
ગુજરાતમાં વરસાદનો વધુ એક શક્તિશાળી રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 48 કલાક બાદ રાજ્યમાં વરસાદની તીવ્રતા વધશે અને 30 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને લઈને વિવિધ સ્તરના એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.
30 જુલાઈના રોજ નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં 5થી 10 ઇંચ સુધી વરસાદ નોંધાઈ શકે છે. જ્યારે સુરત, ભરૂચ અને નવસારી જિલ્લામાં ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલમાં એકસાથે ચાર હવામાન પ્રણાલીઓ સક્રિય હોવાથી રાજ્યમાં વરસાદનું જોર વધશે.
31 જુલાઈએ છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતાને કારણે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પંચમહાલ, દાહોદ અને વડોદરા માટે ઓરેન્જ એલર્ટ છે, જ્યારે અમદાવાદ, ગાંધીનગર સહિત અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના અનુમાન મુજબ 1 ઓગસ્ટે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ ચાલુ રહેશે. જ્યારે 2 ઓગસ્ટે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની તીવ્રતા વધવાની શક્યતા છે. જુલાઈ મહિનામાં પડેલા સારા વરસાદને કારણે રાજ્યમાં અત્યાર સુધી સામાન્ય કરતાં અંદાજે 8 ટકા વધુ વરસાદ નોંધાયો છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગામી દિવસોમાં રાજ્યમાં વધુ એક ભારે વરસાદી રાઉન્ડની આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ 30 જુલાઈથી 3 ઓગસ્ટ દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને મધ્યપ્રદેશની સરહદને અડીને આવેલા વિસ્તારોમાં 8થી 20 ઇંચ સુધી વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.
અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે 9 ઓગસ્ટ બાદ ફરી એક વખત વરસાદનું જોર વધશે. દક્ષિણ ગુજરાત ઉપરાંત અત્યાર સુધી ઓછો વરસાદ મળેલા સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા છે. સમગ્ર ઓગસ્ટ મહિના દરમિયાન રાજ્યમાં સારો વરસાદ રહેવાના સંકેતો વ્યક્ત કરવામાં આવ્યા છે.
આગામી દિવસોમાં ભારે વરસાદને ધ્યાનમાં રાખીને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. નદીઓના જળસ્તરમાં વધારો અને ડેમોમાં પાણીની આવક વધવાની પણ શક્યતા છે.
દુબઈથી આવેલી મહિલા ઝડપાઈ, અમદાવાદ એરપોર્ટ પરથી ₹36 લાખનું સોનું જપ્ત