
અમરેલી જિલ્લાના દલખાણીયા ગામના રેવન્યુ વિસ્તારમાં વધુ એક સિંહનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા વનવિભાગમાં દોડધામ મચી ગઈ છે. ગીર પૂર્વ ડિવિઝનમાં ફરી એકવાર સિંહના મોતની ઘટના સામે આવતા વનવિભાગની કામગીરી પર અનેક સવાલો ઊભા થયા છે.
સ્થાનિક લોકો દ્વારા સિંહનો મૃતદેહ જોવા મળ્યા બાદ વનવિભાગને જાણ કરવામાં આવી હતી. જોકે, સ્થાનિકોના આક્ષેપ મુજબ દલખાણીયા રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) ઘટનાની જાણ થયા બાદ કલાકો પછી સ્થળ પર પહોંચ્યા હતા. ત્યારબાદ વનવિભાગની ટીમે મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી.
સિંહના મોતનું ચોક્કસ કારણ હાલમાં સ્પષ્ટ થયું નથી. વનવિભાગના જણાવ્યા અનુસાર પોસ્ટમોર્ટમ (PM) રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું વાસ્તવિક કારણ જાણી શકાશે. હાલ સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ગીર પૂર્વ ડિવિઝનના જસાધાર સહિતના વિસ્તારોમાં અગાઉ પણ અનેક સિંહોના શંકાસ્પદ મોતની ઘટનાઓ સામે આવી હતી. જોકે, તે કેસોના પોસ્ટમોર્ટમ અને તપાસના અહેવાલો હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી. એક મહિના બાદ પણ સરકાર અને વનવિભાગ તરફથી સત્તાવાર રિપોર્ટ જાહેર ન થતાં અનેક પ્રશ્નો ઊભા થયા છે.
Suspicious Lion Death in Amreli’s Dalakhaniya Range | Forest Dept Under Scanner | TV9Gujarati#LionDeath #AmreliNews #GirLion #GujaratForest #TV9Gujarati pic.twitter.com/39vvMz3XFx
— Tv9 Gujarati (@tv9gujarati) June 26, 2026
ફરી એકવાર સિંહના શંકાસ્પદ મોતની ઘટના સામે આવતા વનવિભાગની કામગીરી અને વન્યજીવ સંરક્ષણ વ્યવસ્થાને લઈને ચર્ચા તેજ બની છે. હવે સૌની નજર પોસ્ટમોર્ટમ રિપોર્ટ પર છે, જે બાદ જ સિંહના મોતનું સાચું કારણ સામે આવશે.
અમદાવાદમાં ગુજરાત ATSની મોટી કાર્યવાહી, લક્ઝરી બસમાંથી ₹10 કરોડનું ટ્રામાડ્રોલ ઝડપાયું