અમરેલી- ભાવનગર- સોમનાથને જોડતો બ્રિજ બન્યાના એક જ વર્ષમાં બહાર દેખાવા લાગ્યા સળિયા, ભ્રષ્ટાચારના બ્રિજની ખૂલી પોલ

અમરેલી ભાવનગર અને ગીરસોમનાથને જોડતો બ્રિજ બન્યાને હજુ એક જ વર્ષ થયુ છે. કરોડોના ખર્ચે બનાવાયેલા આ બ્રિજમાં એક જ વર્ષમાં લોખંડના સળિયા દેખાવા લાગ્યા છે. આના પરથી સમજી શકાય છે કે બ્રિજની કામગીરીમાં કેટલી હદે નબળી ગુણવત્તાનું મટિરિયલ વપરાયુ હશે અને કેટલી હદે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હશે.

| Edited By: | Updated on: Sep 15, 2025 | 7:15 PM

સૌરાષ્ટ્રમા અમરેલી ભાવનગર ગીર સોમનાથ આ ત્રણ જિલ્લાને જોડતો મહત્વનો નેશનલ હાઇવે એટલે ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે. કેન્દ્ર સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચ કરી નેશનલ હાઇવે તૈયાર કરવામાં આવ્યો છે. અમરેલી જિલ્લામાંથી પસાર થતો ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે રાજુલા જાફરાબાદ પંથક માંથી પસાર થાય છે. રાજુલા નજીક આવેલા હિંડોરણા બ્રિજ ઉપર વરસાદી ઝાપટાના કારણે લોખંડના સળિયા બહાર આવ્યા છે. આ લોખંડના સળિયા બહાર આવી જવાના કારણે આ બ્રિજની કામગીરી કેટલીહદે નબળી ગુણવત્તાની છે, તેની પોલ ખુલી ગઈ છે.

અહીં સામાન્ય વરસાદી ઝાપટાના કારણે ફરીવાર આ બ્રિજ ઉપર ખાડા પડવાના કારણે લોખંડના સળિયા બહાર આવતા નેશનલ ઓથીરિટીના અધિકારીઓ કામ કરનાર કોન્ટ્રાકટર એજન્સી સામે સવાલો ઉઠી રહ્યા છે વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. રાજ્યમાં બ્રિજ તૂટવાની ઘટનામાં લોકોના જીવ ગયા પછી સરકાર 5 લાખની સહાયનો મલમ લગાવવા આવી જાય છે પરંતુ જો પહેલા જ ધ્યાન આપતી હોય તો આવા અનેક જીવલેણ અકસ્માતો થતા અટકાવી શકાય છે.

આ હિંડોરણા બ્રિજ ઉપર આજ જગ્યા ઉપર અગાઉ ખાડામાં ગાબડા પડવાના કારણે કોન્ટ્રાકટર દ્વારા થીગડા બુરવામાં આવ્યા બાદ હવે અહીં લોખંડના સળિયા બહાર આવી જવાના કારણે ભારે વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે પરંતુ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ નેશનલ ઓથીરિટીના અધિકારીઓ સ્થાનિક અને જિલ્લા પ્રશાસનને ગાંઠતા નથી અને સંકલનના અભાવે સ્થાનિક જવાબદાર અધિકારીઓની સુચનાનું પણ કોઈ પાલન નથી કરતા તેવો ગણગણાટ ચાલી રહ્યો છે.

અગાવ 2 માસ પહેલા રાજુલાના ચારનાળા નજીક બ્રિજ ઉપર મોટી તિરાડો પડી હતી જેના કારણે ભારે વિવાદ સર્જાયો હતો. જ્યારે આ તિરાડો પડી અને રસ્તો બેસી જવાના કારણે વાહન ચાલકો વાહનો દોરીને જતા જોવા મળ્યા હતા. મસમોટી તિરાડો પડવાના કારણે વાહન ચાલકોએ રોષ વ્યકત કર્યો હતો અને નેશનલ હાઇવે ઓથીરિટીના કોન્ટ્રાક્ટર દ્વારા થીગડા મારી બુરવામાં આવ્યા હતા. પરંતુ આ નેશનલ હાઇવેનું લોકાર્પણ કરાયાને માંડ એક વર્ષ થવા જાય છે ત્યાં તો 5 થી વધુ વખત ગાબડા સિમેન્ટના પોપડા બહાર આવી રહ્યા છે જેના કારણે બ્રિજમા કામમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવી રહ્યુ છે.

આ નેશનલ હાઈવે પર ગાબડા પડવા, રોડ બેસી જવા જેવી અનેક ઘટનાઓ અવારનવાર સામે આવતી રહે છે, ત્યારે કેન્દ્ર સરકાર સંબંધિત એજન્સી સામે તપાસ બેસાડી યોગ્ય કાર્યવાહી કરે તેવી વાહનચાલકો માગ કરી રહ્યા છે.

Input Credit- Jaydev Kathi- Amreli

રાજકોટ- ભાવનગર હાઈવે પર કમરતોડ ખાડાથી વાહનચાલકો ત્રાહિમામ, વરસાદે વિરામ લીધા બાદ પણ રોડનુ સમારકામ નથી થતુ

 

Published On - 6:59 pm, Mon, 15 September 25