ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી વિશ્વકપ 2023 ની ફાઈનલ મેચ ઘર આંગણે હોવાને લઈ અમદાવાદીઓ જ નહીં પરંતુ ગુજરાત અને દેશના ક્રિકેટ રસિકોમાં ગજબનો ઉત્સાહ હતો. અમદાવાદમાં એરપોર્ટ, રેલવે સ્ટેશન અને મેટ્રો સ્ટેશન પર ક્રિકેટ રસિકોની ભીડ ઉભરાયેલી જોવા મળતી હતી. જ્યારે રસ્તાઓ પર પણ ગજબની ભીડ ઉમટેલી જોવા મળતી હતી. જેથી લોકોએ વાહનને સ્ટેડિયમ તરફ લઈ જવાને બદલે મેટ્રો ટ્રેનનો ઉપયોગ વધુ કર્યો હતો.
સ્ટેડિયમ જ નહીં અમદાવાદમાં દરેક જગ્યા ઉપર ક્રિકેટ રસિકોનો જમાવડો જોવા મળ્યો હતો. આ જ ક્રિકેટના કારણે લોકોને કમાણીની તક પણ મળી. ક્રિકેટ મેચ દરમિયાન ટ્રાફિકની અને પાર્કિંગ સમસ્યા માંથી મુક્તિ મેળવવા લોકોએ મેટ્રોની પસંદગી કરી. તો વિદેશથી આવનારા અને અન્ય શહેરથી આવનારા લોકો ના કારણે અમદાવાદ એરપોર્ટે તેનો એક દિવસનો રેકોર્ડ પણ તોડ્યો હતો.
વર્લ્ડકપ દરમિયાન ક્રિકેટ પ્રેમીઓ માટે મેટ્રો પહેલી પસંદગી બની હતી. જ્યાં અમદાવાદમાં રમાયેલ 5 મેચ દરમિયાન મેટ્રોમાં કુલ 4,81,779 લોકોએ મુસાફરી કરી. જેના કારણે મેટ્રોને રુપિયા 82,97,798 જેટલી આવક થઈ. જેમાં સૌથી વધુ 14 ઓક્ટોબરે રમાયેલી ભારત અને પાકિસ્તાન મેચ મેટ્રોને વધુ ફળી.
શહેરમાં એક સ્થળે થી સ્ટેડિયમ પહોંચવા મેટ્રોમાં લોકોએ મુસાફરી કરી. તો સાથે જ અન્ય શહેર અને અન્ય દેશ માંથી મેચ જોવા આવનારા અને VVIP મહેમાનોએ હવાઈ મુસાફરી પસંદ કરી. એરપોર્ટ પર હેવી હવાઈ ટ્રાફિક જોવા મળ્યો. જ્યાં 19 નવેમ્બરે ફાઇનલ મેચ દરમિયાન એરપોર્ટ પર એક જ દિવસમાં 40,801 મુસાફરોનો ધસારો નોંધાયો હતો. જે એક દિવસના મુસાફર સંખ્યાનો રેકોર્ડ નોંધાયો હતો.
19 નવેમ્બર એરપોર્ટ પર અત્યાર સુધીની સૌથી વધુ ફ્લાઇટ મૂવમેન્ટ રહી. જ્યાં એરપોર્ટ પર 260થી વધુ શિડ્યુલ્ડ અને 99 નોન-શિડ્યુલ્ડ એમ કુલ 359 એર ટ્રાફિક મૂવમેન્ટ્સ (ATM)નો રેકોર્ડ સર્જાયો છે. જેમાં એરપોર્ટ પરથી મુસાફરી કરનારાઓમાં 40,801 મુસાફરોમાં 33642 જેટલા સ્થાનિક અને 7159 આંતરરાષ્ટ્રીય કક્ષાના મુસાફરોનો સમાવેશ થાય છે. આ રેકોર્ડ ભારતીય વાયુસેનાના એર શોને લઈને 45 મિનિટથી વધુ સમય એર સ્પેસ બંધ રહેવા છતાં પણ સર્જાયો હતો.
અગાઉ 18 નવેમ્બરે SVPI એરપોર્ટ પર બીજી સૌથી વધુ મુસાફરોની અવર જવર જોવા મળી હતી. જ્યારે એરપોર્ટે પર 273 ફ્લાઇટ મૂવમેન્ટમાં 38723 મુસાફરોએ મુસાફરી કરી હતી. તો 19 ફેબ્રુઆરીના રોજ 268 ફ્લાઇટ શિડયુલ સાથે 37,793 મુસાફરોનીત્રીજી સૌથી વધુ મુવમેન્ટ જોવા મળી હતી.
Published On - 5:08 pm, Mon, 20 November 23