Ahmedabad : સ્ટેટ GST વિભાગ દ્વારા અમદાવાદ, વડોદરા અને સુરતના કોસ્મેટિક ટ્રીટમેન્ટ અને પ્લાસ્ટિક સર્જરીની (plastic surgery) સેવાઓ આપનાર વિક્રેતાઓને ત્યાં દરોડા (raid) પાડ્યા છે. જેના પગલે કોસ્મેટિક ઉદ્યોગ સાથે સંકળાયેલ વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. વેપારીઓ તેમની કિંમતની સામે જીએસટી ભરતા ન હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ વિભાગના ધ્યાને આવ્યું છે. બીજી તરફ સુરતમાં યાર્ન ઉત્પાદક ગ્રુપની 5.75 કરોડની કરચોરી પણ GST વિભાગના દરોડામાં સામે આવી છે.
સ્ટેટ GST વિભાગ દ્વારા બોગસ બીલીંગ થકી થતી કરચોરીના કેસો શોધી કાઢી તેમની સામે કાર્યવાહી કરાઈ રહી છે. જેમાં શુક્રવારથી અમદાવાદ, વડોદરા અને સુરતના કોસ્મેટીક સર્જરી, હેર ટ્રીટમેન્ટ, સ્ક્રીન ટ્રીટમેન્ટ અને પ્લાસ્ટીક સર્જરીની સેવાઓ પુરી પાડતા ક્લિનિકમાં માર્કેટ ઈન્ટેલિજન્સ અને સિસ્ટમ બેઝ એનાલીસીસ હાથ ધરવામાં આવ્યુ હતુ.
એનાલીસીસના પરિણામમાં જાણવા મળ્યુ હતુ કે તેઓ વેરાપાત્ર સેવાઓ ખૂબ જ મોટાપાયે આપે છે. પરંતુ તેના પ્રમાણમાં GST પત્રકે પ્રમાણસર વેરો ભરવામાં આવતો નથી, તેમના દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓના બદલે રોકડમાં બિલ વગરના વ્યવહારો કરી આવા વ્યવહારોને ચોપડે દર્શાવવામાં આવતા નથી અથવા ઓછી રકમના બિલો બનાવવામાં આવતા હોવાનું વિભાગના ધ્યાને આવ્યું છે.
GST વિભાગે અમદાવાદમાં 9 ક્લિનિકોની 16 જગ્યા, વડોદરાના 5 ક્લિનિકની 9 જગ્યાઓ અને સુરતના 7 ક્લિનિકની 15 જગ્યાઓ મળી કુલ 21 ક્લિનિકની 40 જગ્યાઓ પર દરોડાની કામગીરી શુક્રવારથી ચાલી રહી છે. જેમાં મોટા પ્રમાણમાં કરચોરી સામે આવે એવી શક્યતા જોવાઈ રહી છે.
છેલ્લા કેટલાક દિવસોથી સ્ટેટ જીએસટી વિભાગના સુરતમાં સિન્થેટિક તેમજ ફિલામેન્ટ યાર્નના ઉત્પાદકો પર દરોડાની કામગીરી ચાલી રહી હતી. જેમાં ચાર પેઢીઓની 5.75 કરોડની કરચોરી પકડાઈ હોવાનું પણ સામે આવ્યું છે. 2.40 કરોડની વસુલાત કરાઈ છે જ્યારે બાકીના વેરાની સલામતી માટે પેઢીની મિલકતો પર કામચલાઉ ટાંચ મુકવામાં આવી.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો