Ahmedabad : અમદાવાદમાં 146મી રથયાત્રા(Jagannath Rathyatra) પૂર્વે આવતીકાલે મંદિરમાં પરંપરાગત વિધિ યોજાશે. જમાલપુર ખાતે જગન્નાથ મંદિરમાં (jagannath Temple) ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ યોજવામાં આવશે. જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ પહેલા પ્રભુની પૂજા-અર્ચના કરવામાં આવશે.
આ દિવસની ધાર્મિક વિધિ પર નજર કરીએ તો,પરોઢીયે રત્નવેદી ઉપર ભગવાનની પ્રતિષ્ઠા કરાય છે. 8 વાગે નેત્રોત્સવનો પ્રારંભ થાય છે.જેમાં પરંપરાગત ધાર્મિક વિધિ(Ritual) અને મંત્રોચ્ચાર સાથે નેત્રોત્સવની વિધિ શરૂ થાય છે.જ્યારે સવારે 10 કલાકે મંદિર પર ધ્વજારોહણ કરાશે.જ્યારે બપોરે 12 કલાકે ભંડારો યોજાશે.
જળયાત્રા (jalyatra) બાદ પૂનમના દિવસે ભગવાન જગન્નાથ, ભાઇ બલરામ અને બહેન સુભદ્રા મામાના ઘરે ગયા હતા. ત્યારબાદ 15 દિવસ તેઓ મોસાળમાં મામાના ઘરે રોકાયા. જ્યાં તેમનું ભાવભર્યું આગતા- સ્વાગતા કરવામાં આવી હતી. 15 દિવસ મામાના ઘરે ભાવતા તમામ ભોજન આરોગ્યા બાદ ભગવાનને આંખો આવી જાય છે. ખાસ કરીને જાંબુ ખાધા બાદ તેમને આંખો આવે છે તેવુ માનવામાં આવે છે.
પછી જ્યારે પ્રભુ મંદિરમાં આવે છે ત્યારે તેમની નેત્રોત્સવ વિધિ કરવામાં આવે છે. જેથી મંદિરમાં(Temple) પ્રવેશ પછી તેમની આંખો પર પાટા બાંધી દેવામાં આવે છે. આ આખી વિધિને નેત્રોત્સવ કહેવામાં આવે છે. જેમાં ભગવાન ઝડપથી સાજા થઇ જાય તે માટે મંત્રો સાથે પૂજા-અર્ચના કરવામાં આવે છે અને અષાઢી બીજે આંખો પરથી પાટા ખોલવામાં આવે છે.
આ દિવસે લોકોને ભગવાનના આંખે પાટા બાંધેલા રૂપમાં દર્શન થાય છે. જ્યારે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામના આંખો પરથી રથયાત્રાને દિવસે સવારે ચાર વાગે મંગળા આરતી સમયે પાટા ખોલવામાં આવે છે. તેની બાદ મંગળા આરતી કરવામાં આવે છે.
રથયાત્રામાં ભગવાનને ધરાવાના પ્રસાદ માટે પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે. મંદિરમાં 30 હજાર કિલો મગ, 500 કિલો જાંબુ , 500 કિલો કેરી , 400 કિલો કાકડીના પ્રસાદી માટે તૈયારી કરવામાં આવી રહી છે.
રથયાત્રાના દિવસે મંગળા આરતી બાદ આદિવાસી નૃત્ય તેમજ રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રથયાત્રા પરંપરાગત માર્ગો પર નીકળશે. જેમાં 18 શણગારેલા ગજરાજ પણ જોડાશે. સાથે જ 101 ભારતીય સંસ્કૃતિ પ્રતિકૃતિ દર્શવાતા ટ્રકો પણ જોડાશે.
આ વખતે પણ રથયાત્રામાં 30 અખાડા, 18 ભજનમંડળી, 3 બેન્ડવાજા પણ જોડાશે. ઉપરાંત અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી સહિતના શહેરોમાંથી 2000 જેટલા સાધુ સંતો આવશે.
Published On - 3:50 pm, Sat, 17 June 23