વર્ષ 2023માં અમદાવાદ એરપોર્ટે પણ અનેક નવિ સિદ્ધીઓ હાંસલ કરી છે. પેસેન્જર ટ્રાફિકથી લઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડ તેમજ એરલાઈન્સ ક્નેક્ટીવીટીની સિદ્ધીઓ અમદાવાદ એરપોર્ટે હાંસલ કરી છે. આ વર્ષમાં અમદાવાદ એરપોર્ટે કઈ ખાસ સિદ્ધીઓ હાંસલ કરી તેની પર કરીશું એક નજર.
વનડે ક્રિકેટ વર્લ્ડકપ 2023ની ફાઇનલ મેચને લઈ સતત ત્રણ દિવસ અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોનો ધસારો રહ્યો હતો. દેશ વિદેશથી ક્રિકેટ રસિયાઓ અને મહેમાનોની અવરજવર રહેતા ધસારો નોંધાયો હતો. 20મી નવેમ્બરે એક જ દિવસમાં સૌથી વધુ 42,224 મુસાફરોની અવરજવર રહી હતી.
19મી નવેમ્બરે અમદાવાદમાં એક જ દિવસમાં સૌથી વધુ એરપોર્ટ પર 359 એરક્રાફ્ટ મૂવમેન્ટ્સ નોંધાઈ હતી. જેમાંથી 99 ફ્લાઇટ નોન-શિડ્યુલ્ડ મૂવમેન્ટ રહી હતી. આમ અત્યાર સુધીની સૌથી વધુ નોન-શિડ્યુલ્ડ ફ્લાઇટ મૂવમેન્ટ્સનો રેકોર્ડ આ દિવસે નોંધાયો હતો.
એરપોર્ટ પર આવતા જતા મુસાફરોની સુવિધાઓ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, અપગ્રેડ અને ઉપયોગ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યુ છે. ડોમેસ્ટિક ટર્મિનલમાં મોટા પ્રમાણમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં નવા સિક્યુરિટી ચેક એરિયા તૈયાર કરવા સાથે અડધો અડધ વધુ જગ્યા ઉમેરવા અને બેઠક ક્ષમતામાં વધારો કરવામા આવ્યો હતો. સાથે જ એક્સ-રે મશીનો અને મેટલ ડિટેક્ટર સહિતના સુરક્ષા સાધનોમાં વધારો કરવામાં આવ્યો છે. સુરક્ષા માટે અદ્યતન સુરક્ષા સાધનો અને ટેકનોલોજીનો ઉમેરો કરવા સાથે નવા ઈ-ગેજેટ્સ રજૂ કરાયા હતા.
મુસાફરોને પિક-અપ અને ડ્રોપ અપ કરવા માટે નવા અને વધુ મોટા વિસ્તારો કરવામાં આવ્યા છે. હવે બે લેનને બદલે 6 લેન આ માટે તૈયાર કરવામાં આવી છે. પાર્કિંગની જગ્યામાં વધારો કરાયો છે.
સીમલેસ પેસેન્જર અનુભવ વધારવા માટે પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં ડોમેસ્ટિક-ટુ-ડોમેસ્ટિક ટ્રાન્સફર તેમજ ઇન્ટરનેશનલ-ટુ-ઇન્ટરનેશનલ ટ્રાન્સફર સુવિધાઓ સજ્જ કરાઈ છે. જેનાથી સિક્યુરીટી ચેક અને અન્ય પ્રોટોકોલ્સના સમયને બચાવવાનો પ્રયાસ કર્યો છે.
આંતરરાષ્ટ્રીય ટર્મિનલમાં પણ સુવિધાઓમાં વધારો સુધારાઓ સાથે કરવામાં આવ્યો છે. જેમાં ખાસ કરીને પેસેન્જર્સ અને એરલાઈન્સ મૂવમેન્ટમાં વધારો થઈ શકવામાં મદદ ઉભી થઈ છે. તેમજ ટર્મિનલને સુંદર બનાવવામાં આવ્યું છે આ માટે અઢી હજાર ચોરસ મીટર વિસ્તારના ઈમિગ્રેશન કાઉન્ટર્સને હેરીટેઝ સિટી કલા, સિટી સ્કેપ તેમજ આપણી સંસ્કૃતિની ઝલક તૈયાર કરાઈ છે. જે ઝલકથી આધુનિક ઈમિગ્રેશન કાઉન્ટર્સ તૈયાર કરવામાં આવ્યા છે.
અમદાવાદ થી દેશ વિદેશનો પ્રવાસ હવે વધુ સરળ બન્યો છે. આ માટે નવી એરલાઈન્સે અમદાવાદથી વધુ આંતરરાષ્ટ્રીય સ્થળ સાથે ક્નેક્ટીવીટી ઉમેરી છે. જેમાં ફ્લાય બગદાદ, થાઈ એરેસિયા સહિતની નવી એરલાઈન્સે કામગીરી શરુ કરી છે.
અમદાવાદથી ભારતના અનેક શહેરો સાથે હવાઈ યાત્રાનું જોડાણ વધ્યુ છે. જેમાં કશ્મીરના પ્રવાસીઓ માટે શ્રીનગર માટે ફ્લાઈટમાં વધારો થયો છે. આ ઉપરાંત પણ જેસલમેર, દીવ, અગરતલા, કોલકાતા, દુર્ગાપુર, કોઈમ્બતુર, ચેન્નાઈ, વિશાખાપટ્ટનમ, પોર્ટ બ્લેર, નાસિક, ગોવા, પુણે કોલકાતા અને લખનૌની ફ્લાઈટો શરુ તથા વધારો થયો છે.
Published On - 7:17 pm, Tue, 26 December 23