ભારતીય સમુદાય ટ્રમ્પ શાસનના વિશ્વસનીય ભાગીદાર અનેક ભારતીયોનું રાજકીય મહત્વ અને કદ વધતા મહત્વના સરકારી વિભાગોમાં રાજકીય પદ મળી શકે છે. જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં ડોનાલ્ડ ટ્રમ્પ શપથ લેશે ત્યારે અમેરિકન ભારતીય અને ખાસ કરીને ગુજરાતી વેપારીઓ અને નાગરીકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ભારત સાથેના રાજદ્વારી અને વ્યાપારિક સંબંધો બાબતે મોદી – ટ્રમ્પની નીતિ સ્પષ્ટ અને ખુલ્લી છે.
આ સંબંધો વધુ દ્રઢ બનશે તેમજ ઇસ્લામિક આતંકવાદ સાથે પણ મોદી ટ્રેમ્પની વિચારધારા એક સમાન આક્રમક હોવાની બાબતે પણ વૈશ્વિક ધોરણે ચોક્કસ અમેરિકા ભારતનો હિતેચ્છુ અને વ્યૂહાત્મક રાજનીતિક સાથીદાર સાબિત થશે.આ અંદાજો અમેરિકન ઉદ્યોગપતિ અને ઉત્તર કેલિફોર્નિયાના રિપબ્લિકન આગેવાન યોગી પટેલના છે. મૂળ ચરોતરના વસો ખાંધલીના વતની હાલ માદરે વતનની મુલાકાતે છે.
નોર્થ અમેરિકામાં ચરોતર પાટીદાર સમાજનું ગૌરવ ગણતા યોગી પટેલે અમેરિકાની આગામી રણનીતિ બાબતે જણાવ્યું હતું કે એશિયામાં ચીનની નકારાત્મક સક્રિયતા અને કુટિલ રાજનીતિને કારણે અમેરિકા ભારતને મહત્વનું સહયોગી ગણી રહ્યું છે. એશિયા અને વિશ્વમાં ચીનના વધતા પ્રભાવને રોકવા માટે ભારતની નજીક આવવાની અમેરિકાની નીતિ સફળ થશે અને તેની સકારાત્મક અસર ભવિષ્યમાં જણાશે.
ડોનાલ્ડ ટ્રમ્પ સત્તા હાથમાં લેશે કે તરત પહેલું કામ ગેરકાયદેસર રીતે અમેરિકામાં રહેતા હજારો ભારતીયોને તગેડી મૂકશે અને તેમને દેશવટો આપવાનો આખો પ્લાન તૈયાર કરાયું હોવાની બાબતે તેઓએ જણાવ્યું હતું કે અમેરિકા આવીને કમાવું વિશ્વના દરેક નાગરિકનું સ્વપ્ન છે જે માટે વિઝા ન મળે તો પણ લાખો લોકો અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરે છે. જેનાથી ઘણાંના મોત થયા છે અને હજારો લાપતા છે. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકા ફર્સ્ટની નીતિને વળગી રહે તો પણ ભારતીયોને ગેરફાયદો નથી. ભારતીય નાગરિકોને અમેરિકન સરકાર ઉપદ્રવી તરીકે જોતા નથી, વળી ભારતીય સમુદાયના મહત્વપૂર્ણ લોકો સત્તાપક્ષ સાથે સંકળાયેલ છે જે આવી પરિસ્થિતિમાં સૌથી ઓછા લોકોને નુકસાન થાય તે માટે સક્રિય છે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ટ્રમ્પ શાસનમાં કાયદો અને નિયમો ચુસ્ત બનતા આવા ગેરકાયદેસર વસાહતીઓ વિરૂધ્ધ ચોક્કસ અભિયાન ચાલશે અને વિવિધ દેશોના નાગરિકો પરત મોકલશે તે બાબત ચોક્કસ છે. પરંતુ જે ભારતીય લોકો અમેરિકામાં કાયદેસર રહે છે તમનું રાજકિય શાખ વિસ્તરી રહી છે, અને સત્તા માં પણ સ્થાન આપવામાં આવ્યું છે. અનેક ભારતીયો ત્યાંની કાઉન્ટીથી લઈ સેનેટર સુધીની ચૂંટણીઓમાં ભાગ લઈ રહ્યા છે તેમજ અનેકો ચૂંટાયા પણ છે.જે સૌ ભારતીયો માટે ગૌરવની વાત છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ચરોતરથી સુરતને કર્મભૂમિ બનાવી અને ત્યાંથી અમેરિકા પહોંચી છેલ્લા બાવીસ વર્ષમાં વ્યવસાયિક, સામાજિક અને હવે રાજકીય ક્ષેત્રે નામના મેળવનાર યોગી પટેલ ઉત્તર કેલિફોર્નિયામાં નામાંકીત સેલિબ્રિટીમાં સ્થાન પામ્યા છે. હોટેલ મોટેલ ઉદ્યોગ સાથે સંકળાયેલા યોગી પટેલ છેલ્લા દસ વર્ષથી અમેરિકાની રિપબ્લિકન પાર્ટી સાથે સંકળાયેલ છે અહી પોતાના ક્ષેત્રમાં નોંધપાત્ર યુવા ઉદ્યોગપતિમાં તેમની ગણના થાય છે. વળી આગામી ટ્રમ્પ શાસનમાં તેઓને મહત્વના સરકારી વિભાગમાં નિમણુક મળવાની શક્યતાઓ વર્તાઈ રહી છે.