Ahmedabad: અમદાવાદીઓ માટે શનિવારની સાંજ દુવિધાની સાંજ બની રહી. સાંજના સમયથી શરૂ થયેલા અવિરત વરસાદને કારણે શહેરમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. ઓફિસથી ઘરે જવા નીકળેલા લોકો રસ્તામાં જ અટવાઈ પડ્યા હતા. ભારે જળભરાવની સ્થિતિ સર્જાતા અનેક લોકોના વાહનો બંધ પડી ગયા અને લોકોને ચાલીને જવાની ફરજ પડી હતી. શહેરનો એકપણ વિસ્તાર એવો બાકી ન હતો જ્યાં પાણી ન ભરાયા હોય. સમગ્ર શહેરમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીના દૃશ્યો સામે આવ્યા.
સરખેજથી ગાંધીનગરને જોડતા એસજી હાઈવે પર પણ ઘૂંટણસમા પાણી ભરાતા લોકો પાણીમાં ફસાયા હતા. કલાકો સુધી લોકો ટ્રાફિકમાં ફસાયેલા રહ્યા. કહેવાતુ સ્માર્ટ સિટી જાણે દરિયો બની ગયુ હોય તેવા દૃશ્યો સામે આવ્યા હતા. અનેક વિસ્તારો બે થી ચાર ઈંચ વરસાદમાં જળમગ્ન બન્યા હતા. તંત્ર દ્વારા શહેરના તમામ અંડરપાસ બંધ કરવામાં આવ્યા અને પાણીનો ઝડપી નિકાલ થાય તે માટે વાસણા બેરેજના 15 દરવાજા ખોલવામાંઆવ્યા હતા. ચોમાસા પૂર્વે કોર્પોરેશન દ્વારા કરોડોના ખર્ચે કેચપીટ અને નાળાઓની સફાઈ કરવામાં આવે છે, જો કે આવી તો કેવી સફાઈ કે કરોડો ખર્ચ્યા બાદ પણ લોકોએ પાણીમાં ફસાવાનો વારો આવે છે.
મેટ્રો સિટી અમદાવાદના પોશ કહેવાતા માર્ગો પર પણ જળબંબાકારના દૃશ્યો સામે આવ્યા છે. એવુ લાગી રહ્યુ છે જાણે હિંદુ શાસ્ત્રોમાં જે સાત સાગરોનો ઉલ્લેખ કરાયો છે એ તમામ સાગરો આજે અમદાવાદના માર્ગો પર વહેતા થયા છે. મનપા દર વર્ષે પ્રિમોન્સુન કામગીરીના નામે જનતાના ટેક્સના પૈસાનું આંધણ કરી નાખે છે અને જનતા પાણી વચ્ચે પિસાતી રહે છે. આ માત્ર એક દિવસની સમસ્યા નથી. દર વર્ષે ચોમાસામાં આ જ પ્રકારે લોકો હેરાન થતા રહે છે અને તંત્ર નફ્ફટ બની તમાશો જોતુ રહે છે.
આ પણ વાંચો : Rain Forecast: આગામી ત્રણ દિવસ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાત માટે આગામી 24 કલાક અતિભારે
કોર્પોરેશનના વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણે આક્ષેપ કર્યો કે ભાજપની સરકારમાં સ્માર્ટ સિટી અમદાવાદ વોટરસિટી બની ગયુ છે. શહેરમાં 2700 કિલોમીટરના રોડ બન્યા છે અને 980 કિલોમીટરના એરિયામાં જ માત્ર સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈન નાખવામાં આવી છે. માત્ર 30 ટકા વિસ્તારમાં જ સ્ટ્રોમ વોટરની લાઈનો છે. જો ડ્રેનેજની સુવિધા જ ન રખાઈ હોય તે પાણીનો નિકાલ કેવી રીતે થાય તે મોટો સવાલ છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો