રાહુલ ગાંધીને સુરતમાં માનહાની કેસમાં બે વર્ષની સજા અને ત્યારબાદ સભ્યપદ રદ થવાના મુદ્દાને લઈ કોંગ્રેસ સમગ્ર દેશમાં ‘જય ભારત સત્યાગ્રહ’ કરવા માટે જઈ રહ્યું છે. જેની શરૂઆત ગુજરાતથી જ થાય એ પ્રકારનું આયોજન કોંગ્રેસ કરી રહ્યું છે. સમગ્ર એપ્રિલ મહિનામાં કોંગ્રેસ સત્યાગ્રહ હેઠળ દેખાવો, સંમેલનો અને પ્રેસ કોન્ફરન્સ સહિતના કાર્યક્રમો યોજશે. રાહુલ ગાંધીના સભ્યપદના વિવાદ બાદ ગુજરાત કોંગ્રેસ સમગ્ર રાજ્યમાં એપ્રિલ મહિના જય ભારત સત્યાગ્રહ હેઠળ વિવિધ કાર્યક્રમો કરશે. ગુજરાતમાં સતત એક મહિના સુધી જન સંપર્ક જનજાગૃતિ માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે જેમાં કોંગ્રેસના ઓર્ગેનાઈઝેશન અને ડિપાર્ટમેન્ટ ભાગ લેશે.
સત્યાગ્રહ કાર્યક્રમ હેઠળ ગુજરાતના તમામ ઝોનમાં 3-4 એપ્રિલે તાલુકા કક્ષાએ પત્રકાર પરિષદ યોજવામાં આવશે. આ સિવાય યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ ના કાર્યકરો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી પોતાનો વિરોધ નોંધાવશે. કાયદો અને વ્યવસ્થા બાબતે 252 તાલુકા 33 જિલ્લા અને આઠ મહાનગર ની 51 વિધાનસભા મળી 293 મથક પર 6 થી 12 એપ્રિલ સુધી સંમેલનો યોજાશે. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે જણાવ્યું કે સરકારને આંદોલનોથી ડર લાગી રહ્યો હોવાથી તેઓ કોંગ્રેસના કાર્યક્રમોને મંજૂરી નથી આપી રહ્યો. હવેથી કોંગ્રેસ મોટા અધિકારીઓ કે નેતાઓ પાસે કાર્યક્રમ કરવા આજીજી કરવાને બદલે જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનમાં અરજી આપી કાર્યક્રમો આપશે.
કોંગ્રેસને લાગી રહ્યું છે કે અન્યાયની શરૂઆત ગુજરાતથી થઈ છે. સુરતમાં માનહાની કેસમાં તેમને બે વર્ષની સજા અને ત્યારબાદ લોકસભા સભ્યપદ જવું. ત્યારે લડતના મંડાણ પણ ગુજરાતથી જ કરવામાં આવે એવું આયોજન કોંગ્રેસ કરી રહ્યું છે. કોંગ્રેસે રાહુલ ગાંધીને 20 થી 25 એપ્રિલની વચ્ચે ગુજરાત આવવા આમંત્રણ પાઠવ્યું છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 6:44 pm, Sat, 1 April 23