અમદાવાદમાં (Ahmedabad) રથયાત્રા પૂર્વે (rathyatra) આજે જગન્નાથ મંદિરમાં (Jagannath Temple) પરંપરાગત નેત્રોત્સવ વિધિ યોજાઈ. જેમાં ગૃહ પ્રધાન હર્ષ સંઘવી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર પાટીલ (C. R. Paatil) હાજર રહ્યા હતા. જો કે નેત્રોત્સવ વિધિ બાદ હવે ભગવાનને કાળી રોટી અને ધોળી દાળનો પ્રસાદ ધરાવવામાં આવશે. દર વર્ષે ભગવાનને આ ભોગ ધરાવવાની પરંપરા છે. ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર, બહેન સુભદ્રાને કાળી રોટી અને ધોળી દાળની મહાપ્રસાદી ધરાવવાશે. જે પછી એક હજારથી વધુ સાધુ સંતો માટે ભંડારાનું પણ આયોજન કરાયું છે.
આજે અમાસના દિવસે ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ બાદ ધ્વજારોહણ વિધિ પણ કરવામાં આવી. આ વિધિ બાદ ભગવાનને કાળી રોટી-ધોળી દાળનો પ્રસાદ ધરાવવામાં આવશે. આ વાત સાંભળીને થોડી નવાઇ લાગશે કે આ કેવો પ્રસાદ ? કાળી રોટી-ધોળી દાળએ કયા પ્રકારનો પ્રસાદ છે. પણ વર્ષોથી અહીં ભગવાનને માલપુવા અને દૂધપાકનો ભોગ ધરાવવામાં આવે છે. માલપૂવાને કાળી રોટી અને દૂધપાકને ધોળી દાળ કહેવામાં આવે છે. ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને લાડકી બહેન સુભદ્રા જ્યારે મોસાળેથી પરત ફરે છે ત્યારે તેમને આ પ્રસાદ ખૂબ જ પ્રેમથી ધરાવવામાં આવે છે.
ભગવાન જગન્નાથની રથયાત્રા સાથે કાળી રોટી ધોળી દાળનુ પણ પણ વિશેષ મહત્વ છે. મહંત નરસિંહદાસજી સેવા ભાવી હતા અને લોકો ભુખ્યા ન રહે તેનુ તેઓ ધ્યાન રાખતા હતા.અમદાવાદ શહેરના જગન્નાથ મંદિરની આજુ બાજુ વર્ષો પહેલા મીલો આવેલી હતી. આસપાસના વિસ્તારમાં મજુર અને ગરીબ લોકો રહેતા હતા. જેના કારણે ગરીબ લોકોને મહંત નરસિંહદાસજી મહારાજ દ્વારા ભોજન કરાવતા. ભોજનમાં માલપુવા અને દુધપાક આપવામાં આવતો હતો. ત્યારથી લઈ આજ સુધી આ પરંપરાને ચાલુ રાખવામાં આવી છે. જેને કાળી રોટી ધોળી દાળ કહેવામાં આવે છે. ભગવાન જગન્નાથના મંદિરે આવતા તમામ ભક્તોને માલપુવા, ગુંદી,અને ગાઠિયાનો પ્રસાદ આપવામાં આવે છે. તેમજ જગન્નાથ મંદિરે ભંડારામાં ભક્તોને માલપુવા અને દુધપાક આપવામાં આવે છે.
અમદાવાદ જગન્નાથ મંદિરના ગાદિપતીઓને એક જ ધ્યેય રહ્યો છે કે ભુખ્યાને ભોજન અને તરસ્યાને પાણી આપવુ.વર્ષોથી ચાલતી પરંપરાને આજે પણ જીવંત રાખવામાં આવી છે.આ વર્ષે પણ પરંપરા યથાવત જોવા મળશે. દેશભરમાંથી 145મી રથયાત્રાને લઈને એક હજારથી વધુ સાધુ-સંતો આવ્યા છે, આજે નેત્રોત્સવ વિધિ બાદ ભંડારો થશે. જેઠ વદ અમાસના દિવસે ભગવાન મામાનાં ઘરેથી નિજ મંદિરે આવે છે, ત્યારે તેની ખુશાલીમાં ભંડારો કરવામાં આવે છે. જેમાં વિશિષ્ટ ‘કાળી રોટી-ધોળી દાળ’નો ભંડારો યોજાશે. ભગવાનના પ્રસાદ આરોગ્યા બાદ સૌ સાધુ સંતો આ કાળી રોટી-ધોળી દાળનો પ્રસાદ આરોગશે.