અમરેલીમાં ભ્રષ્ટાચારની પોલ ખોલતો બ્રિજ : માત્ર 6 મહિનામાં જ પડી ગઈ મોટી તિરાડો, બેદરકારી છુપાવવા કોન્ટ્રાક્ટરે માર્યા થીગડાં !-જુઓ Video

સૌરાષ્ટ્રના સૌથી મહત્વના ગણાતા ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે (NH-51) પર કરોડોના ખર્ચે બનેલો નવો બ્રિજ ભ્રષ્ટાચારનો જીવતો જાગતો નમૂનો બન્યો છે. રાજુલા પાસે રેલવે ફાટક પર બનેલા આ બ્રિજને હજુ માંડ 6 મહિના થયા છે ત્યાં જ તેમાં ગાબડાં પડ્યા છે અને લોખંડના સળિયા બહાર આવી ગયા છે.

અમરેલીમાં ભ્રષ્ટાચારની પોલ ખોલતો બ્રિજ : માત્ર 6 મહિનામાં જ પડી ગઈ મોટી તિરાડો, બેદરકારી છુપાવવા કોન્ટ્રાક્ટરે માર્યા થીગડાં !-જુઓ Video
Image Credit source: Tv9Gujarati
| Updated on: Jul 15, 2026 | 4:31 PM

માત્ર 6 મહિના પહેલા અમરેલીમાં ભાવનગર-સોમનાથ હાઈવે પર બ્રિજ બનાવાયો, તિરાડો પડતા બેદરકારી છુપાવવા મારી દેવાયા થીગડાં! તંત્ર દ્વારા વિકાસના મોટા-મોટા દાવા કરવામાં આવે છે, પરંતુ “વિકાસ”ના નામે જનતાને શું પધરાવવામાં આવી રહ્યું છે તેની જીવતી-જાગતી સાબિતી આ તસવીરો જ આપી રહી છે. સૌરાષ્ટ્રનો ખૂબ જ મહત્વનો મનાતો ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે, જે NH-51 તરીકે ઓળખાય છે, તેના પર સરકારી કામગીરીના લોલમલોલની પોલ ખુલી ગઈ છે.

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાની ભેરાઈ ચોકડી પાસે આવેલા રેલવે ફાટક પર એક નવો બ્રિજ બનાવવામાં આવ્યો હતો. મુખ્ય મુદ્દો એ છે કે હજુ બ્રિજ તૈયાર થયે માંડ છ મહિનાનો સમય થયો છે, ત્યાં જ નવા જ બનેલા બ્રિજમાં મોટી-મોટી તિરાડો પડી ચૂકી છે અને અનેક જગ્યાએથી લોખંડના સળિયા પણ બહાર આવી ગયા છે.

NH-51ના બિસ્માર બ્રિજ પર પહોંચી TV9ની ટીમ, કેમેરામાં કેદ થયા પુરાવા

જ્યારે TV9ની ટીમ આ બ્રિજ પર ગ્રાઉન્ડ રિપોર્ટિંગ માટે પહોંચી, ત્યારે કામગીરીની હલકી ગુણવત્તા કઈ કક્ષાની છે તેની સાબિતી આપતા તમામ પુરાવાઓ TV9ના કેમેરામાં કેદ થઈ ગયા હતા. બ્રિજ પરથી રોડનું પડ ઉખડી ગયું છે. પોતાની આ ગંભીર બેદરકારી છૂપાવવા માટે કોન્ટ્રાક્ટર એજન્સી દ્વારા અહીં તાત્કાલિક થીગડાં (સાંધા) મારી દેવામાં આવ્યા હતા. જો કે, ભ્રષ્ટાચારનું કામ કેટલું ટકે? એ થીગડાં પણ ગણતરીના દિવસોમાં ઉખડી ગયા અને લોખંડના સળિયા ફરી બહાર નીકળી આવ્યા. બ્રિજ અત્યંત જોખમી બનતા વાહનચાલકોમાં ભારે આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે.

 

ટોલટેક્સ વસૂલાય છે, તો આવી હલકી ગુણવત્તા કેમ?

આ સમગ્ર મામલે ઉચ્ચ સ્તરેથી યોગ્ય તપાસ હાથ ધરાય તેવી ઉગ્ર માંગણી ઉઠી રહી છે. NH-51 એ એક એવો વ્યસ્ત હાઈવે છે જે ભાવનગર, મહુવા, પીપાવાવ પોર્ટ, રાજુલા, જાફરાબાદ, ઊના, કોડીનાર અને સોમનાથ જેવા મહત્વના વિસ્તારોને એકબીજા સાથે સાંકળે છે. આ જ કારણે આ હાઈવે પરથી દિવસ-રાત નાની-મોટી ગાડીઓ અને ભારે માલવાહક વાહનો મોટી સંખ્યામાં પસાર થાય છે.

બીજી તરફ, આ હાઈવે પરથી પસાર થતા વાહનચાલકો પાસેથી તંત્ર દ્વારા તગડો ટોલટેક્સ પણ વસૂલવામાં આવે છે. જનતાના ખિસ્સા ખાલી કરીને પણ બ્રિજ નિર્માણમાં આવી હલકી ગુણવત્તા કેમ રાખવામાં આવી, તેને લઈને ગંભીર સવાલો ઊઠી રહ્યા છે. રસ્તા પર બહાર નીકળેલા લોખંડના સળિયાને કારણે જો કોઈ મોટો અકસ્માત સર્જાય અને કોઈ નિર્દોષનો જીવ જાય, તો તેની જવાબદારી કોની રહેશે?

રાજુલા-ઉના હાઈવે પર પણ આવું જ કરાયું હતું

અહીં ઉલ્લેખનીય છે કે અગાઉ થોડા દિવસ પહેલા પણ રાજુલા-ઉના હાઈવે પર આવેલા ‘ચારનાળા’ ના બ્રિજ પર પણ આવી જ મોટી તિરાડો પડી ગઈ હતી. તે સમયે વાહનચાલકોએ વિરોધ અને આક્રોશ ઠાલવતા તંત્રએ ત્યાં પણ માત્ર “સાંધા” (થીગડાં) મારીને કામ પૂરું કરી દીધું હતું. આજે એ સાંધા પણ સંપૂર્ણપણે ઉખડી ગયા છે અને તંત્રના ભ્રષ્ટાચારની પોલ સીધેસીધી ખોલી રહ્યા છે. સ્થાનિકો અને વાહનચાલકોની માંગ છે કે આવા નબળા કામ કરનાર કોન્ટ્રાક્ટર સામે તાત્કાલિક કડક કાનૂની પગલાં લેવામાં આવે.

બોલિવૂડ ફિલ્મમાં કર્યું કામ, પછી આતંકના રસ્તે ચાલ્યો આ એક્ટર, શ્રીનગરમાં થયેલા એન્કાઉન્ટરમાં થયો ઢેર

Follow Us
Loading...
Unable to load recommendations.