
અત્યાર સુધી અમદાવાદમાં (Ahmedabad) રખડતા ઢોરનો આતંક તો જોવા મળતો જ હતો. જો કે હવે રખડતા ઢોર કરતા પણ વધુ રખડતા શ્વાનનો (Stray dogs) આતંક દિવસે દિવસે વધી રહ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને (AMC) છેલ્લા બે મહિનામાં જ રખડતા શ્વાનની 1109 ફરિયાદ મળી છે. રખડતા શ્વાનના હુમલા અને ડોગ બાઈટના કેસમાં એક પછી એક વધારો નોંધાતો જઈ રહ્યો છે. ત્યારે હવે શ્વાન હુમલાની વધતી ઘટનાઓને લઇને તંત્રની કામગીર પર સવાલ ઊભા થઇ રહ્યા છે.
અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી શ્વાન કરડવાની ઘટનાઓમાં સતત વધારો થયેલો જોવા મળી રહ્યો છે. અનેક એવા વિસ્તારો એવા છે કે જયાં રાત પડતાની સાથે રખડતા શ્વાન રોડ ઉપરથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓને કરડતા હોય છે. આ પ્રકારના કૂતરાને પકડવા જે તે વિસ્તારના રહીશો તરફથી ઓનલાઈન ફરિયાદ કરવામા આવ્યા બાદ પણ શ્વાન પકડવા કોઈ કામગીરી કરવામાં આવતી નથી.
અમદાવાદમાં એપ્રિલ તથા મે મહિનામાં રખડતા ઢોરની 767 ફરિયાદની સામે રખડતા શ્વાનના 1109 ફરિયાદ AMCને મળી છે. એપ્રિલ મહિનામાં અમદાવાદમાં 856 ફરિયાદ રખડતા શ્વાન અંગે મ્યુનિસિપલ તંત્રને મળી હતી. મે મહિનામાં અત્યાર સુધીમાં 253 શ્વાનની ફરિયાદ મળેલી છે.
એપ્રિલ મહિનામાં 3934 તથા મે મહિનામાં અત્યાર સુધીના સમયમાં 954 મળી કુલ 4888 શ્વાનનું ખસીકરણ કરવામાં આવ્યુ છે. ચાર વર્ષમાં કુલ 1,17,590 શ્વાનના ખસીકરણની કામગીરી કરવા માટે વર્ષ-2019માં 36563 શ્વાનના ખસીકરણ માટે રુપિયા 3,24,37,100 તથા વર્ષ-2020માં 21502 શ્વાનના ખસીકરણ માટે રુપિયા 1,91,10,2600નો ખર્ચ કરવામાં આવ્યો હતો. ઉપરાંત વર્ષ-2021માં 30360 શ્વાનના ખસીકરણ માટે રુપિયા 2,77,32,730 તથા વર્ષ-2022માં 29165 શ્વાનના ખસીકરણ માટે રુપિયા 2,73,79,386 ખર્ચ કરવામા આવ્યો છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો