હવે USA સ્ટડી માટે જવા માગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર આવ્યા છે. US Visa backlog પ્રોસેસ ઝડપી કરવા મહત્વના પગલા લેવાયા છે. ગુજરાતની મુલાકાતે આવેલા યુએસ એમ્બેસેડર એરિક ગારસેટીએ જણાવ્યુ કે વિઝા બેકલોગ તેમના માટે એક ગંભીર મુદ્દો છે. ગયા વર્ષે વિશ્વના અન્ય દેશોની તુલનામાં સૌથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ માટે વિઝા ઈશ્યુ કરાયા હતા. આ વર્ષે આગામી બે અઠવાડિયામાં સ્ટુડન્ટ વિઝા માટે ઓપનિંગ કરવામાં આવશે.
એમ્બેસેડર એરિક ગારસેટીએ જણાવ્યું કે આ વર્ષે તેઓ વધુ નંબર મેળવવાની યોજના બનાવી રહ્યા છીએ. તેમનું લક્ષ્ય માત્ર આ વર્ષ જ નહીં, પરંતુ આગામી 5 વર્ષ, આગામી 20 વર્ષ માટે student’s visa વધારવાનું છે. આ સાથે તેઓ પ્રવાસીઓ અને પહેલી વાર મુલાકાતી પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. એરિકે જણાવ્યું કે રાષ્ટ્રપતિ જો બાઈડને તેમને વિદ્યાર્થીઓ, પ્રવાસીઓ અને પ્રથમ વખત મુલાકાતીઓ માટે વિઝા રાહ જોવાનો સમય (US Visa backlog) ઘટાડવા જણાવ્યું હતું. અત્યારે તેઓ પ્રક્રિયાને ઝડપી બનાવવાનું આયોજન કરી રહ્યા છે અને ડિસેમ્બર 2022 કરતાં 60% જેટલો રાહ જોવાનો સમય ઘટડવા કામ કરી રહ્યા છે. તેથી વર્ષના અંત સુધીમાં બેકલોગમાં ઘટાડો થતો જોવા મળશે. એમ્બેસેડર એરિક ગારસેટીએ એક ખુબ જ રસપ્રદ વાત કહી “ભારતીય વિદ્યાર્થીઓમાં એક અનોખો ઉત્સાહ જોવા મળે છે અને અમને એ વાતનો ગર્વ છે કે અમેરિકા સ્થિત મોટી કંપનીઓના મોટાભાગના સીઈઓ ભારતમાં જન્મેલા છે. તે ભારત અને યુએસ બંનેની અર્થવ્યવસ્થા માટે ઉત્સાહવર્ધક છે.
ભારતમાં યુએસ એમ્બેસેડર તરીકે 11 મેના રોજ કાર્યભાર સંભાળ્યા બાદ એરિક ગારસેટી સોમવારે પહેલી વખત ગુજરાતની મુલાકાતે આવ્યા. અમદાવાદ પહોંચી, યુનેસ્કો ઓલ્ડ સિટીની મુલાકાત અને હેરિટેજ ધાર્મિક સ્થળોની મુલાકાત બાદ પહોંચ્યા ગાંધી આશ્રમ. ગાંધીજી અને આશ્રમ વિશે તેમના વિચારો વ્યક્ત કરતા તેમણે કહ્યું “ભારતમાં યુએસ એમ્બેસેડર તરીકે, રાષ્ટ્રપતિ બાઈડેનના અંગત દૂત તરીકે અમેરિકન લોકોનું પ્રતિનિધિત્વ કરતા, આ સૌથી પરિણામલક્ષી સંબંધની સેવામાં અહીં રહેવું એ જીવનભરનું સન્માન છે”. આ સાથે ગિફ્ટ સિટીમાં બિઝનેસ લીડર્સ સાથે મુલાકાત અને ગુજરાતના રાજકીય અને સામાજિક નેતાઓ સાથેની વિશેષ મુલાકાત પણ લીધી. ક્રિકેટ પ્રત્યે ખાસ પ્રેમ અને રસ ધરાવતા એરિક ગારસેટીએ જણાવ્યું કે અમદાવાદની મુલાકાત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રોકાયા વિના પૂર્ણ થશે નહીં. એટલે ગુજરાત ટાઈટન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ બંનેને શુભકામનાઓ આપવા તેઓ પોતે સ્ટેડિયમ પહોંચશે.
ભારત અને યુનાઈટેડ સ્ટેટ્સ વચ્ચેના સંબંધો મજબૂત અર્થતંત્રો અને શાંતિપૂર્ણ, સમૃદ્ધ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રની સામાન્ય ઈચ્છા પર આધારિત છે અને જ્યાં પણ તેને પડકારવામાં આવે છે ત્યાં બંને દેશો સાથે ઊભા રહે છે. બંને દેશો ઈન્ડો-પેસિફિક ક્ષેત્રની સુરક્ષા અને લોકોને સુરક્ષિત રાખવાની પરસ્પર વ્યૂહરચનાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. ગારસેટ્ટીએ એમ પણ જણાવ્યું કે કે બંને દેશો સંરક્ષણ સંબંધોને વધુ ગાઢ બનાવશે અને અવકાશ અને ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં સાથે મળીને વસ્તુઓ વિકસાવવા માટે કામ કરશે. “અમે પડોશમાં સ્થિરતા જોવા માંગીએ છીએ, જે ભારત માટે મહત્વપૂર્ણ છે. પરંતુ અમે તે મૂલ્યો માટે પણ ઊભા રહેવા માંગીએ છીએ, જેનાથી મને લાગે છે કે ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર મજબૂત બને છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 7:42 pm, Mon, 15 May 23