૂટ્યો છે તો ક્યાંક રસ્તા ધોવાઈ જતા ગામો સંપર્ક વિહોણા બન્યા છે. રાજુલાનુ ચૌત્રા ગામ સંપર્ક વિહોણુ બન્યુ છે. રાજુલામાં ગત રાતથી સતત વરસાદ ચાલુ છે ત્યારે ધાતરવડી ડેમના 20 થી વધુ દરવાજા ખોલવામાં આવ્યા છે. નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળ રહી છે. નદી-નાળા ભયજનક સપાટી પરથી વહી રહ્યા છે. નદી કાંઠાના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. વડ, હિંડરણા, ખાખબાઈ, લોઠપુર, કોવાયા સહિતના ગામોને એલર્ટ રહેવા અપીલ કરવામાં આવી છે.
આ તરફ ભાવનગર જિલ્લાના અનેક ગામોમાં પણ તારાજીના દૃશ્યો સામે આવી રહ્યા છે. ખાસ કરીને મહુવા તાલુકાના અનેક ગામો જળમગ્ન બન્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા જનજીવનને માઠી અસર પહોંચી છે. જો કે આ વરસાદ હાલ તો ખેતીના પાકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે. હાલ કાચા સોના જેવી વરસાદી મહેરથી ધરતીપુત્રોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
રાજુલામાં 8 ઈંચથી વધુ વરસાદ ખાબકી ગયો છે અને હજુ પણ વરસાદ ચાલુ જ છે ત્યારે ખેતરોમાં પણ પાણી ભરાયા છે જો હવે વધુ વરસાદ થશે તો પાક નુકસાનીનો ભીતિ પણ સતાવી રહી છે. આ તરફ જાફરાબાદ, ખાંભા તાલુકામાં પણ ભારે વરસાદથી અનેક સ્થળોએ પાણી ભરાયા છે. ખાંભા રોડ પર પાણીનો પ્રચંડ પ્રવાહને કારણે વાહન વ્યવહાર ખોરવાયો છે. તો રાજુલાના ડુંગર ગામ તરફ જવાના માર્ગો પર વરસાદી પૂરના પાણી ફરી વળ્યા છે જેના કારણે લોકો જીવના જોખમે રસ્તો પસાર કરવા મજબુર બન્યા છે. આ તરફ તંત્ર દ્વારા રાજુલા-ખાંભા માર્ગ બંધ કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.
Input Credit- Jaydev Kathi- Amreli
