લ્યો કરો વાત, હવે ચોરી કરવામાં ખેતરનો પાક પણ બાકી નથી રાખતા ચોર, પોલીસથી બચવા અપનાવે છે અવનવાં કીમિયા

ગામડાઓમાં રાતના સમયે ફળિયામાં સૂતેલા લોકોના ઘરોમાં આરોપીઓ ચોરી કરે છે. ચોર હવે ખેતરોનો પાક પણ ચોરી જાય છે. પોલીસથી બચવા માટે અવનવાં કીમિયાઓ અપનાવે છે.

લ્યો કરો વાત, હવે ચોરી કરવામાં ખેતરનો પાક પણ બાકી નથી રાખતા ચોર, પોલીસથી બચવા અપનાવે છે અવનવાં કીમિયા
| Edited By: | Updated on: Jul 31, 2023 | 7:43 PM

Ahmedabad: અમદાવાદ અને આસપાસના જિલ્લાઓમાં છેલ્લા ઘણા સમયથી ચોરીના અનેક બનાવો સામે આવી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં રહેણાક મકાનોને ટાર્ગેટ કરતી આ ગેંગને અમદાવાદ ગ્રામ્ય એલસીબી એ પકડી પાડી છે. આ ચોર ગેંગનું નામ પુનીયા ગેંગ છે, જે ખૂબ ખતરનાક છાપ ધરાવે છે. પોલીસે પુનિયા ગેંગના ત્રણ સભ્યોને પકડી અનેક ચોરીઓનો ભેદ ઉકેલ્યો છે.

અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લાના અનેક ગામોમાં છેલ્લા ઘણા સમયથી એક ખાસ પ્રકારથી ચોરી થતી હોવાની ફરિયાદો વધી હતી. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોના ઘરોમાં એક સરખી રીતે ચોરીઓ થતી હતી, જેને આધારે પોલીસ આ ચોર ગેંગને પકડવા સક્રિય બની હતી.

જોકે ગ્રામ્ય વિસ્તારોમાં ચોરીઓ થતી હોવાથી સીસીટીવીમાં કોઈ ચોરીની ઘટના કે ચોર કેદ થતાં નહીં હોવાથી પોલીસ માટે ચોરોને પકડવા એક પડકાર હતો. જોકે અમદાવાદ એલસીબીની ટીમ દ્વારા આ ગેંગની ધરપકડ કરવામાં આવી હતી. આ ગેંગના ત્રણ સભ્યોની પૂછપરછ કરતાં અનેક ચોકાવનારી વિગતો સામે આવી હતી.

અમુક ચોરીઓ બાદ સાગરીતો બદલી નાખે છે આ ગેંગ

અમદાવાદ ગ્રામ્ય LCBએ પકડેલી આ ગેંગ પૂનીયા ગેંગ તરીકે જાણીતી હતી. પુનીયા ગેંગની ચોરી કરવાની એક ખાસ પ્રકારની મોડસ ઓપરેન્ડી છે. પુનીયા ગેંગનો મુખ્ય વ્યક્તિ પૂનમ ઠાકોર ઉર્ફે પુનીયો છે જે ચોરીઓ કરવા અમુક સમયે તેના સાગરીતો બદલી નાખે છે. તેમજ ચોરી કરેલા સોના ચાંદીના દાગીના દુકાનોમાં આપવાના બદલે તેના સગા સબંધીઓ અને મિત્રોને આપે છે. જેથી પોલીસ પુનિયા સુધી પહોંચી શકે નહીં. પોલીસે મુખ્ય આરોપી પુનિયાની સાથે તેના બે સાગરીત અલ્પેશ પટેલ ઉર્ફે અલ્પો અને અશોક પટેલની ધરપકડ કરી છે. તમામ આરોપીઓ ગુનાહીત ઇતિહાસ ધરાવે છે.

શું છે મોડસ ઓપરેન્ડી ?

પુનીયા ગેંગ દ્વારા ગામડાઓમાં રહેતા લોકોના ઘરે રેકી કરવામાં આવતી હતી. રાતના સમયે લોકો ફળિયામાં સૂતા હોય ત્યારે પાછળના ભાગેથી ઘરમાં ઘૂસી ચોરીને અંજામ આપતા હતા, ઉપરાંત જો કોઈ વ્યક્તિનો ડર જણાય નહિ તો ખેતરમાં જઈને પણ પાકની ચોરી કરતા હતા. પુનિયા ગેંગના સભ્યોને પકડી પોલીસે અમદાવાદ જિલ્લાના કોઠ, વિરમગામ, નલ સરોવર વિસ્તારમાં થયેલા સાતથી વધુ ચોરીના ભેદ ઉકેલ્યા છે. ગેંગના ત્રણેય સભ્યો પાસેથી સોનાના દાગીના, એરંડા નો પાક, રિક્ષા, બાઈક સહિતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો  : નબીરા તથ્ય પટેલની વધુ એક કેસમાં ધરપકડ, સિંધુભવન પાસે કેફેમાં થાર કાર ઘુસાડી તોડી હતી દીવાલ, જુઓ Video

હાલ તો પોલીસે આ ગેંગના સભ્યોને પકડી પાડી સાત ચોરીઓનો ભેદ ઉકેલ્યો છે. જોકે અગાઉ પુનીયા ઉપરાંત અન્ય સભ્યોએ 22 જેટલી ચોરીઓનો અંજામ આપ્યો હતો. હવે પોલીસે આ ગેંગની વધુ પૂછપરછ હાથ ધરી છે અને અન્ય કેટલી ચોરીઓ કરી છે અને આ ગેંગના અન્ય કેટલા સભ્યો છે તે અંગે તપાસ હાથ ધરી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:42 pm, Mon, 31 July 23