Amreli: અમરેલી જિલ્લામાં આવેલ ખાંભાના સમઢીયાળા ગામમાં નદી કાંઠે સરાણીયા પરિવારના ત્રણ લોકોના ડૂબવાથી મોત થયા છે. નદીમાં ડૂબતા પુત્રને બચાવવા જતા બહેન અને પિતા અને પુત્ર ત્રણેયનું મોત થયુ છે. એક જ પરિવાના ત્રણ લોકોના મોતથી પરિવારના માથે જાણે આભ ફાટ્યુ છે. માતાનું હૈયાફાટ રૂદને ત્યાં હાજર સહુ કોઈને ધ્રુજાવી દીધા હતા. વ્હાલસોયાને ગુમાવનારી માતાના રડી રડીને બુરા હાલ થયા છે.
સમઢિયાળા ગામમાં નદી કાંઠે સરાણિયા પરિવાર તેમના પશુઓ રાખી વર્ષોથી વસવાટ કરે છે અને અઢી વર્ષનો પુત્ર રમતા રમતા નદી નજીક પહોંચી ગયો હતો. ત્યારે સાત વર્ષની બહેન નાનાભાઈને બચાવવા દોડી હતી. જેમા તે પણ ડૂબવા લાગી હતી. ત્યારબાદ 32 વર્ષિય પિતા દેવકુભાઈ પરમાર પણ બંને સંતાનોને બચાવવા દોડ્યા. જો કે કાળ જાણે ત્રણેયને બોલાવતો હોય તેમ ત્રણેય પિતા, પુત્ર અને પુત્રીનુ ડૂબી જવાથી મોત થયુ છે. ત્રણેયની લાશો નદી પર તરતી જોવા મળી હતી. પાણીમાં તરતી લાશ જોઈને સ્થાનિકો દોડી આવ્યા હતા અને ખાંભા પોલીસને જાણ કરી હતી.
આ પણ વાંચો: Amreli: 9 ગુન્હાના લિસ્ટેડ બુટલેગરને પાસા હેઠળ મહેસાણા જેલ હવાલે કરાયો, SP અને કલેક્ટર દ્વારા કાર્યવાહી
ઘટનાની જાણ થતા જ પોલીસ દોડી આવી હતી અને સમઢિયાળા ગામના સરપંચ સહિતના એક્ઠા થયા હતા. ખાંભા પોલીસની મદદથી ત્રણેય લાશોને બહાર કાઢી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવી છે. પોલીસે મૃતદેહોનું પંચનામુ કરી ગામલોકો અને પરિવારજનોના નિવેદન લેવાની તજવીજ હાથ ધરશે. હાલ તો એકસાથે ત્રણેય લોકોના મોતથી સમગ્ર ગામમાં ગમગીની છવાઈ ગઈ છે અને શોકનું મોજુ ફરી વળ્યુ છે. તહેવારનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો છે. પરિવારના મોભી સહિત બંને વ્હાલસોયાને ગુમાવનારી માતાના પણ રોઈ રોઈને બુરા હાલ છે. હ્રદયને ચીરી નાખતુ તેનુ આક્રંદે ત્યાં હાજર સહુ કોઈને હચમચાવી દીધા હતા.
Input Credit- Jaydev Kathi- Amreli
અમરેલી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 7:09 pm, Thu, 19 October 23