ડ્રગ્સના કાળા કારોબારનો વ્યાપ દિવસેને દિવસે વધી રહ્યો છે. જેની સામે પોલીસ પણ કડક કાર્યવાહી કરી રહી છે. અમદાવાદ SOG પોલીસે છેલ્લા 13 વર્ષથી ડ્રગ્સના કારોબાર સાથે જોડાયેલા એક વ્યક્તિની ધરપકડ કરી છે. આ આરોપી જે વ્યક્તિ પાસેથી ડ્રગ્સ લઈ આવતો તે પણ છેલ્લા 15 વર્ષથી ડ્રગ્સનો કાળો કારોબાર કરી રહ્યો હોવાનું સામે આવ્યુ છે.
આ પણ વાંચો-Rajkot: રાજકોટ ઝૂને મળ્યા નવા વન્ય મહેમાનો, જાણો શુ છે આ તમામની વિશેષતા
આરોપી સલીમ પટેલ ઉર્ફે ચા વાલા અમદાવાદના શાહ આલમ વિસ્તારમાં રહે છે. આરોપી સલીમ સુરતથી નેનો કારમાં ગાંજો લઈને આવવાની બાતમી મળતા જ SOGએ તેને જશોદાનગરથી ઝડપી પાડ્યો હતો. આરોપી સલીમ પાસેથી પોલીસને 17 કિલો ગાંજો એટલે કે દોઢ લાખથી વધુની કિંમતનો ગાંજો જપ્ત કર્યો છે. જે ગાંજાનો જથ્થો સુરતના એક શખ્સ પાસેથી લાવ્યો હોવાનું સામે આવ્યું છે. આરોપી પોતે જ ગાંજાનો ધંધો કરે છે અને વેચવા માટે લાવ્યો હોવાની કબૂલાત કરી છે.
પોલીસની પૂછપરછમાં સામે આવ્યું છે કે, આરોપી સલીમ સુરતથી સસ્તા ભાવમાં ગાંજો લાવી અમદાવાદ વેચાણ કરતો હતો અને ત્રણ ગણી કમાણી કરતો હતો. સલીમ ગાંજાના ધંધા સાથે છેલ્લા 13 જેટલા વર્ષથી જોડાયેલો છે. સલીમ સુરતના જે વ્યક્તિ પાસેથી ગાંજો લઈ આવે છે તે પણ 15 વર્ષથી આ ધંધા સાથે જોડાયેલો હોવાનું સામે આવ્યું છે. સલીમ પોતે પણ ગાંજાનો બંધાણી હોવાથી સુરતથી સસ્તા ભાવે ગાંજો લાવી પોતાના વ્યસન માટે રાખતો અને બાકીનો વેચી કમાણી કરતો હતો.
સલીમ અગાઉ અનેક ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. સલીમ અગાઉ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, દાણીલીમડા અને રાજકોટમાં એનડીપીએસ ઉપરાંત પ્રોહીબિશન અને હથિયારના ગુનામાં ઝડપાયો હતો. આરોપી પાસામાંથી બહાર આવે એટલે ફરી ડ્રગ્સનો ધંધો કરવાની ટેવ હોવાનું સામે આવ્યું છે. ત્યારે હવે એસઓજીએ સુરતના ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 2:46 pm, Wed, 19 April 23