અમદાવાદીઓએ રસીનો બીજો ડોઝ લેવામાં નિરસતા દાખવી છે. પ્રોત્સાહક યોજનાઓ અમલમાં મૂકવા છતાં લોકો રસીનો બીજો ડોઝ લેવામાં ઉત્સાહ નથી દર્શાવતા. શહેરીજનોને પ્રથમ ડોઝ આપવામાં તો કોર્પોરેશને 100 ટકાનું લક્ષ્ય સિદ્ધ કર્યું છે. પરંતુ બીજો ડોઝ લેવામાં અમદાવાદ ખૂબ પાછળ છે. અત્યાર સુધીમાં માત્ર 52.17 ટકા લોકોએ જ બીજો ડોઝ લીધો છે.
લોકો સમયસર બીજો ડોઝ લે તે માટે કોર્પોરેશન દ્વારા વિવિધ યોજનાઓ જાહેર કરી હતી. જેમાં 10 ઓક્ટોબરે વેકસીનનો પ્રથમ અને બીજો ડોઝ લેનાર લોકોમાંથી લકી ડ્રો કરીને 25 લોકોને 10 હજારની કિંમતના સ્માર્ટ ફોન આપવામાં આવ્યા હતા. ત્યાર બાદ વિવિધ એનજીઓ સાથે મળીને કોર્પોરેશને વૅક્સીન લેનારને એક લીટર ખાદ્યતેલ ફ્રી આપવાની યોજના અમલમાં મૂકી છે. પરંતુ કોર્પોરેશનની આ યોજનાઓ નિષ્ફળ સાબિત થઈ હોય તેમ લાગી રહ્યું છે. જોકે અધિકારીઓનો ઉત્સાહ હજુ પણ અકબંધ છે.
હાલ શહેરમાં 2 લાખથી વધુ લોકો બીજા ડોઝ માટે યોગ્ય હોવા છતાં તેઓ રસી નથી લેતા. આવા લોકોને એએમસી દ્વારા ફોન કરીને તાત્કાલિક બીજો ડોઝ લેવા સૂચના આપવામાં આવી રહી છે. લોકો ઝડપથી બીજો ડોઝ લે તે માટે એક લીટર ખાદ્યતેલ મફતમાં આપવાનું પણ જણાવવામાં આવી રહ્યું છે. અને દિવાળી બાદ વેક્સીનેશન બંધ થઈ જશે તેવું પણ કહેવામાં આવે છે. તેમ છતા લોકો બીજો ડોઝ લેવામાં બહાના કાઢી રહ્યા છે..જોકે કેટલાક લોકો ખાદ્યતેલની લાલચમાં રસી મૂકાવવા આવી રહ્યા છે.
નોંધનીય છેકે રાયુપર- ખાડિયા નજીક આવેલા એક વિસ્તારમાં સ્થાનિકોને કોરોનાની વેક્સિન મળી રહે તે માટે કોર્પોરેશન દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવ્યા, પરંતુ કોઈ રસી લઈ રહ્યું ન હતું. આખરે 10 દિવસ પહેલા મ્યુનિ.એ લોકોને પ્રોત્સાહન આપવા માટે રસીની સાથે એક લિટર તેલ આપવાની જાહેરાત કરી હતી. ત્યાર બાદ આ વિસ્તારમાં વેક્સિનેશન સેન્ટરો ઉપર એકાએક લોકોની ભીડ જોવા મળી હતી.
રાયુપર નજીક આવેલા આ વિસ્તારમાં જ્યારથી વેક્સિનેશનની શરૂઆત થઈ ત્યારથી વેક્સિન લેવા બાબતે લોકોમાં નિરસતા જોવા મળી હતી, પરંતુ વેક્સિન સાથે તેલની સ્કીમ લાગુ કર્યા બાદ છેલ્લા 10 દિવસમાં 500થી વધુ લોકોએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો.
આ પણ વાંચો : પ્રોફિટ બુકિંગના પગલે તેજીનું વલણ સમાપ્ત, સેન્સેક્સમાં 50 અંકનો ઘટાડો