ગુજરાતીઓએ કાળઝાળ ગરમી માટે તૈયાર રહેવુ પડશે. હવામાન વિભાગે આગામી દિવસોમાં તાપમાન વધવાની આગાહી કરી છે. અમદાવાદમાં 2 દિવસ બાદ 2 ડિગ્રી જેટલું તાપમાન વધશે. એટલે કે ગરમીનો પારો 42 ડિગ્રી સુધી પહોંચી શકે છે. તાપમાન વધવાની આગાહીને પગલે 17 અને 18 એપ્રિલે અમદાવાદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ઉત્તરી દિશાથી સૂકા પવનો ફૂંકાવાના કારણે તાપમાનમાં વધારો થશે.
હવામાન વિભાગે ગરમીને લઈને આગાહી કરી છે. રાજ્યમાં આગામી 5 દિવસ સૂકું વાતાવરણ રહેશે. તો બે દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહિ થાય. 2 દિવસ બાદ 2 ડિગ્રી તાપમાન વધશે. 17 અને 18 એપ્રિલે અમદાવાદમાં યલો એલર્ટ આપવામાં આવ્યુ છે. હીટ એક્શન પ્લાન અંતર્ગત અમદાવાદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તાપમાન 41 ડિગ્રીથી ઉપર જાય ત્યારે યલો એલર્ટ અપાયુ છે.
ગુજરાતમાં ગઇકાલે નોંધાયેલા હવામાનની વાત કરીએ તો અમદાવાદ અને અમરેલીમાં 40.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. જ્યારે સુરેન્દ્રનગર અને ગાંધીનગર 40 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. સુરતમાં 39.8 ડિગ્રી, તો નલિયામાં 35 ડિગ્રી ઓખામાં 32 ડિગ્રી, વેરાવળ 33 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. બાકીના સ્થળે 35 થી 39 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ.
બીજી તરફ હવામાન વિભાગે માહિતી આપી છે કે ઉત્તર દિશાથી સૂકા પવન ફૂંકાવાને લઈને તાપમાનમાં વધારો થશે. જો કે હજુ પણ કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાની સંભાવના છે. 19 એપ્રિલે રાજ્યમાં કેટલાક વિસ્તારમાં વરસાદની શકયતા છે.
મહત્વનું છે કે ઉનાળો શરુ થઇ ગઇ હોવા છતા છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતમાં કમોસમી વરસાદનો માર સતત જોવા મળી રહ્યો છે. સમગ્ર માર્ચ મહિના દરમિયાન ગુજરાતમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ઘણુ નુકસાન થયુ છે. ખાસ કરીને વરસાદના કારણે બાગાયતી પાકોને નુકસાન થયુ છે. જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…