સાયબર ફ્રોડ માટે જામતારા સૌથી મોખરે હતું. પરંતુ છેલ્લા કેટલાક સમયથી સાયબર ફ્રોડ દ્વારા સરળતાથી પૈસા મળી રહ્યા છે તેવો ખ્યાલ આવતા હવે અન્ય રાજ્યોના ચોક્કસ વિસ્તારોમાંથી પણ યુવાનો સાયબર ફ્રોડને અંજામ આપી રહ્યા છે. ત્યારે સાયબર ગઠીયાઓને પકડી પાડવા અમદાવાદ સાયબર ક્રાઈમ દ્વારા પણ કવાયત હાથ ધરી છે. છેલ્લા એક અઠવાડિયાથી સાયબર ક્રાઈમ તેમજ SOGની અલગ અલગ ટીમો આવા સાયબર ફ્રોડ કરનારી ગેંગને પકડી રહી છે.
અમદાવાદ સાયબર ક્રાઈમ અને SOGની અલગ અલગ ટીમો છેલ્લા એક અઠવાડિયાથી રાજસ્થાનના જૂદા જૂદા જિલ્લાઓમાં ખાસ ઓપરેશન હાથ ધર્યું હતું. અમદાવાદમાં વિવિધ સાયબર ફ્રોડ, ન્યુડ વીડિયો કોલ, વસ્તુઓના પેકિંગ, આર્મીની ઓળખ આપી થતા ફ્રોડને લઈને નોંધાયેલી ફરિયાદોના આરોપીઓને પકડવા માટે આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં બે કિશોરનો પણ સમાવેશ થાય છે.
આરોપીની પૂછપરછમાં સામે આવ્યું છે કે આ આરોપીઓએ ફક્ત અમદાવાદ જ નહીં પણ અન્ય જિલ્લાઓમાં લોકોને સાયબર ફ્રોડનો શિકાર બનાવ્યા છે. પોલીસે આરોપી પાસેથી કબ્જે કરાયેલા 8 મોબાઈલમાંથી અનેક ફ્રોડની માહિતી સામે આવી હતી. જેમાં આર્મીના કેમ્પમાં એર કોમ્પ્રેસર ખરીદવાનું કહી આર્મીના નિયમ મુજબ ક્રેડિટ એડવાન્સ પેમેન્ટ કરવાનું કહી છ લાખથી વધુની રકમ પડાવી લીધી હતી. આ ઉપરાંત વર્ક ફ્રોમ હોમના નામે નટરાજ પેન્સિલનું પેકિંગ કામ કરવાનું કહી અલગ અલગ પ્રકારની ફી ઉઘરાવી 9000થી વધુની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી.
રાજસ્થાન અને હરિયાણાના વિવિધ વિસ્તારમાંથી સાયબર ગઠિયાઓ લોકોને પોતાનો શિકાર બનાવી રહ્યા છે. ખાસ કરીને ન્યૂડ વીડિયો કોલ, બેન્ક ફ્રોડ કોલ અને જોબ વર્ક આપવાના બહાને લોકો પાસેથી પૈસા પડાવી લેવામાં આવે છે. આ ઉપરાંત વર્ક ફ્રોમ હોમ અને યુટ્યુબ પર વીડિયો લાઈક કરી પૈસા કમાવવાની લાલચમાં પણ લોકો સૌથી વધુ પૈસા ગુમાવી રહ્યા છે. ત્યારે સાયબર ક્રાઈમ લોકોના પૈસા પરત અપાવવા અને આરોપીઓને પકડવા ઓપરેશન હાથ ધર્યું છે. આ સાથે લોકોએ પણ સાવચેતી રાખવી ખુબ જરૂરી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…