Ahmedabad: રાજ્યમાં ભરઉનાળે વરસાદી માહોલ જામ્યો છે. બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા. તોફાની પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. અમદાવાદ, ભાવનગર, મહેસાણા, પાટણ સહિતના જિલ્લામાં બપોર બાદ વરસાદી માહોલ જામ્યો હતો. અમદાવાદમાં ધોધમાર વરસાદ સાથે કરા પડ્યા હતા. એક તરફ અમદાવાદના અનેક મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. શહેરના વસ્ત્રાપુર, શિવરંજની, સેટેલાઈટ, જોધપુર, બોડકદેવ, સરખેજ, પ્રહલાદ નગર, રતનપોળ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ભારે ઉકળાટ અને ગરમી બાદ ધોધમાર વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને વાતાવરણ ખુશનુમા બન્યુ હતુ.
રવિવારની રજા હોવાથી સાંજના સમયે વરસાદ આવતા લોકો વરસાદની મજા માણવા માટે બહાર દોડી આવ્યા હતા. કરા સાથે વરસાદને કારણે બાળકોમાં પણ કુતુહલ સર્જાયુ હતુ. બાળકો સહિત મોટેરાઓ પણ કરાની મજા માણતા જોવા મળ્યા હતા. તો બીજી તરફ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાનારી IPLની ફાઈનલ મેચ પર વરસાદનું વિઘ્ન જોવા મળ્યુ છે. જેના કારણે ક્રિકેટ રસિકોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે. ક્રિકેટ રસિચો મેચને લઈને ચિંતામાં મુકાયા છે.
આ તરફ રાજ્યમાં મહેસાણા, પાટણ અને ભાવનગરમાં પણ વરસાદ બપોર બાદ વરસાદ ખાબક્યો છે. મહેસાણામાં કાળઝાળ ગરમી વચ્ચે પવન સાથએ વરસાદી છાંટા પડ્યા. વાદળછાયા વાતાવરણ વચ્ચે લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી હતી.
પાટણ જિલ્લાના અનેક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. ચાણસ્મામાં કરા સાથે વરસાદ ખાબક્યો. જેમા ભારે પવન, ગાજવીજ અને કરા સાથે વરસાદ ખાબક્યો. ભારે ઉકળાટ બાદ વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
ભાવનગર શહેર સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો ભાવનગર નજીકના નવાગામમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. કાળઝાળ ગરમી વચ્ચે ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. કરા પડતા જોઈ લોકો કરા લેવા દોડતા દૃશ્યો સામે આવ્યા હતા. અકળાવી દેનારી ગરમી બાદ વરસાદ થતા લોકોને ઠંડકનો અનુભવ થયો હતો
ઈનપુટ ક્રેડિટ- મિહિર સોની સાથે રોનક વર્મા- અમદાવાદ
આજનું વાતાવરણ અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો
Published On - 7:08 pm, Sun, 28 May 23